Saturday, November 23, 2024
More
    હોમપેજદુનિયાPM મોદી વિરુદ્ધ ટિપ્પણી બાદ માલદીવ જતા ભારતીયોની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો,...

    PM મોદી વિરુદ્ધ ટિપ્પણી બાદ માલદીવ જતા ભારતીયોની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો, પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું- ભારતના બહિષ્કારની મોટી અસર થઈ, જે કંઈ બન્યું તે બદલ દિલગીર છીએ

    મોહમ્મદ નશીદે વડાપ્રધાન મોદીની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, “હું વડાપ્રધાનને પણ મળ્યો. પીએમ મોદીએ અમને શુભેચ્છાઓ આપી. હું તેમનો ઘણો મોટો સમર્થક છું અને તેમને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું.” 

    - Advertisement -

    તાજેતરમાં ભારત અને માલદીવ વચ્ચે સર્જાયેલા રાજદ્વારી તણાવ બાદ ભારતમાં માલદીવનો બહિષ્કાર કરવાની માંગ તીવ્ર બની હતી, જેના કારણે ટાપુ દેશ પર અસર પડવા માંડી છે. એક ડેટા અનુસાર, ગત વર્ષ કરતાં આ વર્ષે માલદીવમાં ભારતીય યાત્રીઓની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ બાબત માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી છે અને તેમણે માલદીવના નાગરિકો વતી ભારતની માફી માંગી છે. 

    માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ હાલ ભારતના પ્રવાસે છે. તાજેતરમાં એક નિવેદન આપતાં તેમણે કહ્યું હતું કે, તાજેતરના રાજદ્વારી તણાવ બાદ તેમના દેશમાં જે કંઈ ભારતવિરોધી નેરેટિવ ચાલ્યો તે બદલ માલદીવના નાગરિકો દિલગીર છે અને માફી માંગે છે. આ સિવાય તેમણે ભારતના બહિષ્કારના કારણે ટાપુ દેશ પર પડેલી આર્થિક અસરોની પણ વાત કરી અને કહ્યું કે વહેલી તકે આ મુદ્દે સમાધાન લાવવું જોઈએ. 

    ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “આની (ભારતના બહિષ્કારની) માલદીવ પર ઘણી અસર થઈ છે. હું આજે જ્યારે ભારતમાં છું તો ઘણો ચિંતિત છું. હું કહેવા માંગીશ કે જે કંઈ પણ બન્યું તે માટે માલદીવના લોકો દિલગીર છે. અમે ઈચ્છીએ છીએ કે ભારતીયો રજાઓ માણવા માટે માલદીવ આવે, અમે ખાતરી આપીએ છીએ કે તેમની મહેમાનગતિમાં કોઇ કચાશ નહીં રાખીએ.”

    - Advertisement -

    તેમણે માલદીવ સાથેના તણાવ દરમિયાન પણ ભારત સરકારે દાખવેલા વલણની પ્રશંસા કરી. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, “જ્યારે માલદીવના રાષ્ટ્રપતિએ ભારતના સૈનિકોને દેશ છોડવા કહ્યું ત્યારે ભારતે શું કર્યું? તેમણે કોઇ શક્તિ ન બતાવી કે બળપ્રયોગના પ્રયાસ ન કર્યા. તેમણે માત્ર માલદીવ સરકારને એટલું જ કહ્યું કે, ઠીક છે, ચાલો તેની ઉપર ચર્ચા કરીએ.” ઉલ્લેખનીય છે કે હાલના માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીન સમર્થક છે અને તેમણે સત્તામાં આવતાંની સાથે જ અમુક બાબતમાં ભારતવિરોધી વલણ દાખવવા માંડ્યું હતું.

    PM મોદીનો હું મોટો સમર્થક છું: મો. નશીદ 

    મોહમ્મદ નશીદે વડાપ્રધાન મોદીની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, “હું વડાપ્રધાનને પણ મળ્યો. પીએમ મોદીએ અમને શુભેચ્છાઓ આપી. હું તેમનો ઘણો મોટો સમર્થક છું અને તેમને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું.” 

    નોંધનીય છે કે થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ યાત્રા બાદ સોશિયલ મીડિયા પર ચાલતી લક્ષદ્વીપ વિ. માલદીવની ચર્ચામાં નેટીઝન્સ સાથે માલદીવના અમુક મંત્રીઓ પણ કૂદી પડ્યા હતા અને ભારતીય વડાપ્રધાન વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ભારતીયોએ એકતા દાખવીને પોતાના નેતાના અપમાનનો બદલો વાળવા માટે માલદીવનો બહિષ્કાર કરવાનું કેમ્પેઈન સોશિયલ મીડિયા પર શરૂ કર્યું હતું. 

    જોકે, આ કેમ્પેઇન માત્ર સોશિયલ મીડિયા પર જ ન રહ્યું અને તેની અસર પણ દેખાઈ. માલદીવના પ્રવાસન મંત્રાલયના ડેટા અનુસાર, ગત વર્ષ કરતાં આ વર્ષે માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 33 ટકા જેટલી ઘટી ગઈ છે. વધુ માહિતી અનુસાર, ગત વર્ષે 4 માર્ચ સુધીમાં 41,054 પ્રવાસીઓએ માલદીવની યાત્રા કરી હતી, જે સંખ્યા આ વર્ષે 2 માર્ચ સુધીમાં 27,224 થઈ. આમ 13,830 જેટલા મુસાફરોનો ઘટાડો જોવા મળ્યો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં