પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપોનો સામનો કરતાં TMC સાંસદ મહુઆ મોઈત્રા સામે સંસદની એથિક્સ કમિટીએ શુક્રવારે (8 ડિસેમ્બર) લોકસભામાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં મોઈત્રાની સંસદ સદસ્યતા રદ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. આ મામલે બપોરે 2 વાગ્યે ચર્ચા કરવામાં આવશે.
એથિક્સ કમિટી ચેરમેન વિનોદ સોનકરે લોકસભામાં કમિટીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ નારાબાજી કરીને હોબાળો મચાવ્યો હતો. હોબાળાની વચ્ચે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 2 વાગ્યે ફરી કાર્યવાહી શરૂ કરીને રિપોર્ટ પર 30 મિનીટ ચર્ચા કરવામાં આવશે.
સંસદમાં રિપોર્ટ રજૂ થયો તે પહેલાં મહુઆ મોઈત્રાએ ભવનની બહાર મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ‘માં દુર્ગા આ ગઈ હૈ, અબ દેખેંગે.’ આગળ કહ્યું કે, ‘તેમણે વસ્ત્રહરણ શરૂ કરી દીધું છે, હવે મહાભારતનું રણ જોઈશું.’
#WATCH | TMC MP Mahua Moitra says, "Maa Durga aa gayi hai, ab dekhenge…Jab naash manuj par chhata hai, pehle vivek mar jaata hai. They have started 'vastraharan' and now you will watch 'Mahabharat ka rann'."
— ANI (@ANI) December 8, 2023
Ethics Panel report on her to be tabled in Lok Sabha today. pic.twitter.com/r28o2ABVbB
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર તરફથી મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બરતરફ કરવા માટે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જો આ પ્રસ્તાવના સમર્થનમાં બહુમતી મતો પડ્યા તો મહુઆ મોઈત્રાનો સંસદમાં આજે અંતિમ દિવસ હશે.
અહીં ઉલ્લેખનીય છે કે એથિક્સ કમિટીએ ગત 9 નવેમ્બરના રોજ રિપોર્ટ સ્વીકાર્યો હતો. 6 સભ્યોએ તેના સમર્થનમાં મતદાન કર્યું હતું, જ્યારે વિપક્ષી પાર્ટીઓના 4 સભ્યોએ વિરોધી મત વ્યક્ત કર્યો હતો.
કમિટીએ પોતાના રિપોર્ટમાં મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બરખાસ્ત કરવા માટે ભલામણ કરી છે અને કહ્યું કે, તેમનું વર્તન અત્યંત આપત્તિજનક, અનૈતિક અને ગુનાહિત રહ્યું છે અને જેથી કમિટી આ બાબતની ગહન, કાયદાકીય અને સંસ્થાગત તપાસ કરવાની ભલામણ કરે છે. કમિટીએ એમ પણ કહ્યું કે, મહુઆ મોઈત્રાએ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી પૈસા, ભેટો અને અન્ય સુવિધાઓ લઈને ‘અનૈતિક આચરણ’ કર્યું છે અને જે ‘સંસદની અવમાનના’ છે. જેથી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
મહુઆ મોઈત્રા સામે ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી પૈસા અને મોંઘી ભેટો લઈને સંસદમાં તેમનાં હિતોને અસર કરતા પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો હતો. આરોપ એવો પણ હતો કે મહુઆ મોઈત્રાએ પોતાના સંસદના લૉગિન આઇડી અને પાસવર્ડ પણ ઉદ્યોગપતિને આપ્યા હતા. જે પછીથી તેમણે પોતે પણ સ્વીકાર્યું અને કમિટી પણ પોતાના રિપોર્ટમાં આ બાબત જણાવી ચૂકી છે.
TMC સાંસદ પર આરોપો લાગ્યા બાદ મામલો લોકસભા સ્પીકર પાસે પહોંચ્યો હતો, જેમણે લોકસભાની એથિક્સ કમિટી પાસે મોકલ્યો હતો. સમિતિએ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો, જે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે.