ગુજરાતમાં અવારનવાર નકલી ડોક્યુમેન્ટ્સ બનાવીને લાખો રૂપિયા કમાતા કૌભાંડો વિશેના સમાચાર સામે આવતા રહ્યા છે. ત્યારે ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના જુહાપુરામાં નકલી દસ્તાવેજો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એઝાઝખાન પઠાણ નામનો વ્યક્તિ લોકો પાસેથી પૈસા પડાવીને નકલી સરકારી ડોક્યુમેન્ટ્સ બનાવી આપતો હતો. જે બાદ આ વિશેની જાણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને થતાં તેણે આરોપી એઝાઝખાન પઠાણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જુહાપુરામાં નકલી દસ્તાવેજોનું બનાવી આપવાનું કૌભાંડ ચલાવતા આરોપી એઝાઝખાન પઠાણની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે જુહાપુરા ફતેવાડી ખાતે નકલી સરકારી ડોક્યુમેન્ટ્સ બનાવતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, અમદાવાદ મનપાના અને વડોદરા મનપાના જન્મ-મરણના દાખલા, તેમજ અન્ય સરકારી દસ્તાવેજો પૈસા પડાવીને બનાવતો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી બે બનાવટી આધાર કાર્ડ , 16 ચૂંટણી કાર્ડ, મનપાના જન્મ-મરણના 11 દાખલાઓ જપ્ત કર્યા છે.
કમ્પ્યુટર રિપેરિંગની દુકાનમાં કરતો હતો કૌભાંડ
આરોપી એઝાઝખાન પઠાણ જુહાપુરામાં સ્થિત તેની કમ્પ્યુટર રિપેરિંગ અને સોફ્ટવેરની દુકાનમાં કોમ્પ્યુટર દ્વારા નકલી દસ્તાવેજો બનાવતો હતો. કોમ્પ્યુટરમાંથી 29 લોકોને નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી આપ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપી 10 ધોરણ સુધી ભણેલો છે. પહેલાં તે કોઈ ખાનગી કંપનીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ કરતો હતો. સાથે તે યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી દસ્તાવેજો બનાવવાનું શીખતો હતો. જે લોકોને લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોય તેવા લોકોને તે બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને આપતો હતો. 200 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીમાં તે ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો.
27 સાઇટ પરથી બનાવતો હતો ડોક્યુમેન્ટ્સ
પોલીસે એઝાઝખાન પઠાણની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તે ઓનલાઈન 27 જેટલી વેબસાઇટ પરથી નકલી ડોક્યુમેન્ટ્સ બનાવતો હતો. આટલું જ નહીં પણ તે કેટલાક યુટ્યુબરોના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે તેણે યુટ્યુબરોની મદદ લીધી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, એઝાઝખાન 7 મહિનાથી નકલી ડોક્યુમેન્ટ્સ બનાવતો હતો. તેણે નકલી ડોક્યુમેન્ટ્સના આધારે પાનકાર્ડ, પાસપોર્ટ બનાવ્યા છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ ગીર સોમનાથ પોલીસે ઉનામાં નકલી આધારકાર્ડ બનાવતી એક ટોળકીની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ અસલમ શેખ, શબીર સુમરા અને જાવેદ મન્સૂરી તરીકે થઈ હતી. તેઓ કોઇ પણ પ્રકારના આધાર-પુરાવા વગર લોકોને આધારકાર્ડ બનાવી આપતા હતા. આ ટોળકીના તાર છેક ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું હતું.