થોડા દિવસ પહેલાં કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરેથી ઇન્કમ ટેક્સ વિભાગે પાડેલી રેડમાં 300 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. જે મુદ્દો કાયમ ચર્ચામાં રહ્યો છે. હવે ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈએ આ મુદ્દે ટિપ્પણી કરીને આડકતરી રીતે કોંગ્રેસ સાંસદ અને હાઇકમાન્ડનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે.
રાજદીપે તાજેતરમાં પોતાની યુ-ટ્યુબ ચેનલ પર એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં તેઓ દાવો કરતા જોવા મળે છે કે ધીરજ સાહુને 2018માં કોંગ્રેસ પાર્ટી ટીકીટ આપવાની જ ન હતી, પણ અમુક નેતાઓએ તેમના માટે લોબિંગ કર્યું હતું, જેઓ હાલ કાં તો મૃત્યુ પામ્યા છે અથવા તો ભાજપમાં સામેલ થઈ ગયા છે. અહીં ઉલ્લેખનીય છે કે ધીરજ સાહુ ઝારખંડથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. તેઓ 2010થી પાર્ટીના સાંસદ રહ્યા છે. 2018માં તેમનો કાર્યકાળ પૂર્ણ થયો હતો પણ કોંગ્રેસે ફરી તેમને ટીકીટ આપી હતી.
વિડીયોમાં રાજદીપ ‘ઝારખંડના એક વરિષ્ઠ નેતાને’ ટાંકીને કહે છે કે ધીરજ સાહુને 2018માં ટીકીટ મળવાની ન હતી. પરંતુ અંતિમ ક્ષણે તેમણે કોંગ્રેસ પાર્ટીમાં અમુક મહત્વના વ્યક્તિઓની મદદ લઈને ટીકીટ બચાવી લીધી હતી. સરદેસાઈ આગળ દાવો કરે છે કે તેમાંથી કેટલાક હવે જીવિત નથી અને લાંબા સમય સુધી પાર્ટીમાં મહત્વનાં પદો સંભાળી ચૂક્યા હતા. આગળ કહ્યું કે, “રસપ્રદ વાત એ છે કે ધીરજ સાહુને મદદ કરનારાઓમાંથી અમુક વ્યક્તિઓ એવા પણ છે જેઓ હવે ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.”
તેઓ આગળ ફરી એક વખત ‘વરિષ્ઠ નેતા’ને ટાંકીને કહે છે કે, ધીરજ સાહુએ ચોક્કસ શું ડીલ કરી હતી તે ખબર નથી પરંતુ એક નેતાએ તેમને કહ્યું હતું કે સાહુની ટીકીટ કપાઈ જવાની હતી.
એક તરફ જ્યાં પાર્ટી પોતાના સાંસદ પાસેથી કરોડો રૂપિયા મળી આવવાના કારણે વિવાદોમાં ઘેરાઈ છે ત્યાં રાજદીપ સરદેસાઈ હાઇકમાન્ડને આડકતરી રીતે ક્લીન ચીટ આપતા જોવા મળ્યા છે.
અહીં નોંધવું જોઈએ કે કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરે પડેલી ઇન્કમ ટેક્સ વિભાગની રેડમાં કુલ ₹300 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. જોકે, કોંગ્રેસ પાર્ટીએ આ મામલે કિનારો કરી લીધો હતો અને કહ્યું હતું કે આ પૈસા સાથે પાર્ટીને કશું જ લેવાદેવા નથી. જોકે, મુદ્દો ત્યારે ફરી ઊછળ્યો જ્યારે કોંગ્રેસે દાન ઉઘરાવવા માટે કેમ્પેઇન લૉન્ચ કરવાની જાહેરાત કરી. કોંગ્રેસ 18 ડિસેમ્બરથી ‘ડોનેટ ફોર દેશ’ કેમ્પેઈન ચાલુ કરશે, જેમાં લોકો પાસેથી દાન માંગશે.