ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જમીન કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમણે CM પદેથી રાજીનામું ધરી દીધું હતું. હાલ તેઓ કસ્ટડીમાં છે અને ED જમીન કૌભાંડ કેસમાં તપાસ કરી રહી છે. દરમ્યાન EDએ PMLA કોર્ટ સમક્ષ હેમંત સોરેનની વોટ્સએપ ચેટ રજૂ કરી છે. જેમાં કથિત રીતે જમીનની લેવડદેવડના વ્યવહારોથી લઈને અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ સુધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, આ ચેટ્સ મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરાયેલા હેમંત સોરેન અને જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર બિનોદ સિંહ વચ્ચેની છે. EDએ કહ્યું કે ચેટ કુલ 539 પેજની છે. જેમાંથી કેટલાક પાનાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં છે. એજન્સીએ કહ્યું કે, આ ચેટમાં પેપર લીક કરતી ગેંગ પાસેથી મળેલા પૈસા, અધિકારીઓના ટ્રાન્સફરથી મળેલા પૈસા તેમજ સરકારી જમીનના રેકોર્ડની માહિતી શેર કરવા મુદ્દેની જાણકારી છે.
NEWS18 અનુસાર, EDએ કોર્ટને જણાવ્યું કે, જમીન કૌભાંડનો આ મામલો અન્ય એક આરોપી ભાનુ પ્રતાપ પ્રસાદના ઘરે દરોડામાંથી મળેલા જમીન દસ્તાવેજોના આધારે નોંધવામાં આવ્યો છે. EDની આ કાર્યવાહી એપ્રિલ 2023માં થઇ હતી. જેમાં EDને 11 પેટીઓ ભરીને જમીનના દસ્તાવેજો મળ્યા હતા. તેમાં 17 જેટલી જમીનના સાચા રેકોર્ડના રજિસ્ટર પણ સામેલ હતા. EDએ કહ્યું કે ઝારખંડમાં જમીન પડાવી લેનાર સિન્ડિકેટ કાર્યરત હતું. જે જમીનના દસ્તાવેજો સાથે ચેડાં કરીને જમીનોને પડાવી લેવાનું કામ કરતું હતું.
EDએ હેમંત સોરેનને પણ પૂછપરછ દરમિયાન આ માહિતી આપી હતી. એજન્સીનું કહેવું છે કે હેમંત સોરેન તપાસમાં સહકાર આપી રહ્યા નથી અને વ્યક્તિઓની જમીન પડાવી લેવાના મામલે પણ સાચી હકીકતો જણાવી રહ્યા નથી.
જે પછી તપાસ એજન્સીએ કોર્ટ સમક્ષ હેમંત સોરેન અને તેના અંગત સહયોગી બિનોદ સિંહ સાથેની વોટ્સએપ ચેટ્સનો રેકોર્ડ મૂકતાં કહ્યું હતું કે, “આરોપી (હેમંત સોરેન)ની સામે બિનોદ સિંહ સાથેની તેમની વાતચીતની વિગતો દેખાડવામાં આવી હતી, આ વાતચીત માત્ર ગુનાહિત જ નથી, પરંતુ તેમાં ઘણી મિલકતોની પણ માહિતી છે. આરોપીએ આ વાતચીતના રેકોર્ડ પર સહી પણ કરી નથી. પરંતુ તેમણે બિનોદ સિંહ સાથેની વાતચીતનો સ્વીકાર કર્યો છે.”
EDએ કહ્યું, “જે વોટ્સએપ ચેટ્સની માહિતી આપવામાં આવી છે, તેમાં માત્ર પ્રોપર્ટી જ નહીં પરંતુ ટ્રાન્સફર-પોસ્ટિંગ અને સરકારી રેકોર્ડ શેર કરવા સંબંધિત માહિતી પણ છે. આ પ્રકારનાં કાર્યોથી મોટી રકમની કમાણી અને ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે.” આ સાથે જ તપાસ એજન્સી EDએ બિનોદ સિંહ પર ઝારખંડમાં પેપર લીક સાથે જોડાયેલા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
EDએ આરોપ લગાવ્યો હતો કે તપાસ માટે હેમંત સોરેને પોતાનો મોબાઈલ પણ આપ્યો ન હતો. નોંધનીય છે કે હેમંત સોરેનની 31 જાન્યુઆરી 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને 5 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. હવે તેમના રિમાન્ડ વધુ 5 દિવસ માટે લંબાવવામાં આવ્યા છે. ધરપકડ બાદ તેમણે ઝારખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને ચંપાઈ સોરેન મુખ્યમંત્રી બન્યા છે.