દેશના કરોડો લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને કેન્દ્રની મોદી સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. અનેક નવી યોજનાઓ થકી દેશના કરોડો લોકોને સ્વાસ્થ્ય સેવા પહોંચાડવા માટે સરકારે તમામ પ્રયાસો કર્યા છે. હવે તાજેતરમાં જ વડાપ્રધાન મોદી આવનારા 6 દિવસોમાં 6 AIIMS હોસ્પિટલોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. માત્ર 6 દિવસમાં દેશને 6 અત્યાધુનિક હોસ્પિટલ મળવા જઈ રહી છે. 6 હોસ્પિટલોમાં જમ્મુ-કાશ્મીરના સાંબાં અને ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક-એક એઈમ્સ હોસ્પિટલ સામેલ છે. સાથે ગુજરાતના રાજકોટમાં પણ AIIMSનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.
સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે ભારત સતત આગળ વધી રહ્યું છે. દેશના કરોડો લોકોને તમામ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા માટે મોદી સરકાર નવી-નવી યોજનાઓ અમલમાં મૂકતી રહી છે. હવે જાણવા મળી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી માત્ર 6 દિવસમાં જ 6 નવી AIIMS હોસ્પિટલોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ 6 હોસ્પિટલો દેશના અલગ-અલગ વિસ્તારોમાં નિર્માણ આપી છે. જેમાં ગુજરાતના રાજકોટ, જમ્મુ-કાશ્મીરના સાંબાં, આંધ્રપ્રદેશના મંગલગીરી, પંજાબના ભટીંડા, ઉત્તર પ્રદેશના રાયબરેલી અને પશ્ચિમ બંગાળના કલ્યાણી જેવા સ્થળોનો સમાવેશ થાય છે.
કરોડોના ખર્ચે નિર્માણ પામી છે અત્યાધુનિક AIIMS હોસ્પિટલો
દેશની નવનિર્મિત AIIMS (All India Institute of Medical Sciences) હોસ્પિટલો કરોડોના ખર્ચે નિર્માણ પામી છે. કેન્દ્ર સરકારે કરોડોનું ફંડ અત્યાધુનિક મેડિકલ સેવાઓને વિકસાવવા માટે ફાળવ્યું છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું છે કે, UPA સરકારના બીજા કાર્યકાળ દરમિયાન 2013-14માં આરોગ્ય મંત્રાલયને ₹37,330 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. જ્યારે NDA સરકાર હેઠળ 2024-25માં આ ફાળવણી વધીને ₹90,658.63 કરોડ થઈ ગઈ છે. જે અંદાજે 143 ટકાનો વધારો દર્શાવે છે.
વાત જો લોકાર્પણ થઈ રહેલી હોસ્પિટલોની કરવામાં આવે તો કરોડોના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં સાંબાં AIIMSનું નિર્માણ ₹1660 કરોડથી વધુના ખર્ચે થયું છે. ઉપરાંત AIIMS ભટીંડાનું નિર્માણ ₹925 કરોડ ખર્ચે થયું છે. જ્યારે AIIMS કલ્યાણીનું નિર્માણ ₹1754 કરોડના ખર્ચે થયું છે. એ ઉપરાંત AIIMS મંગલગીરીનું નિર્માણ ₹1618.23 કરોડના ખર્ચે થયું છે. એ સિવાય AIIMS રાયબરેલીનું નિર્માણ ₹823 કરોડના ખર્ચે થયું છે અને AIIMS રાજકોટનું નિર્માણ ₹1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
મેડિકલ કોલેજોનું પણ થશે લોકાર્પણ
વડાપ્રધાન મોદી દેશભરની વિવિધ મેડિકલ કોલેજો અને નર્સિંગ કોલેજોનું ઉદ્ઘાટન પણ કરવા જઈ રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ અનેક નવી મેડિકલ કોલેજો અને ક્રિટિકલ કેર બ્લોક્સ અને સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ સહિત વિવિધ અદ્યતન આરોગ્ય સુવિધાઓનો શિલાન્યાસ કરશે. અધિકારીઓએ જણાવ્યું છે કે કુલ ₹11,391.79 કરોડના ખર્ચ સાથેના આ તમામ આરોગ્ય પ્રોજેક્ટ્સ આરોગ્ય સંભાળમાં પ્રગતિની લહેર લાવશે અને ભારતના આરોગ્ય સંભાળના લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ આધિકારિક રીતે કહ્યું હતું કે, 2014 બાદ તેમની સરકારમાં 15 AIIMS હોસ્પિટલોને સ્વીકૃતિ આપવામાં આવી હતી અને તેમાં વધારો કરવાનું પણ સતત ચાલુ છે. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, સ્વતંત્રતા પછી વર્ષ 2014 સુધી 380 મેડિકલ કોલેજો બનાવવામાં આવી હતી. જ્યારે તેમની સરકારે માત્ર 10 જ વર્ષમાં 300 મેડિકલ કોલેજોનું નિર્માણ પણ કરી નાખ્યું છે.