થોડા સમય પહેલાં ચૂંટણી પ્રચાર સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને ઉદ્યોગપતિ અદાણી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આ મામલે હવે દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને યોગ્ય કાર્યવાહી કરવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે, આ નિવેદન યોગ્ય ન હતું અને જેથી ચૂંટણી પંચ યોગ્ય નિર્ણય લઈને કાર્યવાહી કરે તે જરૂરી છે.
કોર્ટે આદેશમાં કહ્યું, “નિવેદનો યોગ્ય નથી. આ સ્થિતિમાં ચૂંટણી પંચ કાર્યવાહી કરી શકે તેમ છે જેથી કોર્ટ મામલામાં વિલંબ કરશે નહીં. અરજીનો નિકાલ કરવામાં આવે છે.” કોર્ટે ECને 8 અઠવાડિયાંમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. કોર્ટ એક PIL પર સુનાવણી કરી રહી હતી, જેમાં પીએમ, ગૃહમંત્રી અને ઉદ્યોગપતિ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
Delhi High Court says #RahulGandhi’s speech given on November 22 against Prime Minister #NarendraModi and calling him a “pickpocket” was “NOT IN GOOD TASTE.”
— Live Law (@LiveLawIndia) December 21, 2023
Court directs ECI to decide the matter against Gandhi within eight weeks. Plea disposed of. https://t.co/0XdWwNjHwR
અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ પ્રકારનાં ભાષણોના નિયમન માટે કડક નિયમોનું માળખું બનાવવામાં આવે, પરંતુ કોર્ટે ‘અમે સંસદને કોઇ પણ પ્રકારના નિર્દેશ ન આપી શકીએ’ તેમ કહીને તેને લઈને કોઇ આદેશ આપ્યો ન હતો.
કોર્ટને ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, તેઓ પહેલેથી જ કાર્યવાહી કરી ચૂક્યા છે અને રાહુલ ગાંધીને 23 નવેમ્બરના રોજ એક શો કૉઝ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. ECએ કહ્યું, “અમે પહેલેથી જ કાર્યવાહી કરી ચૂક્યા છીએ અને નોટિસનો અર્થ જ એ થાય કે ચેતવણી આપી દેવામાં આવી છે.” જેને લઈને કોર્ટે કહ્યું કે, “આ પ્રકારનાં ભાષણો ન અપાય તે દરેકની જવાબદારી છે. પણ હવે ચૂંટણી પંચ કાર્યવાહી કરી રહ્યું છે તો અમારા હસ્તક્ષેપની જરૂર નથી. અમે એ બાબત સાથે સહમત છીએ કે આ નિવેદનો યોગ્ય ન હતાં.”
શું છે મામલો?
આ મામલો રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અન્યો વિશે કરેલી ટિપ્પણીનો છે. 21 નવેમ્બર, 2023ના રોજ એક રેલીમાં બોલતી વખતે રાહુલે પીએમ મોદીને ‘પનોતી’ ગણાવ્યા હતા. એટલું જ નહીં, ગૃહમંત્રી અને ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરીને ત્રણેયને ખિસ્સાકાતરુ પણ ગણાવી દીધા હતા.
કોંગ્રેસ નેતાએ સંબોધનમાં કહ્યું હતું કે PM મોદી ટીવી પર આવીને હિંદુ-મુસ્લિમ કરીને તમારું ધ્યાન ભટકાવે છે અને અમિત શાહ અને અદાણી આવીને ખિસ્સું કાપી લે છે. ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, ખિસ્સાકાતરુ ક્યારેય એકલા નથી આવતા અને બે જણા આવે છે, જેમાંથી એક તમારું ધ્યાન ભટકાવે છે અને બાકીના ખિસ્સુ કાપી લે છે.
આ મામલે ભાજપે ફરિયાદ કર્યા બાદ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને એક નોટિસ પણ પાઠવી હતી. તેનો તેમણે શું જવાબ આપ્યો કે આપ્યો પણ છે કે નહીં તે આ લખાય છે જાણી શકાયું નથી.