શુક્રવારે (29 ડિસેમ્બર) ભારત સરકાર, આસામ રાજ્ય સરકાર અને આસામના ઉગ્રવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ULFA) વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેની સાથે દાયકાઓથી સશસ્ત્ર સુરક્ષાબળો વિરુદ્ધ ચાલતી હિંસા અને ઉગ્રવાદનો અંત આવ્યો છે. આ સમજૂતી થઈ ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અને આસામ CM હિમંત બિસ્વ સરમા હાજર હતા. તેમણે આ પગલું ઐતહાસિક ગણાવ્યું છે.
શુક્રવારે દિલ્હીમાં એક અગત્યની બેઠક યોજાઈ હતી, જે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં આસામના મુખ્યમંત્રી સરમા, ગૃહ સચિવ અજય ભલ્લા, આસામના DGP જીપી સિંઘ તેમજ ઉલ્ફા જૂથના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ULFAએ ઔપચારિક રીતે હિંસા બંધ કરીને મુખ્યધારામાં સામેલ થવા માટે સહમતી દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર છેલ્લાં 12 વર્ષથી ઉગ્રવાદી જૂથ સાથે વાટાઘાટો કરવા માટે પ્રયાસ કરી રહી હતી. 3 સપ્ટેમ્બર, 2011ના રોજ બંને પક્ષે શાંતિ સમજૂતી માટે વાટાઘાટો શરૂ થઈ હતી અને ત્યારથી સંગઠને હથિયાર ઉઠાવ્યાં નથી પરંતુ આ પહેલી વખત છે જ્યારે બંને પક્ષો શાંતિ સમજૂતી માટે તૈયાર થયા છે અને બંને પક્ષે હસ્તાક્ષર થયા છે. મોદી સરકારની આ એક મોટી ઉપલબ્ધિ છે અને જેનાથી આસામમાં કાયમી શાંતિ સ્થપાશે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “આજે આસામ માટે એક સુવર્ણ દિવસ છે. લાંબા સમય સુધી પૂર્વોત્તરના રાજ્યોએ હિંસાનો સામનો કર્યો છે. પરંતુ નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી દિલ્હી અને પૂર્વોત્તર વચ્ચેનું અંતર ઘટાડવાના પ્રયાસ કરવામાં આવતા રહ્યા છે અને તેમની જ પ્રેરણાથી ઉગ્રવાદમુક્ત અને હિંસામુક્ત અને વિવાદમુક્ત ઉત્તર-પૂર્વ બનાવવા માટે ગૃહમંત્રાલય સતત પ્રયાસરત રહ્યું છે.” તેમણે જણાવ્યું કે, છેલ્લાં 5 વર્ષમાં પૂર્વોત્તરનાં અલગ-અલગ રાજ્યમાં આ પ્રકારની 9 શાંતિ સમજૂતી થઈ છે અને 9 હજારથી વધુ કેડરે સરેન્ડર કર્યું છે.
#WATCH | On United Liberation Front of Assam (ULFA)’s signing a tripartite Memorandum of Settlement with the Centre and the Assam government, Union Home Minister Amit Shah says, "It is a matter of joy for me that today is a bright day for the future of Assam. For a long time,… pic.twitter.com/JtgBDjjL5n
— ANI (@ANI) December 29, 2023
તાજા ઘટનાક્રમને લઈને તેમણે કહ્યું કે, આસામની વાત કરવામાં આવે તો 85 ટકા વિસ્તારમાંથી AFSPA હટાવી દેવામાં આવ્યો છે અને હવે ભારત સરકાર, આસામ સરકાર અને ULFA વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી પણ થઈ છે, જે આસામ અને સંપૂર્ણ નોર્થ ઈસ્ટમાં શાંતિનો નવો યુગ શરૂ કરશે. તેમણે કહ્યું કે, “હું ULFAના તમામ પ્રતિનિધિઓને હું વિશ્વાસ અપાવું છું કે તમે જે વિશ્વાસ ભારત સરકાર પર મૂક્યો છે તેને પરિપૂર્ણ કરવા માટે અને તમામ બાબતોના પાલન માટે એક સમયમર્યાદા લઈને કાર્યક્રમો નક્કી કરવામાં આવશે અને ગૃહ મંત્રાલય અંતર્ગત એક સમિતિ પણ બનાવવામાં આવશે, જે આસામ સરકાર સાથે રહીને સમયબદ્ધ રીતે સમજૂતીની તમામ બાબતોનું પાલન કરવા માટે પ્રયાસ કરશે.”
નોંધવું જોઈએ કે ULFAની રચના વર્ષ 1979માં એક સાર્વભૌમ આસામની માંગ સાથે કરવામાં આવી હતી. ત્યારથી આ સંગઠન ઉગ્રવાદ અને હિંસામાં સામેલ રહ્યું છે. જેના કારણે વર્ષ 1990માં ભારત સરકારે તેની ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. વચ્ચે સરકારો પ્રયાસ કરતી રહી, પરંતુ વાત ન બની. આખરે 2010માં ULFA બે ભાગમાં વહેંચાઈ ગયું અને એક ભાગે સરકાર સાથે સમજૂતી પર વાટાઘાટો શરૂ કરી. અન્ય એક જૂથ હજુ પણ આ સમજૂતીનો વિરોધ કરી રહ્યું છે.