આગામી 8 માર્ચના રોજ સનાતન ધર્મના મહાપર્વ પૈકીનો એક તહેવાર શિવરાત્રી આવી રહ્યો છે. આ મહાપર્વને લઈને જૂનાગઢમાં દર વર્ષે યોજાતા શિવરાત્રીના મેળાનાં આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે હિંદુઓના આસ્થાના કેન્દ્ર એવા ભવનાથની તળેટીમાં નોનવેજ બનાવવામાં આવી રહ્યું હોવાનો એક વિડીયો વાયરલ થતાં શ્રદ્ધાળુઓ અને સંત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ભવનાથની તળેટીમાં આવેલા દત્ત ચોકમાં નોનવેજ રસોઈ બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક લોકો ત્યાં જઈને તપેલામાં પાકી રહેલી વાનગી તરફ કેમેરો લઈ જઈને પૂછે છે કે આમાં શું છે. વિડીયોમાં જોતાં જ ખ્યાલ આવી રહ્યો છે કે તપેલામાં બની રહેલી રસોઈમાં માંસનો ઉપયોગ થયો છે. બીજી તરફ વિડીયો બનાવી રહેલા લોકો પણ બોલી રહ્યા છે કે આ મટન છે કે શું? આ દરમિયાન વિડીયો બનાવનાર વ્યક્તિ પોલીસ બોલાવવાની વાત પણ કરે છે.
કૃત્ય કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સંત સમાજની માંગ
આ વિડીયો સામે આવ્યા બાદથી જ હિંદુ શ્રદ્ધાળુઓ અને સંત સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘટનાને લઈને જૂનાગઢ ખાતે આવેલા અનેક આશ્રમો અને મહંતો સહિત સંતોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવભારતી બાપુએ ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ઘટનાને લઈને રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, “ગિરનાર ક્ષેત્ર એક ધાર્મિક ક્ષેત્ર છે, અહીં હજારો હિંદુ મંદિરો અને સનાતનને સાચવતા આશ્રમો છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ભવનાથ ક્ષેત્ર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.”
મહાદેવભારતી બાપુએ વધુમાં કહ્યું કે, “આ ક્ષેત્રમાં લાખો શ્રદ્ધાળુઓ અને હજારો સાધુ સંતોની આસ્થા રહેલી છે અને આવાં મહત્વના ધાર્મિક સ્થળ પણ ગઈકાલે કોઈ વ્યક્તિએ જાહેરમાં નોનવેજ રસોઈ બનાવી અને તેનો વિડીયો વાયરલ થયો. આવી પવિત્ર ભૂમિ પર આ પ્રકારનું કૃત્ય થવાથી અમારા આખા સંત સમાજમાં આક્રોશ છે. અમે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. અમારા દરેક સંતોની માંગણી છે કે જે લોકોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.”
ભવનાથને ‘વેજ ઝોન’ જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે- મહાદેવભારતી બાપુ
આ ઘટના સામે આવતાંની સાથે જ જૂનાગઢના ભવનાથને ‘વેજ ઝોન’ જાહેર કરવાની માંગ તીવ્ર બની છે. આ બાબતે માહિતી આપતા મહાદેવભારતી બાપુએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “અમારા સંત સમાજ અને શ્રદ્ધાળુઓની પ્રશાસન પાસે તેવી પણ માંગ છે કે ભવનાથને ‘વેજ ઝોન’ જાહેર કરવામાં આવે. ગઈકાલે ભવનાથના સંત સમાજે આ બાબતે એક બેઠક પણ કરી હતી અને સર્વસંમતિથી એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે કે ભવનાથને વેજ ઝોન જાહેર કરવામાં આવે. ભવનાથમાં સનાતન ધર્મમાં વર્જિત કોઈ અખાદ્ય પદાર્થ કે પીણાં ન વેચાય તે માટે અમારી આ માંગ અમલમાં મૂકાય તે જરૂરી છે.”
મુસ્લિમ બગીવાળાઓ પ્રતિબંધિત કરવામાં આવે, થૂંકીને યાત્રાસ્થળ અપવિત્ર કરે છે- મહાદેવભારતી બાપુ
આ સિવાય તેમણે શિવરાત્રી મહાપર્વને લઈને બિનહિંદુઓ દ્વારા ઉભી થતી તકલીફો વિશે પણ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “હજારો વર્ષોથી ભવનાથમાં શિવરાત્રી મહાપર્વનો મેળો ભરાતો આવ્યો છે. પાંચ દિવસ ચાલતા આ પર્વમાં આખા દેશના હજારો નાગા સાધુઓ, અખાડાના સંતો મહંતો અહીં ભજન-ભોજન અને ભક્તિની ત્રિવેણીમાં ભાગ લેવા આવે છે. કુંભના મેળાની જેમ જ અહીં પણ જૂના અખાડાથી ભવનાથ મંદિર સુધી ભવ્ય શોભાયાત્ર નીકળે છે. ત્યાં કૂંડમાં તમામ સંતો પવિત્ર સ્નાન કરે છે. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સંતો જોડાય છે.”
તેમણે આગળ જણાવ્યું કે, “આ યાત્રાને લઈને પ્રશાસન પણ આખા રસ્તાને કોર્ડન કરીને તેને સ્વચ્છ કરી પવિત્ર કરે છે. યાત્રામાં આગળ ત્રણેય અખાડાના દેવતાઓ હોય છે, બાદમાં નાગા સાધુઓ અને ત્યારબાદ મહામંડલેશ્વરના રથ હોય છે. છેલ્લા કેટલાક સમયથી એવું બની રહ્યું છે કે આ જે રથ-બગી હોય છે તે મુસ્લિમો લઈને આવે છે. તેઓ હિંદુ ધર્મમાં વર્જિત વસ્તુઓ ખાઈ-પીને આવે છે, જ્યાં-ત્યાં થૂંકીને આ યાત્રાને અપવિત્ર કરે છે. આટલું જ નહીં, જૂનાગઢમાં તેઓ શિવરાત્રી મેળામાં દુકાનો પણ લગાવે છે અને ન્યુસન્સ ફેલાવે છે. આ બધી બાબતોના કારણે અમારા સંત સમાજની માંગ છે કે આ પર્વ હિંદુઓનું છે તો અહીં માત્ર હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે. બગી કે રથ પણ હિંદુઓના જ હોય અને જે બિનહિંદુ લોકો અહીં મેળામાં સ્ટોલ નાખે છે તેમને અટકાવવામાં આવે.”
નોનવેજ બનતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં
ઉલ્લેખનીય છે કે ભવનાથની તળેટીમાં દત્ત ચોક ખાતે નોનવેજ રાંધવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જૂનાગઢ પોલીસ દ્વારા ખાસ ટીમ બનાવીને શિવરાત્રીનો મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી ભવનાથના ખૂણેખૂણાનું ચેકિંગ કરવામાં આવશે. વાયરલ થઈ રહેલા વિડીયો મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને શું કાર્યવાહી ચાલી રહી છે તે જાણવા ઑપઇન્ડિયાએ ભવનાથ પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર સંપર્ક સ્થાપી શકાયો નહીં. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.