Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદ્વિતીય RSS સરસંઘચાલક ગોલવલકર વિશે ફેલાવ્યા ફેક ન્યૂઝ, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા...

    દ્વિતીય RSS સરસંઘચાલક ગોલવલકર વિશે ફેલાવ્યા ફેક ન્યૂઝ, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘ સામે FIR

    કોંગ્રેસ નેતા પર સમાજમાં નફરત ફેલાવવાનો આરોપ, કહ્યું- તેમણે RSSની છબીને નુકસાન પહોંચાડ્યું.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘ ફરી મુશ્કેલીમાં ફસાયા છે. શનિવારે (8 જુલાઈ, 2023) તેમણે એક ટ્વિટ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકર વિશે ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. જેને લઈને તેમની સામે ઇન્દોરમાં FIR દાખલ કરવામાં આવી છે. 

    દિગ્વિજય સિંઘે એક તસ્વીર ટ્વિટ કરી હતી અને લખ્યું કે, ‘ગુરુ ગોલવલકરજીના દલિતો, પછાત વર્ગ અને મુસ્લિમો માટે તેમજ રાષ્ટ્રીય જળ, જંગલ અને જમીન અધિકાર પર શું વિચાર હતા એ અવશ્ય જાણો.’ સાથે તેમણે કોંગ્રેસ અને એમપી કોંગ્રેસનાં ટ્વિટર હેન્ડલ ટેગ કર્યાં હતાં. 

    દિગ્વિજય સિંઘે જે તસ્વીર ટ્વિટ કરી હતી તેમાં વચ્ચે ગોલવલકરની તસ્વીર પોસ્ટ કરીને ઉપર-નીચે લખાણ લખવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું કે, ‘સદાશિવ રાવ ગોલવલકરે પોતાના પુસ્તક ‘વી એન્ડ અવર નેશનહૂડ આઇડેન્ટિફાઇડ’માં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે પણ સત્તા હાથમાં આવે તો સૌથી પહેલાં સરકારની ધનસંપત્તિ, રાજ્યોની જમીન અને જંગલ પોતાના બે-ત્રણ વિશ્વાસુ ધનિક લોકોને સોંપી દેવી. 95 ટકા જનતાને ભિખારી બનાવી દો ત્યારબાદ સાત જન્મો સુધી સત્તા હાથમાંથી નહીં જાય. નીચેના લખાણમાં લખવામાં આવ્યું હતું કે, ‘હું આખું જીવન અંગ્રેજોની ગુલામી કરવા માટે તૈયાર છું પરંતુ જે દલિત, પછાત વર્ગ અને મુસ્લિમોને સમાન અધિકાર આપતી હોય તેવી સ્વતંત્રતા મને નથી જોઈતી.’

    - Advertisement -

    કોંગ્રેસ નેતાએ આ ટ્વિટ કર્યા બાદ ઘણા ટ્વિટર યુઝરોએ તેમની ટીકા કરી હતી તો ‘ફ્રેન્ડ્સ ઑફ RSS’ નામના ટ્વિટર હેન્ડલે પણ ઝાટકણી કાઢી હતી. હેન્ડલ પરથી લખવામાં આવ્યું કે, ગોલવલકરે આવું કશું જ લખ્યું ન હતું અને તેમણે પોતાનું સંપૂર્ણ જીવન સામાજિક ભેદભાવ સમાપ્ત કરવામાં ખપાવી દીધું હતું. દિગ્વિજય સિંઘે ફોટોશોપ તસ્વીરો ચલાવવાની બંધ કરી દેવી જોઈએ. સાથે ઉમેર્યું કે, ‘નીચી, સ્તરહીન અને ખોટી વાતોનો સહારો લઈને આ પ્રકારે એજન્ડા ચલાવવું શોભા આપતું નથી.

    દિગ્વિજય સિંઘના પૂર્વ RSS ચીફ ગોલવલકર વિશેના આ વિવાદિત ટ્વિટને લઈને ઇન્દોરના તુકોગંજ પોલીસ મથકે શનિવારે રાત્રે 11:30 વાગ્યે એક એડવોકેટે ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેમણે કોંગ્રેસ નેતા પર સમાજમાં નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, પૂર્વ સીએમએ ન માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છબીને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કર્યા છે પરંતુ તેની લાગણીઓને પણ ઠેસ પહોંચાડી છે. ફરિયાદના આધારે પોલીસે દિગ્વિજય સિંઘ વિરુદ્ધ IPCની કલમ 153A, 469, 500 અને 505 હેઠળ FIR દાખલ કરી હતી.

    માધવરાવ સદાશિવરાવ ગોલવલકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) બીજા સરસંઘચાલક હતા. સંઘમાં આ પદ પ્રમુખ સમકક્ષ માનવામાં આવે છે. તેમનો જન્મ 1906માં મહારાષ્ટ્રમાં થયો હતો. બનારસમાં સંઘના સ્થાપક ડૉ. હેડગેવારના કાર્યક્રમમાં પહેલી વખત તેમનો પરિચય RSS સાથે થયો અને ત્યારથી તેઓ સંઘની વિચારધારાના રંગે રંગાયા હતા. 13 ઓગસ્ટ, 1939ના રોજ ડૉ. હેડગેવારે તેમને સંઘના ‘સરકાર્યવાહક’ (RSSમાં બીજું સૌથી મોટું પદ) તરીકે નિયુક્ત કર્યા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે સંઘનો વિસ્તાર કરવામાં બહુ કામ કર્યું હતું. સંઘમાં તેમને ‘ગુરૂજી’ના નામે ઓળખવામાં આવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં