જેમ જેમ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રી છે તેમ તેમ ગુજરાતના વિરોધપક્ષોના નેતાઓ પત્તાના મહેલની જેમ એક પછી એક ખરી રહ્યા છે. તે જ દિશામાં હવે મહેસાણા જિલ્લાના એકમાત્ર કોંગ્રેસ ધારાસભ્ય સી જે ચાવડા, જેઓ વિજાપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા તેઓએ રાજીનામું આપીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય માટે કારણ આપતા ચાવડાએ કહ્યું છે કે જ્યારે સમગ્ર દેશ રામમય બનીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસ વિવાદિત નિવેદનો આપીને તેનો વિરોધ કરી રહી છે.
અહેવાલો અનુસાર આજે સવારે આધિકારિક રીતે કોંગ્રેસ ધારાસભ્ય સી જે ચાવડા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળ્યા હતા અને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આ સાથે જ સમગ્ર મહેસાણા જિલ્લો હવે કૉંગ્રેસમુક્ત બન્યો છે.
Gandhinagar : રાજીનામાં બાદ કોંગ્રેસ પર વરસ્યા સી.જે.ચાવડા#LoksabhaElection2024 #Congress #CJChavda #Resignation #GujaratFirst @INCGujarat @shaktisinhgohil @DrCJChavda1 pic.twitter.com/09v8RjWkNk
— Gujarat First (@GujaratFirst) January 19, 2024
રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા સી જે ચાવડાએ કહ્યું હતું કે, “રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરના લોકો અને વિશ્વભરના ભક્તોમાં ખુશીની લહેર ચાલી રહી છે. લોકો 22મી જાન્યુઆરીએ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. અમારામાંથી કેટલાક કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ પક્ષની તેની સામે કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. હું માનું છું કે આપણે ઉજવણીમાં જોડાવું જોઈએ. અડચણરૂપ બનવા કે ટીકા કરવાને બદલે મેં કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે.”
આમ તેઓએ પોતાના રાજીનામા માટે કોંગ્રેસની રામ મંદિર અને હિંદુવિરોધી વિચારસરણીને જવાબદાર ગણવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકસભા ચૂંટણી પહેલા હજુ પણ ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે. જેમાંથી એક મોટું નામ અર્જુન મોઢવાડિયાનું છે.
નોંધનીય છે કે આ પહેલા પણ આમ આદમી પાર્ટીના ધરાસભ્ય ભૂપત ભાયાણી અને કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામા આપી ચૂક્યા છે. સાથે જ આવનારા સપ્તાહમાં ગુજરાતના તમામ 3 અપક્ષ ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ શકે છે.