કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ દેશમાં ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, જે અંતર્ગત તેઓ હાલ આસામમાં પહોંચ્યા હતા. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, કોંગ્રેસ પાર્ટીના જ પૂર્વ મહિલા નેતા અંગકિતા દત્તાએ તેમની પાસે ન્યાયની માંગણી કરી છે. ન્યાય માટે તેઓ ધરણા પ્રદર્શન પર બેઠા છે. નોંધનીય છે કે અંગકિતા દત્તાએ થોડા સમય પહેલાં જ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસ પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. જે પછી કોંગ્રેસે મહિલા નેતા સામે જ કાર્યવાહી કરતા તેઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
ગુરુવારે (18 જાન્યુઆરી 2024) આસામના શિવનગરમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો પ્રવેશ થયો હતો, ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા અંગકિતા દત્તાએ ધરણા પ્રદર્શન કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ન્યાયની માંગણી કરી છે. અંગકિતા દત્તાએ કહ્યું કે, “હું છેલ્લા 10 મહિનાથી પાર્ટીની બહાર છું, મેં ફક્ત મારી સાથે થયેલા શોષણ માટે ન્યાયની માંગણી કરી હતી. પરંતુ મને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી. કોંગ્રેસમાંથી કાઢી મુકાયા છતાં હજી મેં બીજી કોઈ પાર્ટી જોઈન નથી કરી. હું રાહુલ ગાંધીને ન્યાયની માંગ સાથે મેમોરેન્ડમ આપીશ. હું આશા રાખું છું કે મને પણ ન્યાય મળશે. રાહુલ ગાંધી મને જરૂર ન્યાય આપશે.”
#WATCH Former Youth Congress leader Angkita Dutta, who made harassment allegations against Indian Youth Congress leader Srinivas BV, holds a protest in Assam's Sivasagar as 'Bharat jodo Nyay Yatra' enters the state
— ANI (@ANI) January 18, 2024
"I was expelled (from the party) because I sought justice… pic.twitter.com/XEQGDRqg3Q
ઉલ્લેખનીય છે કે મહિલા નેતા અંગકિતાએ યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ અને યુથ કોંગ્રેસ સેક્રેટરી વર્ધન યાદવ પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. એક ટ્વિટમાં તેમણે આરોપ લગાવતાં કહ્યું હતું કે યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ દ્વારા સતત તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે અને તેમની સાથે લૈંગિક ભેદભાવ પણ થઇ રહ્યો છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં પાર્ટી નેતૃત્વે આંખ આડા કાન કર્યા હતા.
જે પછી કોંગ્રેસે 22 એપ્રિલ 2023ના રોજ આસામ પ્રદેશ યુથ કોંગ્રેસનાં અધ્યક્ષ અંગકિતા દત્તાને જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં હતાં. કોંગ્રેસે તેમના ઉપર ‘પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓ’ કરવાનો આરોપ લગાવ્યો હતો અને 6 વર્ષ માટે બરતરફ કરી દેવામાં આવ્યાં હતા. જે પછી મહિલા નેતાએ કહ્યું હતું કે, તેમની ફરિયાદો બાદ પણ શ્રીનિવાસ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને છેલ્લા ઘણા મહિનાઓથી કાર્યવાહીની આશાએ તેઓ રાહ જોઈ રહ્યાં હતાં પરંતુ કોઈને રસ હોય તેમ લાગી રહ્યું નથી. આ ઉપરાંત, તેમણે એક ટ્વિટમાં પ્રિયંકા ગાંધીના ‘લડકી હું, લડ સકતી હું’ અભિયાન પર પણ સવાલ ઉઠાવ્યા હતા.