લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. થોડા દિવસોમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં જ કેન્દ્ર સરકારે આખા દેશમાં નાગરિક સંશોધન કાયદો (CAA) લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા 11 માર્ચે તેનું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. તેવી સ્થિતિમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CAAને લઈને એક સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ CAAને લઈને અફવા ફેલાવશે કે ખોટા સમાચારો ફેલાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે (11 માર્ચ) X પર પોસ્ટ કરીને સૂચના જારી કરી છે. તેમણે લખ્યું છે કે, “CAAને લઈને ખોટા સમાચાર અને અફવા ફેલાવનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદો કોઈની પણ નાગરિકા સમાપ્ત નથી કરતો અને કોઈપણ ધર્મ કે આસ્થાની વિરુદ્ધ નથી. એક જવાબદાર નાગરિક બનો, સત્ય જાણો અને ખોટી અફવાઓથી દૂર રહો.”
Anyone spreading fake news and rumors about #CAA will face strict legal action. This law doesn't revoke anyone's citizenship, and it isn't against any religion or faith.
— Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) March 11, 2024
Be a responsible citizen, know the truth, and beware of fake news.
હકીકતમાં ભાજપે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં જ પોતાના ઘોષણાપત્રમાં CAA કાયદાનો સમાવેશ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ અનેક ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિક સંશોધન અધિનિયમ લાગુ કરવાની વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, લોકસભા ચૂંટણી પહેલાં જ CAA દેશભરમાં લાગુ કરવામાં આવશે. જ્યારે હવે કેન્દ્ર સરકારે આખા દેશમાં CAA કાયદો લાગુ પણ કરી દીધો છે.
ઉલ્લખનીય છે કે, CAAના રજીસ્ટ્રેશન માટે મોટી સંખ્યામાં એપ્લીકેશનો મળી રહી છે. આ એપ્લીકેશનોમાં સૌથી વધુ અરજીઓ પાકિસ્તાનથી આવી રહી છે. આ અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં લઘુમતી (હિંદુ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન અને પારસી) સમુદાયોને ભારતીય નાગરિકતા મળી શકશે. આ તમામ સમુદાયો પાડોશી દેશમાં ઇસ્લામિક કટ્ટરપંથથી પીડિત છે અને ત્યાં તેમની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. ડિસેમ્બર 2014થી જે પીડિત ભારતમાં શરણાર્થી બનીને રહી રહ્યા છે, તેમને હવે અહીં સ્થાયી નાગરિકતા મળી શકશે. મોદી સરકારના આ પગલા બાદ દેશમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનોની આશંકા છે, જેને લઈને પૂરતા સુરક્ષા બંદોબસ્ત પહેલાથી જ કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ સુરક્ષાની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
CAA લાગુ થયા બાદ ફરીથી તેને ‘મુસ્લિમવિરોધી’ ગણાવવાનાં કાવતરાં કરવામાં આવી રહ્યાં છે, પરંતુ હકીકત એ છે કે આ કાયદો ત્રણ પાડોશી ઇસ્લામિક દેશોમાંથી પ્રતાડિત લઘુમતીઓને નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે, કોઈની નાગરિકતા છીનવવા માટે નહીં. એટલે કે એક રીતે ભારતના વર્તમાન નાગરિકોને તે કોઇ પણ રીતે અસર કરશે નહીં.