લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે તે પહેલાં જાન્યુઆરી અંતમાં 17મી લોકસભાનું અંતિમ સત્ર શરૂ થશે, જે 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન નાણામંત્રી વચગાળાનું બજેટ પણ રજૂ કરશે.
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપી છે. X પર એક પોસ્ટ કરતાં તેમણે કહ્યું કે, 17મી લોકસભાનું આ અંતિમ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં રાષ્ટ્રપતિ સંસદને સંબોધિત કરશે અને 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સિતારમન વચગાળાનું વાર્ષિક બજેટ રજૂ કરશે.
#InterimBudgetSession2024, last session of Seventeenth Lok Sabha to be held from 31st January to 9th February, with address of Hon'ble President to the Parliament. On 1st February, Hon'ble FM @nsitharaman ji will present the Interim Union Budget. pic.twitter.com/fF0yzblsgU
— Pralhad Joshi (@JoshiPralhad) January 12, 2024
મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, આ બજેટ સત્રમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ બે ગણી કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. ઉપરાંત, મહિલાઓને લઈને પણ મોટાં એલાન થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલાં અંતિમ સત્ર હોવાના કારણે આ સત્ર પર સૌની નજર રહેશે.
આ પહેલાં ડિસેમ્બરમાં લોકસભાનું શિયાળુ સત્ર યોજાયું હતું, જેમાં સરકારે અગત્યનાં 3 ક્રિમિનલ લૉ બિલ સહિત અન્ય મહત્વપૂર્ણ બિલ પાસ કરાવ્યાં હતાં. તે પહેલાં સપ્ટેમ્બર મહિનામાં વિશેષ સત્ર પણ યોજવામાં આવ્યું હતું, જેમાં મોદી સરકાર લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરતું નારીશક્તિ વંદન વિધેયક લાવી હતી. આ બિલ બંને ગૃહમાં જંગી બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું.
આ સત્ર અંતિમ હશે. ત્યારબાદ લોકસભા ચૂંટણી જાહેર થઈ શકે છે. અનુમાન છે કે માર્ચથી મે સુધી સામાન્ય ચૂંટણીઓ યોજાશે. વર્તમાન સરકારનો કાર્યકાળ મે, 2024માં પૂર્ણ થઈ રહ્યો છે. 2019માં માર્ચમાં ચૂંટણી જાહેર થઈ હતી અને 11 એપ્રિલથી મે, 2019 સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.