એક તરફ લોકસભા ચૂંટણીઓને લઈને બ્યુગલ ફૂંકાઈ ચુક્યા છે, તમામ પાર્ટીઓ તડામાર તૈયારી કરી રહી છે. તો બીજી તરફ INDI ગઠબંધન ભાજપ અને વડાપ્રધાન મોદીની છબી ખરડાય તેવા ભરપુર પ્રયત્ન કરી રહી છે. તાજેતરમાં લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન મોદીના પરિવારને લઈને કરેલી અપમાનજનક ટીપ્પણી બાદ હવે તેમણે પગ પર કુહાડી નહી, પરંતુ કુહાડી પર પગ માર્યા જેવી સ્થિતિ ઉભી થઈ છે. તેમની આ ટીપ્પણીના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ભારતની 140 કરોડની જનતા મોદીનો પરિવાર છે. સાથે જ વડાપ્રધાન મોદીએ મેરા ભારત મેરા પરિવાર જેવું નવું સૂત્ર આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં જાહેર સભાને સંબોધતા લાલુ યાદવ અને વિપક્ષને અવળે હાથ લીધો હતો. પરિવારવાદ પર તેમને ઘેરતા વડાપ્રધાને કહ્યું હતું કે, “ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણ પર ઈન્ડી (INDI) ગઠબંધનના નેતાઓ બોખલાઈ રહ્યા છે. હેવ તેમણે 2024ની ચૂંટણીનો પોતાનો અસલ ઘોષણાપત્ર કાઢ્યો છે. હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું તો તે લોકોએ બોલવાનું શરૂ કરી દીધું છે કે મોદીનું કોઈ પરિવાર નથી. કાલે એમ કહી દેશે કે તમે ક્યારે જેલમાં નથી ગયા, તમને સજા નથી થઈ એટલે તમે રાજનીતિમાં ન આવી શકો. મારું જીવન ખુલા પુસ્તક જેવું છે. મને દેશના લોકો સારી રીતે જાણે અને સમજે છે. મારા પલ-પલની ખબર દેશ રાખે છે. અને ક્યારેય હું મોડી રાત સુધી કામ કરું અને લોકોને ખબર પડે ત્યારે લાખો લોકો મને કહે છે કે આટલું કામ ન કરો, થોડો આરામ પણ કરો.”
મારો ભારત મારો પરિવાર…: વડાપ્રધાન મોદી
તેમણે આગળ કહ્યું કે, “એક સપનું લઈને મેં નાનપણમાં ઘર છોડ્યું હતું અને જયારે મેં મારું ઘર છોડ્યું ત્યારે જ નક્કી કર્યું હતું કે હું દેશવાસીઓ માટે જીવીશ. મારો દરેક પલ આપ લોકો માટે હશે. મારા કોઈ અંગત સપના નહીં હોય, આપના સપના એજ મારો સંકલ્પ હશે. જિંદગી ખપાવી દઈશ આપણા સપના પુરા કરવા માટે. દેશના કરોડો લોકો મને પોતાનો માને છે, પોતાના પરિવારના સભ્યની જેમ મને પ્રેમ કરે છે અને એટલે જ હું કહું છું, 140 કરોડ દેશવાસીઓ એ જ મારો પરિવાર છે. આ દેશની કરોડો માતાઓ બહેનો… દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે. દેશના બાળકો-બુજુર્ગો મોદીનો પરિવાર છે. જેના કોઈ જ નથી, મોદી તેનો છે અને તેઓ મોદીના છે. મારો ભારત મારો પરિવાર…આ જ ભાવનાઓનો વિસ્તાર લઈને હું આપ માટે જીવી રહ્યો છું આમના માટે ઝઝૂમી રહ્યો છું અને ઝઝૂમતો રહીશ. અને એટલા માટે જ આંખો દેશ એક સૂરમાં કહી રહ્યો છે કે “હું છું મોદીનો પરિવાર” આપ પણ મારી સાથે બોલો “મેં હું મોદી કા પરિવાર.”
ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા હેન્ડલ પર બદલ્યા બાયો
આ આખા ઘટનાક્રમ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિતના તમામ મોટા નેતાઓએ પોતાના આધિકારિક X હેન્ડલ પર બાયો બદલીને તેમાં પોતાના નામની પાછળ “મોદી કા પરિવાર” લખી નાંખ્યું છે. વડાપ્રધાન મોદીના ‘મેરા ભારત મેરા પરિવાર’ કહ્યા બાદ અનેક લોકો X પર પોતાનો બાયો બદલી રહ્યા છે અને ફરી એક વાર ‘મૈ ભી ચોકીદાર’ કેમ્પેઈન જેવો માહોલ ઉભો થઇ રહ્યો છે.
Union Home Minister Amit Shah, BJP national president JP Nadda and other party leaders change their bio in solidarity with PM Modi after RJD chief Lalu Yadav's 'Parivarvaad' jibe pic.twitter.com/CrGxb9b39O
— ANI (@ANI) March 4, 2024
લાલુ પ્રસાદ યાદવે પરિવારના નામે વડાપ્રધાન મોદી પર કર્યા હતા અંગત પ્રહાર
ઉલ્લેખનીય છે કે ગત 3 માર્ચે જનવિશ્વાસ રેલીમાં લાલુ યાદવે વડાપ્રધાન મોદી વિશે વાંધાજનક ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મોદી ક્યા હૈ? મોદી કોઇ ચીજ નહીં હૈ. મોદી કે પાસ તો પરિવાર હી નહીં હૈ. અરે ભાઈ, તુમ બતાઓ ના કી તુમ્હારે પરિવાર મેં કોઇ સંતાન ક્યોં નહીં હુઆ. જ્યાદા સંતાન હોને વાલે લોગોં કો બોલતા હૈ કી પરિવારવાદ હૈ, પરિવાર કે લિયે લડ રહા હૈ. તુમ્હારે પાસ તો પરિવાર નહીં હૈ.”
આગળ લાલુ યાદવે કહ્યું હતું કે, “તુમ (મોદી) તો હિંદુ ભી નહીં હો. મોદી કી માતાજી કા જબ નિધન હુઆ તો સબને દેખા કી મોદી ને માં કી મૌત કે બાદ ભી બાલ-દાઢી નહીં બનાવાયા. કિસી કી માં મરતી હૈ તો બેટા બાલ અપના છીલવાતા હૈ. તુમ ક્યોં નહીં છીલવાયે, જબ તુમ્હારી માં કા નિધન હુઆ.”
વડાપ્રધાન મોદી પર પહેલા પણ થઇ ચુકી છે આ પ્રકારની ટીપ્પણીઓ
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પર અંગત પ્રહાર કરવા તે વિપક્ષ કે ગઠબંધનના નેતાઓ માટે કોઈ નવી વાત નથી. વર્ષ 2014 અને ત્યાર બાદ 2019ની ચૂંટણીઓ વખતે પણ વડાપ્રધાન મોદી પર અસંખ્ય અંગત પ્રહારો કરવામાં આવ્યા. વિપક્ષના તમામ નેતાઓ સતત તેમને ઘેરતા રહ્યા. વડાપ્રધાન મોદી પોતાને દેશના ચોકીદાર ગણાવે છે. તેમને ‘ન ખાતા હૈ, ન ખાને દેતા હૈ’ જેવી વાતો ખૂબ પ્રચલિત છે. તેવામાં રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ’ કહીને તેમનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ જેવા નિવેદન બાદ વર્ષ 2019ની ચૂંટણી વખતે વડાપ્રધાને ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કરી દીધું. તેમણે દેશના દરેક નાગરિકને ભ્રષ્ટાચાર અને સામાજિક દુષણો સામેની લડાઈમાં ચોકીદાર બનાવીને આગળ કર્યા. વડાપ્રધાન મોદી તેમાં સફળ થયા અને રાહુલ ગાંધીનું ‘ચોકીદાર ચોર હૈ’ નેરેટીવનું સુરસુરિયું થઈ ગયું હતું.