એક તરફ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાત આવવાની તૈયારીમાં છે. તે પહેલા જ ગુજરાતના બે દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું. અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા એ કોંગ્રેસને રામ-રામ કરી દીધા છે. રાજીનામાં બાદ અર્જુન મોઢવાડિયાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં ખૂબ જ ગુંગળામણ અનુભવી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજીનામાં બાદ તેઓ બંધનમાંથી મુક્ત થયા હોય તેવું અનુભવી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી ગુંગળામણ અનુભવી રહ્યો હતો- અર્જુન મોઢવાડિયા
રાજીનામાં બાદ પત્રકારોને સંબોધતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, “મારા કાર્યકાળમાં મારી જે કાઈ શક્તિ હતી તે મેં કોંગ્રેસ પાર્ટી માટે ખર્ચી છે. છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં હું ગુંગળામણ અનુભવી રહ્યો હતો. જે કામ કરવા હું પક્ષમાં આવ્યો હતો એ મુદ્દાને કારણે હું જીત્યો. પ્રજાની અપેક્ષા હોય છે કે નેતા તેમની સાથે જોડાયેલા રહે. પણ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં સામાજિક પરિવર્તન લાવવા હું જોડાયો હતો, હવે મને લાગ્યું કે હું કામ નહીં કરી શકું એટલે મેં ભારે હ્રદયે રાજીનામું આપ્યું. મારા સહયોગીઓની લાગણી હતી કે હું પક્ષને છોડું કારણકે તેમને લાગતું હતું કે હવે કોંગ્રેસમાં પરિવર્તન આવે તેમ નથી.”
રામ મંદિરનો નિર્ણય પ્રજાને આહત કરનારો- અર્જુન મોઢવાડિયા
રામ મંદિરને લઈને પોતાના મનની વ્યથા ઠાલવતા તેમણે જણાવ્યું કે, “જયારે કોઈ રાજકીય પક્ષ પ્રજા સાથેનો તાંતણો ગુમાવી દે છે ત્યારે તે વધારે સમય ટકી શકતો નથી અને એક NGO બની જાય છે. દેશના લોકોને આશા હતી કે રામ મંદિર બને અને બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ રામ મંદિર બનાવવામાં આવ્યું. તેમ છતાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું. તે સમયે પણ મેં અવાજ ઉઠાવ્યો હતો કે આ પ્રજાની ભાવનાને આહત કરનારી બાબત છે અને આવા નિર્ણય ન લેવા જોઈએ. તે સમયે સાબિત થયું હતું કે પક્ષે પ્રજા સાથેનો સંવાદ હોવો જોઈએ તેમાં કચાશ રહી ગઈ.”
#WATCH | Gandhinagar: After his resignation from Congress, Arjun Modhwadia says, "When a party loses its connection with the people, it cannot survive for long. The people of the country wanted the Ram Temple to be constructed. The Congress had also decided that after a… pic.twitter.com/jrzRMnfD72
— ANI (@ANI) March 4, 2024
પાર્ટીમાંથી મુક્ત થયા બાદ રીલીફ અનુભવી રહ્યો છું- અર્જુન મોઢવાડિયા
કોંગ્રેસમાંથી મુક્ત થયા બાદના અનુભવ વિશે કહેતા તેમણે જણાવ્યું કે, “ત્યાર બાદ પણ આ બધી બાબતો વારંવાર સમજાવવાની પ્રતન કર્યો પણ હું અસફળ રહ્યો અને આખરે મેં આજે રાજીનામું આપ્યું. મારા મત વિસ્તારના લોકો અને ગુજરાતે મને અપાર પ્રેમ આપ્યો છે. આજે કોંગ્રેસ સાથેના બંધનમાંથી મુક્ત થતા હું રાહત અનુભવી રહ્યો છું. કોંગ્રેસમાં સહુથી વધુ પ્રવાસો અને કાર્યક્રમો કરનાર કોઈ કાર્યકર્તા હોય તો તે હું છું. આવો કોઈ કાર્યકર્તા રાજીનામું આપે તો તે પક્ષે મંથન કરવાનું હોય કે આવું શુ કામ થયું. મારી એટલી જ વાત હતી કે જે ચાલી રહ્યું છે તેના પરિણામ ગુજરાત અને દેશમાં નજર સામે છે. મારે કશું કહેવાની જરૂર જ નથી. તેમણે આત્મમંથન કરવાની જરૂર છે, કરશે તો ટકી રહેશે.”
શું છે અર્જુન મોઢવાડિયાનો રાજકીય સફર
17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અર્જુન મોઢવાડિયાએ મોઢવાડાના સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ત્યાર બાદ 1982માં મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની ડીગ્રી મેળવી. 1982થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. 1988માં ‘એક્ઝીક્યુટીવ કાઉન્સિલ ઓફ યુનિવર્સિટી’ (Executive Council of the University)ના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. એન્જિન્યરિંગના અભ્યાસ બાદ અર્જુન મોઢવાડિયાએ લગભગ 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ.
વર્ષ 1997માં સત્તાવાર રીતે તેઓ કોંગ્રેસમાં જોડાયા. તેઓ પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. ત્યાર બાદ વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસમાં રહ્યા. ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જવાબદારીમાં આવ્યા હતા. વર્તમાનમાં તેઓ પોરબંદરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા.