આજે બકરી ઈદ છે ત્યારે ત્રિપુરા રાજ્યના અગરતલામાં કોઈ પણ પશુની કુરબાની આપવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રાજ્યના પશુ સંસાધન વિકાસ વિભાગ દ્વારા આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જાહેરમાં કોઈપણ પશુ વધની અનુમતિ આપવામાં આવશે નહીં.
પશુ સંસાધન વિકાસ વિભાગના સચિવ ડૉ. ટી.કે દેવનાથે કહ્યું કે, નિયમો અનુસાર માત્ર કતલખાનાંમાં જ જાનવરોની કુરબાનીની અનુમતિ આપવામાં આવશે. અગરતલામાં કોઈ કતલખાનું નથી. જેથી અગરતલામાં કોઈ કુરબાની થશે તો તેને ગેરકાયદે માનવામાં આવશે અને સજા પણ કરવામાં આવશે. આ ઉપરાંત, વિભાગે નિયમોના ઉલ્લંઘન બદલ ત્રિપુરા ડીજીપીને કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે.
नियमों के अनुसार केवल बूचड़खानों में ही जानवरों की कुर्बानी की अनुमति है। अगरतला में कोई बूचड़खाना नहीं है। इसलिए अगर कल अगरतला में कोई कुर्बानी होती है तो इसे अवैध माना जाएगा और सजा दी जाएगी: डॉ. टी के देबनाथ, सचिव, पशु संसाधन विकास विभाग, त्रिपुरा (09.07) pic.twitter.com/v9SncZnVnZ
— ANI_HindiNews (@AHindinews) July 9, 2022
રિપોર્ટ્સ અનુસાર, આ પ્રતિબંધ પાછળ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ 2001નો સંદર્ભ આપવામાં આવ્યો છે. જે મુજબ પશુઓની હત્યા માત્ર કતલખાનાંમાં જ થઇ શકે છે, અને તે પણ સરકારનું લાયસન્સ પ્રાપ્ત અને તમામ નિયમોનું પાલન કરતાં હોય તે જરૂરી છે. આ ઉપરાંત આદેશમાં પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 અને પરિવહન અધિનિયમ 1978નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
ડૉ. દેવનાથે કહ્યું કે જે-તે વિભાગ તેમજ રાજ્યના ડીજીપીને શહેરી વિસ્તારોમાં આ પ્રકારના ગેરકાયદે વધને રોકવા માટે આદેશ પર ગંભીરતાથી ધ્યાન આપવા માટે સૂચિત કરવામાં આવ્યા છે, કારણ કે અધિનિયમ અનુસાર કતલખાના સિવાય કોઈ પણ પશુવધ ગેરકાયદે માનવામાં આવે છે, જે સજાપાત્ર ગુનો બને છે અને તેમાં સજાના પ્રાવધાન છે.
આ ઉપરાંત, વિભાગે કહ્યું છે કે નિયમો વિરુદ્ધ જાનવરોને લઇ જવા દરમિયાન અનેક પશુઓનાં રસ્તામાં જ મોત થઇ જાય છે. આ કારણોને જોતાં નિયમોનું ઉલ્લંઘન કરતું જણાય તો તેની પર પણ કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત, પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસાર બીમાર અને ત્રણ મહિનાથી ઓછી ઉંમરના જાનવરોનો વધ કરી શકતો નથી. જેથી આ નિયમોનું ઉલ્લંઘન કરનારાને પણ દંડ કરવામાં આવશે.
ત્રિપુરા વક્ફ બોર્ડે આ મામલે રાજ્ય સરકારનું સમર્થન કર્યું છે. બોર્ડે કહ્યું કે, આ આદેશમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કંઈ જ નથી. તેમણે કહ્યું, “અમારા શરિયત કાયદા અને હદીસમાં પણ એક વર્ષથી ઓછી ઉંમરની ગાયોને મારવાથી રોકવામાં આવે છે અને ગર્ભવતી ગાયોની કુરબાની કરવા પર પ્રતિબંધ છે. જે લગભગ સરકારી આદેશ જેવો જ છે, જેમાં કોઈ અંતર નથી.
જોકે, ત્રિપુરા સરકારે બકરી ઈદ પર જારી કરેલા આ આદેશ પર વિપક્ષી પાર્ટીઓને વાંધો પડ્યો હતો. કોંગ્રેસ અને સીપીઆઈએમએ ત્રિપુરાના પશુ સંસાધન વિકાસ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ આદેશ પર કહ્યું કે, આ આદેશ એક સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા સાથે અન્ય સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યો છે.