પેટીએમ પર RBIએ લાદેલાં નિયંત્રણોને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ (RBIએ) કંપનીને મોટી રાહત આપતાં ડિપોઝીટ, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન માટે વધારાનો સમય આપ્યો છે. ગ્રાહકો હવે અગામી 15 માર્ચ સુધી તેની સેવા લઇ શકશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં RBIએ પેટીએમને સ્પષ્ટ કહ્યું હતું કે તે, 29 ફેબ્રુઆરી બાદ બેન્કિંગ તેમજ ફંડ ટ્રાન્સફર, BBPOU તેમજ UPI સર્વિસ નહીં આપી શકે.
મળતી માહિતી અનુસાર, RBIએ આ નિર્ણય ગ્રાહકોના હિતને ધ્યાને રાખીને લીધો છે. આ મામલે RBIનું માનવું છે કે પેટીએમના ગ્રાહકોને અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે વધુ સમયની જરૂર પડી શકે છે. RBIના આ નિર્ણય બાદ ગ્રાહકોને અને કંપનીને બંનેને વધારાનો સમય મળી ગયો છે.
RBI gives 15-day relaxation to Paytm, extends the date to 15th March from the earlier stipulated timeline of February 29, 2024. https://t.co/UH52h5DIz4 pic.twitter.com/VP7Ou34zua
— ANI (@ANI) February 16, 2024
શું કહે છે Paytmને RBIએ આપેલી નવી સમય સીમા?
ઉલ્લેખનીય છે કે 29 ફેબ્રુઆરી, 2024ના રોજ Paytmના ગ્રાહકો માટે સેવા પૂર્ણ થવાની હતી, તેની જગ્યાએ હવે ગ્રાહકો 15 માર્ચ સુધી ખાતાં, વૉલેટ, ફાસ્ટેગ વગેરેમાં જમા કે ક્રેડિટ લેણદેણ કે પછી ટૉપ-અપ કરી શકશે. ગ્રાહકો વર્તમાનમાં પણ વ્યાજ, કૅશબેક, પાર્ટનરથી સ્વાઇપ-ઇન કે પછી રિફન્ડ મેળવી શકે છે.
15 માર્ચથી કંપની બેંક ગ્રાહકોને કે પછી વોલેટ ધારકોને ફંડ ટ્રાંસફર (AEPS, IMPS વગેરે), BBPOU તેમજ UPI જેવી સુવિધાઓ નહીં આપી શકે. જોકે, ગ્રાહકોના ખાતામાં રહેલા બેલેન્સને આમાં નથી આવરવામાં આવ્યું. સાથે જ પેટીએમ પેમેન્ટ બેન્ક લિમિટેડ તરફથી બનાવવામાં આવેલા વન97 કોમ્યુનિકેશન લિમિટેડ અને પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડનાં નોડલ એકાઉન્ટ 29 ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત કરી દેવામાં આવશે.
નોડલ ખાતામાં તમામ પાઈપલાઇન ટ્રાન્ઝેક્શન જેમને 29 ફેબ્રુઆરી 2024 પહેલાં શરૂ કરવામાં આવ્યા છે તેમને 15 માર્ચ સુધીમાં સેટલ કરી દેવામાં આવશે. આ તારીખ બાદ અન્ય કોઈ પણ પ્રકારના લેણદેણની અનુમતિ નહીં આપવામાં આવે. આ ઉપરાંત ફ્રીઝ કરવામાં આવેલાં ખાતાને બાદ કરતાં તમામ ખાતાં અને વૉલેટથી નાણાં ઉપાડવા માટે સુવિધા પ્રદાન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બેંક તે પણ સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને કોઈ પણ અડચણ વગર ‘સ્વીપ-ઇન સ્વીપ-આઉટ’ સુવિધા અંતર્ગત પાર્ટનર બેંકમાં નાણાકીય વ્યવહાર કરી શકે.