Friday, November 22, 2024
More
    હોમપેજદેશકતારની જેલમાં બંધ 8 ભારતીય પૂર્વ નૌસૈનિકોને નહીં થાય ફાંસી: સ્થાનિક કોર્ટે...

    કતારની જેલમાં બંધ 8 ભારતીય પૂર્વ નૌસૈનિકોને નહીં થાય ફાંસી: સ્થાનિક કોર્ટે ઘટાડી સજા, ભારતની મોટી કૂટનીતિક જીત

    વિદેશ મંત્રાલયે જાણકારી આપી, કહ્યું- અમે પરિજનો અને લીગલ ટીમ સાથે સતત સંપર્કમાં છીએ અને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે.

    - Advertisement -

    કતારમાં 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને આપવામાં આવેલી ફાંસીની સજા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. કતારની કોર્ટે આ આઠેય વ્યક્તિઓને મળેલી સજા ઘટાડી દીધી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. 

    ગુરુવારે (28 ડિસેમ્બર) વિદેશ મંત્રાલયે એક અખબારી યાદી જાહેર કરીને જણાવ્યું કે, ‘દાહરા ગ્લોબલ કેસમાં કતારની કોર્ટ ઑફ અપીલના એ ચુકાદાની અમે નોંધ લીધી છે, જેમાં સજા ઘટાડી દેવામાં આવી છે.’ આગળ જણાવવામાં આવ્યું કે, હાલ વિસ્તૃત ચુકાદાની રાહ જોવામાં આવી રહી છે. આગળ શું કરવું તે નક્કી કરવા માટે અમે લિગલ ટીમ તેમજ પરિજનો સાથે સતત સંપર્કમાં છીએ. 

    મંત્રાલયે જણાવ્યું કે, કતારમાં ભારતના રાજદૂત અને અન્ય અધિકારીઓ ગુરુવારે ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે કોર્ટ ઑફ અપીલમાં હાજર રહ્યા હતા. આગળ કહેવામાં આવ્યું કે, અમે તમામ 8 ભારતીય નાગરિકોની સાથે છીએ અને ભવિષ્યમાં પણ તમામ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, કતાર સરકાર સાથે પણ આ મુદ્દે સતત વાતચીત ચાલી રહી હોવાનું વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું. 

    - Advertisement -

    જોકે, મંત્રાલયે સાથે એ પણ ઉમેર્યું કે આ કેસની સંવેદનશીલતાને જોતાં, હાલના તબક્કે અન્ય કોઇ પણ વિશેષ ટિપ્પણી કરી શકાય તેમ નથી. 

    કતારની કોર્ટના આ નિર્ણયને ભારત સરકારની મોટી કૂટનીતિક જીત તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે સજા ઘટાડીને શું જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ એટલું નક્કી છે કે હવે તમામ 8 ભારતીય પૂર્વ નૌસૈનિકોને ફાંસી થશે નહીં. 

    અહીં ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બર મહિનાના અંતમાં કતારની કોર્ટ ઑફ અપીલે 8 ભારતીયોને મળેલી મોતની સજા વિરૂદ્ધ ભારત સરકારે દાખલ કરેલી અપીલ સ્વીકારી હતી. જેની ઉપર ત્યારબાદ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કૉન્સ્યુલર એક્સેસ પણ આપવામાં આવ્યું હતું, એટલે કે ભારતીય રાજદૂતોને 8 વ્યક્તિઓને મળવા દેવા માટે પરવાનગી આપવામાં આવી હતી. 

    શું છે કેસ?

    કેસની વાત કરવામાં આવે તો તમામ 8 વ્યક્તિઓ ભારતીય નૌસેનામાં ફરજ બજાવી ચૂક્યા છે અને અમુકે 20-20 વર્ષ સુધી પણ સેવા આપી છે અને મોટાં પદ પર પણ રહી ચૂક્યા છે. તેઓ કતારની અલ દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ નામની એક ડિફેન્સ સર્વિસ પ્રોવાઇડર કંપનીમાં કામ કરતા હતા. કહેવાય છે કે આ પ્રાઇવેટ ફર્મ કતારની સેનાને લશ્કરી તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડતી હતી. 

    ઓગસ્ટ, 2022માં તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમની ઉપર ચોક્કસ શું આરોપો લગાવવામાં આવ્યા છે તેની વિગતો ક્યારેય સાર્વજનિક કરવામાં આવી નથી, પરંતુ જેટલી માહિતી પબ્લિક ડોમેનમાં છે તેને જોતાં આ કેસ જાસૂસીનો હોવાનું જણાય છે. કથિત રીતે આ તમામ પર ઇઝરાયેલ માટે કતારની સબમરીન સિસ્ટમની જાસૂસી કરવાનો આરોપ છે. 

    વિદેશ મંત્રાલય આ કેસમાં સતત નજર રાખીને બેઠું છે. તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ તમામ 8 વ્યક્તિઓના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને તમામ સંભવ મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું. આ સમગ્ર કેસ શું છે તે અહીં ક્લિક કરીને વિગતવાર વાંચી શકાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં