પશ્ચિમ બંગાળમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સંદેશખાલીમાં ED પર થયેલા હુમલા બાદ સતત ભાગતા ફરતા શાહજહાં શેખની પોલીસે ધરપકડ કરી લીધી છે. TMC નેતા શાહજહાં શેખની બંગાળ પોલીસે ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી બુધવારની (28 ફેબ્રુઆરી) મોડી રાતે ધરપકડ કરી હતી.
શાહજહાં શેખની પોલીસે ધરપકડ બાદ મિનાખાનના એસડીપીઓ અમીનુલ ઈસ્લામ ખાને માહિતી આપતા જણાવ્યું કે, શેખ શાહજહાંને બસીરહાટ કોર્ટમાં લઈ જવાની તૈયારી થઇ રહી છે. તેમણે જણાવ્યું કે શેખ શાહજહાંને ગુરુવારે (29 ફેબ્રુઆરી) બપોરે 2 વાગ્યે બસીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
#WATCH संदेशखाली हिंसा | पश्चिम बंगाल पुलिस ने TMC नेता शेख शाहजहां को गिरफ्तार कर लिया है, उसे आज बशीरहाट कोर्ट में पेश किया जाएगा।
— ANI_HindiNews (@AHindinews) February 29, 2024
वीडियो न्यायालय परिसर से है। pic.twitter.com/H0V3rUo1Tm
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી બંગાળનું સંદેશખાલી સતત ચર્ચામાં છે. TMC નેતા શાહજહાં શેખ પર EDના અધિકારીઓ પર હુમલો, સ્થાનિક મહિલાઓની જાતીય સતામણી અને રાશન કૌભાંડમાં સંડોવણીના ગંભીર આરોપો છે. આ પહેલા ED શાહજહાં શેખને ત્રણ સમન પાઠવી ચૂક્યું છે.
શાહજહાં શેખની ધરપકડ પર બંગાળના ભાજપ અધ્યક્ષ સુકાંત મજમુદારે કહ્યું કે, “ભાજપના સતત આંદોલનને કારણે આ સરકારને શેખ શાહજહાંની ધરપકડ કરવાની ફરજ પડી છે. અગાઉ આ સરકાર (મમતા બેનર્જીની) એ પણ સ્વીકારતી ન હતી કે આવું કંઈક થયું હતું. આજે અમારા અને સંદેશખાલીની માતાઓ-બહેનોના આંદોલનને કારણે સરકાર અને મમતા બેનર્જીને શેખ શાહજહાંની ધરપકડ કરવી પડી છે”
ઉલ્લેખનીય છે કે, EDની ટીમ પર થયેલા હુમલાં બાદ શાહજહાં શેખ 55 દિવસથી વધુ સમયથી ફરાર હતો. શેખના ઘરે દરોડા પાડવા પહોચેલાં EDના અધિકારીઓ પર તેના સમર્થકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ અધિકારીઓ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. આ ઉપરાંત શાહજહાં શેખ પર સંદેશખાલીમાં મહિલાઓનું જાતીય શોષણ કરવાનો અને ખેડૂતોની જમીન પચાવી પાડવાનો આરોપ પણ છે. મહિલાઓના ઉત્પીડનનો મામલો પ્રકાશમાં આવ્યા પછી સંદેશખાલી વિસ્તારના લોકો શેખની ધરપકડની માંગ સાથે છેલ્લા એક મહિનાથી હિંસક વિરોધ કરી રહ્યા છે. આ મામલે વિપક્ષ ટીએમસી નેતા શેખ શાહજહાંને લઈને મમતા બેનર્જીની સરકારને સતત ઘેરી રહ્યો છે.
તાજેતરમાં જ સંદેશખાલીમાં પીડિત મહિલાઓને ન્યાય મળે તે માટે ઘટનાની તપાસ માટે ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એલ. નરસિંહ રેડ્ડીના નેતૃત્વવાળી સ્વતંત્ર ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમના છ સભ્યો સંદેશખાલી જવા માટે રવાના થયા હતા, પરંતુ બંગાળ પોલીસે રસ્તામાં જ તેમને અટકાવી દીધા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી. પછીથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓએ આરોપ લગાવ્યો હતો કે સંદેશખાલીમાં થયેલી હિંસાના સત્યને રાજય સરકાર દબાવી દેવા માંગે છે અને તે માટે જ પોલીસ તેમના ઇશારે તેમને પીડિતોને મળતા અટકાવી રોકી રહી છે.