આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. હવે સરકારના શિક્ષણ વિભાગે પણ આ અંગે એક પરિપત્ર જાહેર કરીને તમામ શાળાઓમાં અડધો દિવસ બંધ રાખવા આદેશ કર્યો છે.
રાજ્ય સરકારના આદેશાનુસાર, 22 જાન્યુઆરી, 2024 (સોમવારે) રાજ્યની તમામ શાળાઓ બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રહેશે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને તેનો અમલ કરાવવા માટે જણાવ્યું છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
— Zee 24 Kalak (@Zee24Kalak) January 20, 2024
– ગુજરાતની સરકારી શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર
– બપોર 2:30 વાગ્યા સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી
– રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને લખાયો પત્ર #gujarat #ayodhya #govrnmentschool #ayodhya #AyodhyaRamTemple…
ગત ગુરુવારે (18 જાન્યુઆરી, 2024) ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડીને 22 જાન્યુઆરીના રોજ તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી હતી. સરકારે જણાવ્યું હતું કે, તારીખ 22/01/2024ના રોજ શ્રીરામ મંદિર અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તારીખ 22 જાન્યુઆરી, 2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રહેશે.’
સરકારના જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે, આ હુકમો રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકનાં બોર્ડ/કોર્પોરેશન તેમજ પંચાયતના કર્મચારીઓને પણ લાગુ પડશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર અને લગભગ તમામ ભાજપશાસિત રાજ્યો 22 જાન્યુઆરીના શુભ દિવસ માટે અડધા દિવસની રજા જાહેર કરી ચૂક્યાં છે, જેથી લોકો રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં ભાગ લઇ શકે. કેન્દ્ર સરકારે પણ બપોરે 2:30 વાગ્યા સુધી તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ બંધ રાખવા માટે જણાવ્યું હતું.
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી
અયોધ્યામાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. 22 જાન્યુઆરીને સોમવારે પ્રભુના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે અયોધ્યામાં હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ દેશ રામમય બની ચૂક્યો છે. દેશમાં આ દિવસને દિવાળીના પર્વ કરતાં પણ વધુ ભવ્યતાથી ઉજવણી કરવાની તૈયારી ચાલી રહી છે.
આ માહોલને જોતાં જ રાજ્ય અને કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. સામાન્ય રીતે આ પ્રકારે અડધી રજા જાહેર થાય તે જોવા મળતું નથી, પરંતુ આ દિવસ જ વિશેષ હોવાના કારણે સરકારે નિર્ણય લીધો છે. જોકે, જ્યાં વિપક્ષનું શાસન છે તેવાં રાજ્યોમાં રજા આપવામાં આવી હોય તેવું ધ્યાને પડ્યું નથી. એકમાત્ર ઓડિશામાં બીજુ જનતા દળની સરકારે અડધા દિવસની રજા આપી છે.