દેશની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે ચાલી રહેલાં માનહાની કેસ મામલે ટિપ્પણી કરી છે. જેમાં કોર્ટે તેજસ્વી યાદવને આદેશ આપ્યો છે કે, તેઓ એક અઠવાડિયાની અંદર સ્પષ્ટ રૂપથી એ લખીને આપે કે તેઓને ગુજરાતીઓ પર આપેલા નિવેદન પર પસ્તાવો છે, અને તેમનું નિવેદન પાછું ખેચી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ આ કેસની સુનાવણી કરી હતી. માનહાની કેસ મામલે તેજસ્વી યાદવ 22 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. અહીં તેઓએ એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતીઓ વિરુદ્ધ આપેલું પોતાનું નિવેદન પાછું ખેંચવા માંગે છે.
#Breaking #SupremeCourt sought a simple and clear statement from RJD Leader #TejashwiYadav withdrawing his "Gujarati hi thag hai ho sakta hai" remarks.
— Live Law (@LiveLawIndia) January 29, 2024
A week time is granted to Yadav to file a new statement withdrawing the remarks.
આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેજસ્વી યાદવે એક અઠવાડિયામાં સ્પષ્ટ શબ્દોમાં લખવું પડશે કે તેઓ ગુજરાતીઓ પર આપેલા નિવેદન પર પસ્તાવો કરે છે, અને તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચે છે. આ કેસની આગામી સુનાવણી આવતા અઠવાડિયે થવાની છે, ત્યારે તેજસ્વી યાદવે એક અઠવાડિયાની અંદર આ વાતનું સોગંદનામું દાખલ કરવું પડશે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે આ કેસમાં તેજસ્વી વિરુદ્ધ કેસ દાખલ કરનાર ગુજરાતી સામાજિક કાર્યકર્તા હરેશ મહેતાના વકીલને પૂછ્યું હતું કે, તેઓ આ કેસમાં આગળ શું કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે તેજસ્વી યાદવે 22 માર્ચ 2023ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતીઓ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે, અને તેમનો ગુનો પણ માફ કરવામાં આવશે. જો તે દેશમાંથી ફરાર પણ થઈ જાય તો તેના માટે કોણ જવાબદાર હશે?”
આ અંગે હરેશ મહેતાએ તેમની સામે ગુજરાતમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેજસ્વી યાદવે સમગ્ર ગુજરાતી સમાજનું અપમાન કર્યું છે. અમદાવાદમાં આ કેસમાં તેમને સમન પણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ અહીં હાજર થયા ન હતા, અને આ મામલાને સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા હતા.
તેજસ્વી યાદવ હાલ પટનામાં છે. આ નિવેદન જયારે તેઓ બિહારના ઉપમુખ્યમંત્રી હતા ત્યારે આપ્યું હતું. ત્યારે વર્તમાનમાં હવે તેમની સત્તા પણ જતી રહી છે. 28 જાન્યુઆરી 2024ના રોજ બિહારના CM નીતીશ કુમારે આરજેડીમાંથી સમર્થન પાછું ખેંચી અને એનડીએ સાથે મળીને નવી સરકાર બનાવી લીધી છે. આ ઉપરાંત ED પણ 30 ડિસેમ્બર 2024ના રોજ પટનામાં જમીનના બદલામાં નોકરી મામલે તેજસ્વી યાદવની પૂછપરછ કરવાની છે. આ સાથે તેમના પિતા લાલુ પ્રસાદ યાદવની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સામે પણ આવો જ કેસ નોંધવામાં આવ્યો હતો. 2019માં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ મોદી વિશે કહ્યું હતું કે ‘બધા મોદી ચોર છે’. આ અંગે તેમની સામે પણ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અમદાવાદ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી.