Thursday, May 9, 2024
More
    હોમપેજરાજકારણ'UN સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતનું ના હોવું અયોગ્ય': ઈલોન મસ્કે UNSCમાં બદલાવ માટે...

    ‘UN સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતનું ના હોવું અયોગ્ય’: ઈલોન મસ્કે UNSCમાં બદલાવ માટે ઉઠાવ્યો અવાજ, કહ્યું- શક્તિશાળી દેશો સત્તા છોડવા તૈયાર નથી

    ઈલોન મસ્કે ટ્વિટ કરીને કહ્યું કે, "સંયુકત રાષ્ટ્રની સંસ્થાઓની સમીક્ષા કરવાની જરૂર છે. સમસ્યા એ છે કે જેની (દેશોની) પાસે ઘણી શક્તિ છે, તેઓ તેને છોડવા માંગતા નથી.

    - Advertisement -

    ટેસ્લા, સ્પેસએક્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિક ઈલોન મસ્ક અવારનવાર ભારતનું સમર્થન કરતાં જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં જ ઈલોન મસ્કે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. જે બાદ હવે ફરી એકવાર તેમણે ભારતને ખુલ્લુ સમર્થન આપ્યું છે. ઈલોન મસ્કે ભારત માટે અવાજ ઉઠાવીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ઘેરી લીધું છે. તેમણે કહ્યું કે, UN સંસ્થાઓની સમયે-સમયે સમીક્ષા થવી જોઈએ. તેમણે કહ્યું કે, ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તેમ છતાં ભારતને સુરક્ષા પરિષદમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે, UN સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતનું ના હોવું અયોગ્ય છે.

    ટેસ્લાના માલિક ઈલોન મસ્કે ભારત માટે UNSCમાં બદલાવ કરવા માટેનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે UNની સુરક્ષા પરિષદ (સિક્યુરિટી કાઉન્સિલ)માં ભારતના સ્થાયી સભ્યપદને લઈને અવાજ ઉઠાવ્યો છે. ઈલોન મસ્કે આ વાત ત્યારે કહી જ્યારે UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે આફ્રિકાને સંયુક્ત રાષ્ટ્રનું કાયમી સભ્યપદ આપવાની માંગ કરી હતી. તેના પર એક યુઝરે ભારતના સ્થાયી સભ્યપદનો મુદ્દો ઉઠાવ્યો અને પછી ઈલોન મસ્કે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

    સૌપ્રથમ UNના સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે ટ્વિટ કરીને કહ્યું કે, “અમે એ કઈ રીતે સ્વીકાર કરી શકીએ કે આફ્રિકા પાસે સુરક્ષા પરિષદમાં એક પણ કાયમી સભ્યપદ નથી? સંસ્થાઓએ આજની દુનિયાને પ્રતિબિંબિત કરવી જોઈએ, નહીં કે 80 વર્ષ પહેલાની દુનિયાને. સપ્ટેમ્બરમાં થવા જઈ રહેલા શિખર સંમેલનમાં વૈશ્વિક શાસન પર પુનર્વિચાર કરવાની અને વિશ્વાસ પુનઃનિર્માણ કરવાની તક મળશે.”

    - Advertisement -

    તેમના આ ટ્વિટ પર માઈકલ ઇસેનબર્ગ નામના યુઝરનું ટ્વિટ સામે આવ્યું હતું. તેમણે પૂછ્યું કે, “અને ભારતનું શું? સારું એ થશે કે, UNને તોડીને નવા નેતૃત્વ સાથે કઈક બનાવવામાં આવે.”

    જે બાદ ટેસ્લાના માલિક ઈલોન મસ્કે પણ ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “સંયુકત રાષ્ટ્રની સંસ્થાઓની સમીક્ષા કરવાની જરૂર છે. સમસ્યા એ છે કે જેની (દેશોની) પાસે ઘણી શક્તિ છે, તેઓ તેને છોડવા માંગતા નથી. ધરતી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારતને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા ના આપવી એ ખૂબ જ બકવાસ છે. આફ્રિકાને પણ સામૂહિક રીતે એક સીટ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આપવામાં આવવી જોઈએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં