મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેમણે જાનકી વન ખાતેથી ‘વન સેતુ ચેતના યાત્રા’નો પ્રારંભ કરાવ્યો છે. આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની ‘વન સેતુ યાત્રા’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ તથા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ યાત્રા ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થશે.
ગુરુવારે (18 જાન્યુઆરી) નવસારી જિલ્લાના ભીનાર સ્થિત જાનકી વનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે ‘વન સેતુ ચેતના યાત્રા’નો પ્રારંભ કરાવ્યો હતો. નવસારીના ભીનારથી શરૂ થયેલી આ યાત્રા 22 જાન્યુઆરીના રોજ 1000 KMનું અંતર કાપીને આધ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતે પૂર્ણ થશે. 5 દિવસની આ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ-બહેનોને સાંકળી લેવામાં આવશે.
યાત્રા દરમિયાન સરકારી યોજનાનો થશે પ્રસાર-પ્રચાર
આ વન સેતુ યાત્રા દરમિયાન માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રિના સમયે ભોજન સંધ્યા કાર્યક્રમ તેમ જ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોમાં દર્શન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વનસહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વાસ્થ્ય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનારા આદિવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ, સરકારી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર તથા તેના દ્વારા મળતા લાભો, યાત્રી સભા, જંગલ વિસ્તારમાં વસતા આદિવાસી ભાઈઓ જોડે મુલાકાત, સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ જેવા અગત્યના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
આજે નવસારી જીલ્લાનાં ભીનાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરાવ્યો. નવસારીનાં ભીનારથી શરૂ થયેલી આ યાત્રા 22મી જાન્યુઆરીનાં રોજ 1000 કિમીનું અંતર કાપી મા આદ્યશક્તિ અંબાજીનાં પાવન ધામ ખાતે પરિપૂર્ણ થશે.
— C R Paatil (@CRPaatil) January 18, 2024
માનનીય… pic.twitter.com/HWixjOEqlz
વન સેતુ ચેતના યાત્રાના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીના ઉનાઈ માતાજીના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધિત પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “દંડક આરણ્યમાં પ્રભુ શ્રીરામે શબરીના બોર ખાધા હતા. દંડક આરણ્યના આ વિસ્તારમાં શબરીધામ પણ છે. આ ભૂમિ પર આવવાની મને તક મળી તેથી હું ભાગ્યશાળી છું” તેમણે વધુમાં કહ્યું કે, “આ યાત્રામાં 52000 કરોડની ફાળવણીનું આયોજન છે. આદિવાસી ગામોમાં 24 કલાક વીજળી મળે તેવા પ્રયત્નો કર્યા છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, “આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવાઓ, મલ્ટી-સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલોનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી સહિતના વિસ્તારોમાં મેડિકલ કોલેજ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આદિવાસી સમાજને શક્ય તેટલી સરકારી યોજનાઓનો લાભ મળે એ માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.”