કર્ણાટકના બેંગ્લોરમાં રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ મામલે તપાસ ચાલી રહી છે. આ દરમિયાન અનેક જાણકારીઓ સામે આવી છે. તપાસ કરનારા અધિકારીઓએ શુક્રવારે (1 માર્ચ) આ બેંગ્લોર બ્લાસ્ટ કેસ અંગે જણાવ્યું છે કે, સંદિગ્ધ આરોપીએ બ્લાસ્ટ કર્યા પહેલાં કાફેમાંથી રવા-ઇડલીનો ઓર્ડર કર્યો હતો. જે બાદ તે કાફેમાં બૉમ્બની બેગ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સંદિગ્ધ શખ્સ બપોરના સમયે કાફેની આસપાસ આંટા મારતો પણ જોવા મળ્યો હતો. આ મામલે UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ સંદિગ્ધ આરોપીની શોધખોળ કરી રહી છે.
બેંગ્લોર બ્લાસ્ટ કેસમાં ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. CCTV કેમેરાના ફૂટેજના આધારે તપાસ ટીમો આરોપીની ઓળખ કરવામાં લાગી ગઈ છે. તેના સુધી પહોંચવા માટે પોલીસ સહિતની ટીમો સોફ્ટવેર અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચહેરાની ઓળખ કરી રહી છે. પોલીસે આ મામલે આતંકી વિરોધી ગેરકાનૂની પ્રવૃતિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ પ્રથમ FIR નોંધી છે.
પોલીસ આ મામલે સતત CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. CCTV ફૂટેજમાં જોવા મળે છે કે, એક સંદિગ્ધ શખ્સ 11:30 કલાકે કાફેમાં આવે છે, તેણે સફેદ રંગની ટોપી પહેરેલી જોવા મળે છે. સાથે તેણે પોતાનું મોઢું પણ કપડાંથી ઢાંકેલું છે. તેણે 11:38એ રવા-ઇડલીનો ઓર્ડર કર્યો હતો. જે બાદ તે રવા-ઇડલી ખાય છે અને 11:44 કલાકે તે હાથ ધોવા માટે વૉશ બેસિન તરફ જાય છે. આ દરમિયાન તેણે LEDવાળું બેગ કાફેમાં જ છોડી દીધું હતું અને 11:45એ તે શખ્સ કાફેમાંથી નીકળી ગયો હતો. જેના 11 મિનિટ બાદ એટલે કે 11:56એ બ્લાસ્ટ થયો હતો.
NIAની ટીમ પણ કરી રહી છે તપાસ
વિસ્ફોટની માહિતી મળતાં જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. NIA પણ આ બ્લાસ્ટની તપાસમાં વ્યસ્ત છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોમાં કાફેના કર્મચારીઓ અને ગાર્ડનો સમાવેશ થાય છે. ઘાયલોની હાલમાં સારવાર ચાલી રહી છે.કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લોકોને ચાલી રહેલી તપાસમાં સહયોગ માટે હાકલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (1 માર્ચ) કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં રાજાજીનગર સ્થિત ‘રામેશ્વરમ કાફે’માં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બપોરના સમયે ઘટી હતી. જેમાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, શરૂઆતમાં એવી માહિતી વહેતી થઈ હતી કે, કાફેમાં થયેલો ધમાકો સિલિન્ડર બ્લાસ્ટથી થયો છે. પરંતુ તે પછી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ માહિતી આપીને તેને બૉમ્બ બ્લાસ્ટ ગણાવ્યો હતો. પોલીસ અને અન્ય તપાસ ટીમો દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.