આગામી લોકસભા ચૂંટણી માટે INDI ગઠબંધનની બે પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધનનું એલાન કર્યું છે. બંને પાર્ટીઓએ દિલ્હી, ગુજરાત સહિતનાં રાજ્યોમાં ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં રહેલી ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. તેને જોતાં આવનારા દિવસોમાં આ બેઠક પર સ્થાનિક સ્તરે વિરોધના સૂર ઉઠે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં જાહેરાત કરીને જણાવવામાં આવ્યું કે ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકો પૈકી 24 પર કોંગ્રેસ પાર્ટી લડશે. જ્યારે બાકીની 2 બેઠકો પર આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉતારશે. આ બે બેઠકોમાં ભરૂચ અને ભાવનગર બેઠકનો સમાવેશ થાય છે.
Delhi | Congress and AAP announce seat-sharing in Delhi, Gujarat, Haryana, Chandigarh and Goa
— ANI (@ANI) February 24, 2024
In Delhi (7 seats), Congress to contest on 3 and AAP on 4
In Gujarat (26 seats), Congress to contest on 24 and AAP on 2 (in Bharuch and Bhavnagar)
In Haryana (10 seats), Congress to… pic.twitter.com/vCauAdvkUm
ઉલ્લેખનીય છે કે ભરૂચ અને ભાવનગર બંને બેઠકો પર આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉતારી ચૂકી છે. જેમાં ભરૂચ બેઠક પર વનકર્મીઓને મારા મારવાના કેસમાં જેલવાસ ભોગવી આવેલા વિવાદિત ધારાસભ્ય ચૈતર વસાવાને જ્યારે ભાવનગર બેઠક પર ધારાસભ્ય ઉમેશ મકવાણાને ટીકીટ આપવાની ઘોષણા કરવામાં આવી છે.
ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવશે તેવી ચર્ચાઓ વચ્ચે સ્થાનિક સ્તરેથી કોંગ્રેસમાં વિરોધ થવા માંડ્યો હતો. આ વિરોધના કેન્દ્રમાં હતાં પૂર્વ કોંગ્રેસ નેતા અને ભરૂચના વતની અહમદ પટેલનાં 2 સંતાનો- ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ. બંનેએ આ બેઠક કોંગ્રેસને આપવામાં આવે તેવી માગ કરી હતી અને સાથે કહ્યું હતું કે જો ભરૂચ સીટ AAPને અપાય તો તેઓ પાર્ટી કાર્યકર તરીકે નિર્ણય માન્ય રાખશે પરંતુ AAP ઉમેદવાર માટે પ્રચાર નહીં કરે.
ચર્ચાઓ વચ્ચે શુક્રવારે (23 ફેબ્રુઆરી, 2024) ફૈઝલ પટેલે એક પોસ્ટ કરીને સંકેતો આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, રાહુલ ગાંધીએ ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી અને તેમનું સમર્થન કર્યું. તેમણે એવું પણ કહી દીધું હતું કે તેઓ ભરૂચ બેઠક જીતીને હાઇકમાન્ડના નિર્ણય પર ખરા ઊતરશે. પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાયું છે.
જે કોઈ અમારા આદરણીય નેતા શ્રી રાહુલ ગાંધીજીનો અનાદર કરે છે અને વિરોધ કરે છે તેને અમારી પાર્ટીના કાર્યકર્તાઓ કે મારું સમર્થન નહીં મળે.
— Faisal Ahmed Patel (@mfaisalpatel) February 23, 2024
Anyone who disrespects and opposes our respected leader Rahul Gandhi ji will not have the support of our party workers or myself.@RahulGandhi… pic.twitter.com/Em8F4jRiQ8
પછીથી ફૈઝલે AAP MLA ચૈતર વસાવાનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ જેલમાંથી બહાર આવ્યા બાદ આપેલા એક ભાષણમાં કહેતા સંભળાય છે કે, “નરેન્દ્ર મોદી મારી સામે હશે, રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે, પણ ભરૂચ લોકસભા બેઠક પર કોઈની તાકાત નથી કે ચૈતરભાઇને જીતતા રોકે.” આ વિડીયો પોસ્ટ કરીને ફૈઝલે લખ્યું કે, જે કોઇ અમારા નેતા રાહુલ ગાંધીનો અનાદર કરે તેને અમારું સમર્થન નહીં મળે.
આ પરથી સ્પષ્ટ છે કે ભલે કોંગ્રેસ હાઈકમાન્ડે ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપી દીધી હોય પરંતુ સ્થાનિક સ્તરે કોંગ્રેસ કાર્યકર્તાઓ ફૈઝલ કે મુમતાઝ પટેલના પક્ષે રહી શકે છે. જો તેમ થાય તો આખરે બંને પાર્ટીઓને નુકસાન જશે અને 1989થી અહીં જીતતી આવેલી ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું સપનું સપનું જ રહી જશે.