મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક કોર્ટે આરએસએસ (RSS) પર અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘ સામે આકરી ટિપ્પણી કરી છે. કેસ નોંધાયા બાદ તેઓએ પોતાની પ્રોફાઇલ પરથી આ અપમાનજનક ટિપ્પણી ડિલીટ કરી દીધી હતી, પરંતુ કોર્ટે તેઓને આદેશ કર્યો છે કે આટલાથી કામ નહીં ચાલે. કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે તેઓએ લેખિતમાં માફી માંગવી પડશે એ પણ પોતાની સહી સાથે.
ગત વર્ષે જુલાઈ મહિનામાં RSS સ્વયંસેવક વિવેક ચાંપાનેરકરે કોંગ્રેસ નેતા વિરુદ્ધ મેજિસ્ટ્રેટ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે કોર્ટને કહ્યું હતું કે દિગ્વિજય સિંહે 8 જુલાઈ 2023ના રોજ સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ માટે કોર્ટે તેમને કોંગ્રેસના નેતા પાસેથી બદનક્ષીભરી પોસ્ટ માટે વળતર તરીકે 1 રૂપિયા વસૂલ કરવાનો અધિકાર આપવો જોઈએ.
ગુરૂવારે (4 જાન્યુઆરી 2024) આ કેસની સુનવણી હતી થાણેની મેજિસ્ટ્રેટ કોર્ટમાં. જેમાં દિગ્વિજય સિંહ તરફથી હાજર થયેલા વકીલે કોર્ટને કહ્યું કે, “સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ હટાવી દેવામાં આવી છે. તેથી, પીઢ નેતા સામે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી બદનક્ષીની ફરિયાદને વધુ લંબાવવાનું કોઈ કારણ બાકી નથી.”
સામે ફરિયાદી આરએસએસ સ્વયંસેવક વિવેક ચાંપાનેરકર માટે હાજર રહેલા વકીલ આદિત્ય મિશ્રા અને સુરભી પાંડેએ દિગ્વિજય સિંહની લેખિત માફી માગ્યા વિના કેસ બંધ કરવાનો વિરોધ કર્યો હતો.
નોંધનીય છે કે ફરિયાદી ચાંપાનેરકરે કોર્ટમાં દાવો કર્યો હતો કે, “કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘની પોસ્ટથી વાદીની સંસ્થા એટલે કે આરએસએસની બદનક્ષી થઈ છે અને ચાંપાનેરકરને અંગત રીતે ઘણું દુઃખ પહોંચાડ્યું છે, તેથી દિગ્વિજય સિંહ પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 499 અને 500 હેઠળ સજાપાત્ર અપરાધ માટે અને બદનક્ષીના કપટપૂર્ણ કૃત્ય માટે પણ કાર્યવાહી કરી શકાય છે અને સજા થઈ શકે છે.”
કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘના વકીલને આદેશ આપ્યો છે કે માત્ર પોસ્ટ ડિલીટ કરવાથી કામ નહીં ચાલે, તેઓએ લેખિતમાં માફી માંગવી પડે સહી કરેલા કાગળ પર. સાથે જ આ સમગ્ર મામલાની આગલી સુનાવણી 29 જાન્યુઆરી પર મોકૂફ રાખી છે.