Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતજેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા જશે, ગોવિંદભાઈ ધોળકિયાને પણ ટિકીટ: ગુજરાતમાં ભાજપના 4...

    જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા જશે, ગોવિંદભાઈ ધોળકિયાને પણ ટિકીટ: ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવારો જાહેર, તમામની જીત નિશ્ચિત 

    ગુજરાતમાં કુલ 4 રાજ્યસભાની બેઠકો ખાલી પડી રહી છે. જેમાં ઉમેદવારો તરીકે જે. પી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે.

    - Advertisement -

    ગુજરાતની ચાર બેઠકો પર રાજ્યસભા ચૂંટણી યોજાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચારેય ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા આ વખતે ગુજરાતથી ઉમેદવારી કરશે. જ્યારે જાણીતા ચહેરાઓમાં સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાનો સમાવેશ થાય છે. 

    ગુજરાતમાં કુલ 4 રાજ્યસભાની બેઠકો ખાલી પડી રહી છે. જેમાં ઉમેદવારો તરીકે જે. પી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પાસે હાલ 156નું સંખ્યાબળ છે. જેના કારણે તમામ બિનહરીફ વિજેતા ઘોષિત થશે. 

    કોંગ્રેસ પાર્ટી પાસે હાલ ગુજરાત વિધાનસભામાં માત્ર 16 ધારાસભ્યો રહી ગયા છે. આમ આદમી પાર્ટી પાસે માત્ર 4 છે. જ્યારે અહીં રાજ્યસભાની એક બેઠક જીતવી હોય તોપણ 46 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. બંને પાર્ટીઓ આ આંકડાથી બહુ દૂર છે અને બંનેની બેઠકોનો સરવાળો પણ થાય તોપણ આંકડો પહોંચી શકતો નથી. જેથી કોંગ્રેસ કે AAP કોઇ પણ ગુજરાતમાં રાજ્યસભા ઉમેદવાર ઉતારશે નહીં. 

    - Advertisement -

    જે. પી નડ્ડા હાલ હિમાચલ પ્રદેશથી રાજ્યસભા સાંસદ છે. પરંતુ આ વખતે તેમણે રાજ્ય બદલી નાખ્યું છે. જ્યારે બાકીના ત્રણ ઉમેદવારો પણ નવા છે. જેઓ નિવૃત્ત થયા તેમાં પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનો સમાવેશ થાય છે. રૂપાલા-માંડવિયા કેન્દ્રીય મંત્રીઓ છે, જ્યારે બાકીના બે કોંગ્રેસના સાંસદ હતા. પરંતુ હવે કોંગ્રેસ પાસે વિધાનસભામાં બહુમતી ન હોવાના કારણે 2 બેઠકો પણ ભાજપના ફાળે જ જશે. જ્યારે મંત્રીઓને રિપીટ ન કરવામાં આવતાં તેમને લોકસભા ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. 

    બીજી તરફ, ભાજપે મહારાષ્ટ્રમાં પણ 3 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કર્યા છે. જેમાં 24 કલાક પહેલાં જ ભાજપમાં સામેલ થયેલા પૂર્વ સીએમ અશોક ચવ્હાણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચવ્હાણે સોમવારે (12 ફેબ્રુઆરી, 2024) રાજીનામું આપ્યું હતું અને મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. તેમને ભાજપે ટિકીટ આપી છે.  મહારાષ્ટ્રથી બાકીના 2 ઉમેદવારોમાં મેધા કુલકર્ણી અને અજીત ગોપછડેનો સમાવેશ થાય છે. 

    નોંધવું જોઈએ કે દેશનાં 15 રાજ્યોની કુલ 56 રાજ્યસભા બેઠકો પર આગામી 27 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જોકે, ગુજરાતમાં મતદાન થશે નહીં, કારણ કે ભાજપના 4 સિવાય કોઇ ઉમેદવાર નહીં હોય.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં