મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ઇંધણ પર લાગુ થતો ટેક્સ ઘટાડવાની જાહેરાત કરતાંની સાથે જ મહારાષ્ટ્રની જનતાને પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટી રાહત મળશે. આ ઉપરાંત, નવી સરકારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પણ લીલીઝંડી આપી દીધી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની જાહેરાત અનુસાર, રાજ્યમાં પેટ્રોલ પાંચ રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થશે. ગુરુવારે યોજાયેલી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નિર્ણયથી સરકારી ખજાના પર 6 હજાર કરોડનો બોજો પડશે. તેમણે એ પણ યાદ અપાવ્યું હતું કે, આ પહેલાં કેન્દ્ર સરકાર બે વખત ટેક્સ ઓછો કરી ચૂકી છે અને રાજ્ય સરકારોને પણ ટેક્સમાં ઘટાડો કરવા માટે કહ્યું હતું.
The price of petrol & diesel reduced by Rs 5 per litre & Rs 3 per litre respectively: Maharashtra CM Eknath Shinde pic.twitter.com/7f0EvMrUQI
— ANI (@ANI) July 14, 2022
હાલ મહારાષ્ટ્રમાં પેટ્રોલ 111.35 રૂપિયા અને ડિઝલ 97.28 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. સરકારના નવા નિર્ણય બાદ હવે પેટ્રોલ 106.35 રૂપિયા અને ડિઝલ 94.28 રૂપિયા પ્રતિ લિટર વેચાશે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, સરકારે આ નિર્ણય લોકોના કલ્યાણ ખાતર લીધો છે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ રાજ્યોને પણ ઇંધણ પર લાગતો વેટ ઘટાડવા માટે અપીલ કરી હતી. જોકે, મોટાભાગનાં ભાજપશાસિત રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો હતો, પરંતુ મહારાષ્ટ્ર સહિતનાં કેટલાંક રાજ્યોમાં ઇંધણ પર વેટમાં રાહત આપવામાં આવી ન હતી. જેના કારણે મહારાષ્ટ્રના સરહદ વિસ્તારમાં રહેતા લોકો પેટ્રોલ ભરાવવા માટે ગુજરાતમાં આવતા હતા.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સરકારની લીલી ઝંડી, હવે મહારાષ્ટ્રમાં પણ ઝડપથી કામ ચાલશે
બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ ઝડપથી આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે. મુંબઈથી અમદાવાદ સુધી દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેન માટે હાલ કામ પુરજોશથી ચાલી રહ્યું છે અને ગુજરાતમાં જમીન સંપાદનથી માંડીને બાંધકામ પણ શરૂ થઇ ગયું છે. જોકે, મહારાષ્ટ્રમાં વિલંબ થઇ રહ્યો હતો અને જમીન સંપાદનનું પણ કેટલુંક કામ બાકી હતું. જોકે, હવે સરકારે આ તમામ ફાઈલોનો નિકાલ કરી બુલેટ ટ્રેન માટે માર્ગ મોકળો કરી આપવાની ઘોષણા કરી છે.
All clearances given for the Mumbai-Ahmedabad bullet train in the state, said Maharashtra Deputy CM Devendra Fadnavis pic.twitter.com/dAyzPAVjGD
— ANI (@ANI) July 14, 2022
ભારતની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે. બંને મોટાં શહેરો વચ્ચેનું 534 કિલોમીટર અંતર માત્ર 2 કલાકમાં જ કાપી લેશે. નોંધવું જોઈએ કે, બે શહેરો વચ્ચેની ટ્રેન મુસાફરી હાલ સાત કલાક લે છે, જ્યારે ફ્લાઇટમાં જતા એક કલાક લાગે છે. આ પ્રોજેક્ટનું ખાતમહૂર્ત વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો આબેએ કર્યું હતું.