22 જાન્યુઆરી, 2024નો દિવસ ભારતના ઈતિહાસમાં અમર થઇ ગયો. 500 વર્ષના સંઘર્ષ બાદ રામજન્મભૂમિ પર ભગવાન રામલલાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થઇ. PM મોદી પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય યજમાન બન્યા હતા. કાર્યક્રમમાં સંબોધન પછી જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓએ એક વિશેષ કામ કર્યું. જેને લઈને તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
પ્રાણપ્રતિષ્ઠાની પૂર્ણાહૂતિ બાદ PM મોદીએ રામ મંદિર નિર્માણકાર્ય સાથે જોડાયેલા શ્રમિકો સાથે મુલાકાત કરી હતી અને તેમના પર ફૂલો વરસાવી તેમનું સન્માન કર્યું હતું. શ્રમિકો પર પુષ્પવર્ષા કરતી વખતે તેમણે ‘સિયાવર રામચંદ્ર કી જય’ના જયકારા પણ લગાવ્યા અને ભવ્ય મેન્દીરમાં નિર્માણકાર્યમાં શ્રમદાન બદલ સૌનો અભાર વ્યકત કર્યો હતો. વડાપ્રધાનને આમ કરતા જોઈને લોકો ભાવવિભોર બન્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi showers flower petals on the workers who were a part of the construction crew at Ram Temple in Ayodhya, Uttar Pradesh. pic.twitter.com/gJp4KSnNp6
— ANI (@ANI) January 22, 2024
આ પહેલાં પણ PM મોદી ઘણીવાર આ પ્રકારે યોગદાન આપતા શ્રમિકોનું સન્માન કરતા જોવા મળ્યા છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન સમયે પણ મંદિર દર્શન કર્યા બાદ, ક્રિયાવિધિ પૂર્ણ કરી પરત ફરતી વખતે PM મોદીએ કાશી વિશ્વનાથ કોરીડોરને શક્ય બનાવનાર કામદારો પર ફૂલો વરસાવ્યા હતા અને ઉપસ્થિત બધાનો આભાર માન્યો હતો. આ ઉપરાંત જ્યારે શ્રમિકો સાથે ફોટો પડાવવાનો સમય આવ્યો ત્યારે પણ તેમના માટે મૂકવામાં આવેલી ખાસ ખુરશીને હટાવી શ્રમિકો સાથે નીચે બેસી ગયા હતા અને ત્યારબાદ ‘હર હર મહાદેવ’નો જયઘોષ કર્યો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં શ્રમદાન કરવા દેશના ખૂણેખૂણેથી રામભક્તો આવ્યા હતા. ગરીબ હોય કે અમીર સૌ કોઈ સ્વયંસેવક બની પ્રભુશ્રી રામના મંદિર નિર્માણ માટે પોતાનું યોગદાન આપી રહ્યા હતા. કામદારો 24 કલાક કામ રહ્યા છે. જેમાં કેટલાક પ્રતિષ્ઠિત પરિવારોના સભ્યો, મોટા ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રોની મોટી હસ્તીઓ અને ખાનગી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ પણ સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યા છે. આ બધામાં અમુક તો એવા સ્વયંસેવકો પણ છે, જેઓ BMW અને જેગુઆર જેવી મોંઘી કાર લઈને અયોધ્યા આવ્યા છે અને 5 સ્ટાર હોટેલમાં રોકાયા છે. અયોધ્યામાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતી વખતે અમુક સ્વયંસેવકો ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, તેમના પરિવારના અન્ય સભ્યો પણ શ્રમદાન કરશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, શ્રમદાનમાં મળેલા મહેનતાણાને તેઓ શ્રીરામ મંદિરમાં દાન કરી દેશે અને રસીદને પ્રસાદના સ્વરૂપમાં પોતાની સાથે લઇ જશે.
મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે, જ્યારે બાકીનું કામ હવે પછી પણ ચાલુ રહેશે. ડિસેમ્બર, 2025માં મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જવાની ગણતરી છે.