Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણશું હોય છે 'વચગાળાનું બજેટ', ક્યારે રજૂ કરવામાં આવે છે અને પૂર્ણ...

    શું હોય છે ‘વચગાળાનું બજેટ’, ક્યારે રજૂ કરવામાં આવે છે અને પૂર્ણ બજેટ કરતાં કઈ રીતે હોય છે અલગ- જાણો તમામ માહિતી

    સામાન્ય ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે. જ્યારે પૂર્ણ બજેટ ચૂંટાયેલી સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવે છે. આપણે બંનેના તફાવતોને મુદ્દાસર સમજવા પ્રયાસ કરીશું.

    - Advertisement -

    દેશમાં વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરશે. એ પહેલાં સર્વદળીય બેઠક પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાથે કેન્દ્ર સરકારે બજેટ રજૂ કરવા માટેની તમામ તૈયારીઓ પણ કરી દીધી છે. 31 જાન્યુઆરીએ બજેટ સત્રનો પ્રારંભ પણ થઈ ગયો છે. તેવા સમયે લોકોના મનમાં અનેક સવાલો ઊભો થઈ શકે છે કે, જેમ કે આ વચગાળાનું બજેટ શું હોય છે? આ વર્ષે પૂર્ણ બજેટ કેમ નહીં રજૂ કરવામાં આવે? વચગાળાનું બજેટ પૂર્ણ બજેટ કરતાં કેટલું અલગ હોય છે? આ બધા પ્રશ્નનોના જવાબ સાથે અમે આ વિશેષ આર્ટીકલ પ્રસ્તુત કરી રહ્યા છીએ. જેથી વાંચકો સરળતાથી વચગાળાના બજેટ વિશેની માહિતી સમજી શકે.

    શું હોય છે વચગાળાનું બજેટ?

    સરકાર ચૂંટણી વર્ષમાં પૂર્ણ બજેટ રજૂ કરતી નથી. આ દરમિયાન વચગાળાનું બજેટ અથવા તો વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવામાં આવે છે. સરળતાથી સમજીએ તો ચૂંટણી વર્ષ દરમિયાન સરકાર પૂર્ણ બજેટની જગ્યાએ મહત્વના મુદ્દાઓ અને રૂપરેખા સાથે કામચલાઉ બજેટ રજૂ કરે છે. જેને આપણે વચગાળાનું બજેટ કહીએ છીએ. આ બજેટ ઘણી બાબતોમાં સામાન્ય બજેટ કરતાં થોડું અલગ હોય છે. સામાન્ય ચૂંટણીના વર્ષ દરમિયાન વર્ષના પ્રથમ અમુક મહિનાઓ માટે આ બજેટ રજૂ કરવામાં આવે છે. જેમાં નવી સરકારની રચના સુધીના આવક અને ખર્ચ પર અંદાજો લગાવવામાં આવે છે. જ્યારે નવી સરકાર બની જાય ત્યારે નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે. જેથી રોકાણકારોનો બજારમાં વિશ્વાસ જળવાઈ રહે.

    વચગાળાનું બજેટ ત્યાં સુધી લાગુ રહે છે, જ્યાં સુધી નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ ના કરે. આ બજેટમાં માત્ર અમુક મહિના સુધીના ફંડનું જ પ્રાવધાન હોય છે. જ્યારે નવી સરકાર ચૂંટાઈને આવે ત્યારે વચગાળાનું બજેટ રદ થાય છે અને પૂર્ણ બજેટ રજૂ કરીને તેને લાગુ કરવામાં આવે છે. આ બજેટ સામાન્ય રીતે 2 મહિના સુધી માન્ય હોય છે. પરંતુ તેને વધારી પણ શકાય છે.

    - Advertisement -

    વચગાળાનું બજેટ શા માટે રજૂ કરવામાં આવે છે?

    ચૂંટણી વર્ષ દરમિયાન સરકાર પૂર્ણ બજેટના સ્થાને વચગાળાનું બજેટ રજૂ કરે છે. તેનું કારણ એ છે કે, વર્તમાન સરકાર તેના કાર્યકાળના છેલ્લા વર્ષમાં છે. જે પછી ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં જીત મળે તો તે જ સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે, જ્યારે કોઈ અન્ય પક્ષ સરકાર બનાવે તો તે પૂર્ણ બજેટ રજૂ કરશે. આ કારણોસર ચૂંટણી વર્ષ દરમિયાન પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવતું નથી.

    વચગાળાના બજેટની જરૂર એટલા માટે પડે છે કે, ચૂંટણી સુધી સરકાર ચલાવવા માટે આવક અને ખર્ચનો હિસાબ રાખી શકાય. સરકાર ચલાવવા માટે નાણાંની પણ જરૂર પડવાની છે. તે નાણાં વાપરવા માટે સંસદની મંજૂરી જરૂરી છે. વર્તમાન બજેટ 31 માર્ચ સુધી માન્ય રહેવાનું છે. જ્યારે તે બાદ એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેથી નવી સરકાર બને ત્યાં સુધી વચગાળાના કામચલાઉ બજેટને લાગુ પાડવામાં આવે છે.

    પૂર્ણ બજેટ શું છે?

    આપણે વચગાળાના બજેટ વિશે માહિતી મેળવી, તો હવે જાણીએ કે પૂર્ણ બજેટ શું હોય છે. જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરવામાં આવે છે, ત્યારે તેને પૂર્ણ બજેટ અથવા કેન્દ્રીય બજેટ (યુનિયન બજેટ) કહેવામાં આવે છે. આ બજેટમાં આગામી નાણાકીય વર્ષની વિગતો આપવામાં આવેલી હોય છે. આમાં સરકાર નવી નવી યોજનાઓ પણ જાહેર કરે છે. આ સિવાય સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય સેવા, સુરક્ષા માટેના ખર્ચની વિગતો પણ આપે છે. એક રીતે, તે સમગ્ર નાણાકીય વર્ષ માટેના ખર્ચનો રોડમેપ છે. આ બજેટ કેન્દ્ર સરકારના નિર્દેશ હેઠળ લાગુ કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવાનો છે.

    વચગાળાનું બજેટ અને પૂર્ણ બજેટ વચ્ચેનો તફાવત શું છે?

    • આપણે એ સમજ્યા કે, વચગાળાનું બજેટ અને પૂર્ણ બજેટ શું હોય છે. તો હવે આપણે આ બંને બજેટના તફાવત વિશે જાણીશું. સામાન્ય ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે. જ્યારે પૂર્ણ બજેટ ચૂંટાયેલી સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવે છે. આપણે બંનેના તફાવતોને મુદ્દાસર સમજવા પ્રયાસ કરીશું.
    • વચગાળાનું બજેટ સામાન્ય ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવે છે. જ્યારે પૂર્ણ બજેટ ચૂંટાયેલી કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવતું વાર્ષિક બજેટ છે.
    • વચગાળાનું બજેટ સંસદમાં કોઈપણ ચર્ચા કર્યા વગર રજૂ કરવામાં આવે છે. જેને વોટ ઓન ધ એકાઉન્ટ’ પણ કહેવામાં આવે છે. જ્યારે કેન્દ્રીય બજેટ લોકસભામાં સંપૂર્ણ ચર્ચા પછી રજૂ કરવામાં આવે છે.
    • વચગાળાના બજેટમાં પાછલા નાણાકીય વર્ષની આવક અને ખર્ચનું સામાન્ય વિવરણ આપવામાં આવે છે. તે માત્ર સરકારની આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે જ આપવામાં આવે છે. જ્યારે પૂર્ણ બજેટમાં પાછલા વર્ષની આવક અને ખર્ચની વિગતો વિગતવાર આપવામાં આવે છે.
    • વચગાળાના બજેટમાં કોઈપણ પ્રકારની નવી યોજનાની જાહેરાત કરવામાં આવતી નથી. જ્યારે પૂર્ણ બજેટમાં સરકાર દ્વારા ઘણી નવી યોજનાઓ પણ જાહેર કરવામાં આવે છે અને તેના માટે ભંડોળ પણ ફાળવવામાં આવે છે.
    • વચગાળાનું બજેટ ચૂંટણી વર્ષ દરમિયાન, નાણાકીય વર્ષના લગભગ પ્રથમ એક અથવા તો બે મહિના માટે રજૂ કરવામાં આવે છે, જ્યારે પૂર્ણ બજેટ હંમેશા સમગ્ર નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવે છે.
    • વચગાળાના બજેટમાં સરકારના આવકના સ્ત્રોતોની વિગતો આપવામાં આવતી નથી, તેમાં નવી સરકારની રચના પહેલાં સરકારના જરૂરી ખર્ચાઓ જ રજૂ કરવામાં આવે છે. જ્યારે પૂર્ણ બજેટના બે અલગ-અલગ ભાગ હોય છે. તેમાંથી એક સરકારના ખર્ચો વિશેનો હોય છે અને બીજો ભાગ વિવિધ પગલાં દ્વારા ભંડોળ એકત્ર કરવાની સરકારની યોજના પર આધારિત હોય છે.
    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં