ગુરુવારે (15 ફેબ્રુઆરી 2024) રાજયસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. મોટાભાગે તમામ પક્ષોએ પોતાના રાજ્યસભાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ગુજરાતની ચારેય બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. BJPએ 14 ફેબ્રુઆરીએ ઉમેદવારોની યાદી બહાર પડી હતી, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જશવંતસિંહ પરમારને ગુજરાતથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આજે સવારે 12:39ના વિજય મુહૂર્તમાં BJPના ચારેય ઉમેદવારો પોતાનું નામાંકન પત્ર ભરશે.
આ વખતે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી 27 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાશે. જેમાં 15 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. જયારે 16 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, અને 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.
ઉલ્લેખનીય છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આ વખતે ગુજરાતથી ઉમેદવારી કરવાના છે. તેઓ હાલ હિમાચલ પ્રદેશથી રાજ્યસભા સાંસદ છે. જ્યારે બીજા જાણીતા ચહેરાઓમાં સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, રામ મંદિર માટે સૌથી વધુ દાન ગોવિંદ ધોળકિયાએ કર્યું હતું. આ ઉપરાંત ભાજપાએ ઓડિશાથી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું નામ જાહેર કર્યું છે, અને મધ્યપ્રદેશમાંથી એલ મુરુગનને રાજ્યસભાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.
ગુજરાતમાં કુલ 4 રાજ્યસભાની બેઠકો છે જેમાંથી આ વખતે ઉમેદવારો તરીકે જે.પી. નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પાસે હાલ 156નું સંખ્યાબળ છે. જેના કારણે તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા ઘોષિત થશે.
જયારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી પાસે હાલ ગુજરાત વિધાનસભામાં માત્ર 16 જ ધારાસભ્યો બચ્યા છે, તો આમ આદમી પાર્ટી પાસે માત્ર 4 છે. અહીં રાજ્યસભાની એક બેઠક જીતવા 46 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. બંને પાર્ટીઓ આ આંકડાથી ખુબ દૂર છે. જેથી કોંગ્રેસ કે AAP કોઇ પણ ગુજરાતમાં રાજ્યસભા ઉમેદવાર ઉતારશે નહીં.