14 ફેબ્રુઆરીને દુનિયાના લોકો ‘વેલેન્ટાઈન ડે’ તરીકે ઉજવે છે. પશ્ચિમીકરણનું આંધળું અનુકરણ કરી રહેલા અન્ય દેશોમાં પણ આ દિવસ પ્રેમી અને પ્રેમિકાના સંબંધોને નવાજવા માટે મનાવવા આવે છે. અમુક એવા પણ દેશો છે જેની સંસ્કૃતિનો કોઈ છેડો આ દિવસ સાથે મળતો નથી, તેની સંસ્કૃતિ અને ઇતિહાસને ‘વેલેન્ટાઈન ડે’ સાથે કોઈ જ સંબંધ નથી. છતાં પશ્ચિમીકરણના પ્રવાહ સાથે ભળી જઈને તે દેશો પણ વેલેન્ટાઈન ડે ઉજવતા થયા છે. તેમાનો એક દેશ ભારત પણ છે. ભારતમાં 2019 સુધી વેલેન્ટાઈન ડે ઉજવનારા લોકોની સંખ્યા અઢળક હતી. પરતું 2019માં 14 ફેબ્રુઆરીના રોજ એક એવી ગોઝારી ઘટના બની કે જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. એ ઘટના બાદથી ધીરે-ધીરે ભારતમાં 14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ની જગ્યાએ ‘બ્લેક ડે’ બની ગયો. લોકોએ સ્વેચ્છાએ જ વેલેન્ટાઈન ડે ઉજવવાનું બંધ કર્યું.
2014 પહેલાં દેશના લગભગ-લગભગ તમામ યુવાનો વેલેન્ટાઈન ડે પાછળ ઘેલા બની ગયા હતા. દેશમાં વેલેન્ટાઈન ડે ઉજવવાના બહાને ઘણી અશ્લીલતા પણ ફેલાઈ હતી. માતા-પિતાને અંધારામાં રાખી આ દિવસને અશ્લીલતાથી ભરી દેવામાં આવ્યો હતો. દેશના અનેક સંતો અને મહંતોએ તેનો વિરોધ પણ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિની મહાનતા અને ગરિમાને છોડીને આધુનિક યુવાનો પશ્ચિમીકરણના ખરાબ પાસાંઓ તરફ વળ્યા હતા. દેશના અનેક સમાજ સુધારકોએ આ મામલે પરિવર્તન લાવવા ઘણી મથામણ કરી હતી પણ તેમાં તેઓ સફળ થઈ શક્યા નહોતા. આટલા પ્રયત્નો છતાં જે યુવાનોને વિદેશી સંસ્કૃતિના ખરાબ પાસાંઓ તરફથી વાળી શકાયા નહોતા તે યુવાનોને 2019ની એક ઘટનાએ વેલેન્ટાઈન ડે તરફ ભારોભાર નફરત પેદા કરાવી દીધી.
14 ફેબ્રુઆરી શા માટે બન્યો કાળો દિવસ?
14 ફેબ્રુઆરી, 2019ના રોજ દેશમાં એક ઘટના બની હતી. એ ઘટનાએ યુવાનોના મન અને મસ્તિષ્કમાં એવી તો અસર કરી કે, યુવાનોને વેલેન્ટાઈન ડે તરફ જ અરુચિ પેદા થઈ ગઈ. આટલું જ નહીં પરંતુ દેશના લોકોએ તે દિવસને ‘બ્લેક ડે’ તરીકે મનાવવાનું પણ શરૂ કરી દીધું. 14 ફેબ્રુઆરી, 2019ના એ કારમા દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામાં ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં CRPFના 40 જવાનો વીરગતિને પામ્યાં હતા, આ હુમલાની જવાબદારી ઇસ્લામિક આતંકવાદી સંગઠન જૈશ-એ-મુહમ્મદે લીધી હતી.
દેશના અનેક લોકો ‘વેલેન્ટાઈન ડે’ માટેની તૈયારી કરી રહ્યા હતા. તેવામાં સમાચાર આવ્યા કે, એક ભયાનક આતંકી હુમલામાં દેશના સેંકડો જવાનો હોમાઈ ગયા છે. દેશની રક્ષા કરતાં-કરતાં એ જવાનો શાશ્વત રાષ્ટ્રમાં સમાહિત થઈ ગયા છે. મૃતદેહોના ટુકડાઓ પણ શોધવામાં આવી રહ્યા હતા. આ એક ઘટનાએ દેશમાં ઉદાસીનતા પ્રસરાવી દીધી. 14, ફેબ્રુઆરી, 2019એ પહેલો દિવસ હતો, જ્યારે લોકોએ વેલેન્ટાઈન ઉજવવાના બદલે રડવું પસંદ કર્યું હતું.
જોકે, પુલવામાં હુમલા બાદ કેન્દ્ર સરકાર પણ સખત બની ગઈ હતી. CRPFના 40 જવાનોના બલિદાનનો બદલો વીણી-વીણીને લેવામાં આવ્યો હતો. 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બલાકોટમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનમાં વાયુસેનાએ જૈશ-એ-મુહમ્મદના 350થી પણ વધુ આતંકવાદીઓ ઠાર માર્યા હતા.
આટલી વધુ માત્રામાં આતંકીઓને ઠાર માર્યા હતા. પરંતુ દેશના લોકો એ વિરગત પરિવારોના આક્રંદને ભૂલી શક્યા નહોતા. ત્યારથી લઈને આજે 2024 સુધી પણ લોકો તે ભયાનક દિવસને ભૂલી શક્યા નથી. 2019થી ભારત માટે 14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ની જગ્યાએ ‘કાળો દિવસ’ તરીકે ઓળખાય છે. દેશમાં 14 ફેબ્રુઆરીને બ્લેક ડે તરીકે મનવવાની શરૂઆત 2019થી થઈ છે.
દેશના લોકો વિરગત જવાનોની યાદમાં પ્રગટાવે છે દીપ
2019ની એ ભયાનક ઘટના બાદથી દર વર્ષે દેશભરમાં અનેક જાગ્યાએ તે વિરગત જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. દરવર્ષે તેમની યાદમાં લોકો ઘરે એક દીપ પ્રગટાવે છે અને એ ઘટનાને યાદ કરીને તે તમામ વીર જવાનોનો આભાર પ્રગટ કરે છે. ઘણી જગ્યાએ તો કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવે છે. સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ દિવસે લોક સાહિત્યકારોને બોલાવીને ભારતીય જવાનોને વીરાંજલિ આપવામાં આવે છે. સાથે વીરરસની અનેક ગાથાઓ અને ભારતીય સેનાના પરાક્રમો વિશે વાત કરવામાં આવે છે.
આજે પણ દેશ તે તમામ બલિદાનીઓને ભૂલ્યો નથી. સોશિયલ મીડિયામાં પણ લોકો વેલેન્ટાઈન ડે ન ઊજવવાની અપીલ કરતાં જોવા મળે છે. ભારતીય જનસમુદાય શા માટે મહાન છે? તો તેનો એક જ ઉત્તર હોય શકે કે, આ માટે ભારતીય સંસ્કૃતિ અને જનસમુદાય મહાન છે. ભારતીય સંસ્કૃતિમાં આપણે આપણાં દેશના રક્ષકો અને વીર પુરુષોને ભગવાન તરીકે પૂજીએ છીએ, જે બીજી બધી સભ્યતાથી ભારતીય સંસ્કૃતિને મહાન અને અલગ બનાવે છે. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યોદ્ધાઓને આજે પણ યાદ કરવામાં આવી રહ્યા છે.
જે કામ સમાજ સુધારકો ના કરી શક્યા, તે એક ભયાનક ઘટનાએ કર્યું
‘વેલેન્ટાઈન ડે’ની ઉજવણી અટકાવવા માટે અનેક સંતો અને સમાજ સુધારકોએ ઝુંબેશ ચલાવી હતી. ઘણા સંગઠનો પણ આ બાબતે જાગૃતિ લાવવા માટે પ્રયત્નશીલ હતા. ગુજરાતના લોક સાહિત્યકારો પણ લોકડાયરામાં આ વિશે જાગૃતિ લાવવા માટેનું કામ કરતાં હતા. દેશના અનેક કથાકરોએ પણ કથાના માધ્યમથી યુવાનોને યોગ્ય રસ્તે વાળવા પ્રયત્નો કર્યા હતા. ગુજરાતના લોક સાહિત્યકાર માયાભાઈ આહીર કહેતા કે, “પશ્ચિમીકરણ અને યુરોપિયન કલ્ચરનો વિરોધ નથી કરવાનો. તેમાંની જે સારી બાબતો છે તે જરૂર ગ્રહણ કરવાની, પરંતુ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આ દેશની સંસ્કૃતિ દ્રાક્ષની નહીં પરંતુ રુદ્રાક્ષની છે.”
સાથે અન્ય પણ ઘણા લોકો અને સંગઠનો યુવાનોને ‘વેલેન્ટાઈન ડે’ તરફથી વાળવાં માટે પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ તમામ પ્રયાસો છતાં તેમાં જોઈતી સફળતા મળી શકી નહોતી. જે બાદ અચાનક 2019થી ‘વેલેન્ટાઈન ડે’નો ક્રેઝ ધીરે-ધીરે ખતમ થવા લાગ્યો. પુલવામાં હુમલાની તે ઘટનાથી લોકોએ સ્વેચ્છાએ જ 14 ફેબ્રુઆરીના દિવસને ‘વેલેન્ટાઈન ડે’ની જગ્યાએ ‘બ્લેક ડે’ તરીકે અપનાવી લીધો. જે કામ સમાજસુધારકો અનેક વર્ષોથી કરી રહ્યા હતા. તે કામ એક ગોઝારી ઘટનાએ સફળ કરી દીધું. ત્યારથી લઈને આજ સુધી 14 ફેબ્રુઆરીને ‘બ્લેક ડે’ તરીકે મનાવવામાં આવે છે.