છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનમાં સક્રિય ભારતવિરોધી આતંકવાદીઓનો સફાયો ચાલુ થયો છે. જે માટે ‘અજ્ઞાત હુમલાખોરો’ જવાબદાર હોવાનું કહેવાય છે. આવા જ અજ્ઞાત લોકોએ પાકિસ્તાનમાં વધુ એક આતંકવાદી ઠાર કર્યો છે. લશ્કર-એ-તૈયબાનો આતંકી અદનાન અહમદ ઉર્ફ હંજલા અદનાન 2016માં કાશ્મીરમાં CRPF પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. હવે તેનું કામ તમામ થઈ ગયું છે.
Lashkar-e-Toiba terrorist Adnan Ahmed alias Ghazi Adnan killed by unknown men in Karachi.
— Abhijit Majumder (@abhijitmajumder) December 6, 2023
He was behind the 2016 Pampore terrorist attack which killed CRPF and Kashmir police personnel.
Even Pakistan’s biggest industry, terrorism, is not safe now. pic.twitter.com/3sjswJPJCe
આ ઘટના પાકિસ્તાનના કરાંચીમાં બની. 2 અને 3 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન આતંકીને ઠાર મરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. અજ્ઞાત હુમલાખોરોએ અદનાનને તેના ઘરની બહાર જ માર્યો હતો. ગોળી વાગ્યા બાદ પાકિસ્તાની સેનાએ જ તેને કરાંચીની એક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, પણ વધુ દિવસો ન કાઢી શક્યો. 5 ડિસેમ્બરે તે મૃત્યુ પામ્યો.
લશ્કરનો કમાન્ડર, હાફિઝ સઈદનો સાથી, ભારતમાં કરાવ્યા હતા હુમલાઓ
આતંકી હંજલા લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો અને તેના ચીફ હાઝિફ સઈદનો નજીકનો માણસ હતો. ભારતમાં ભારતીય સેના પર હુમલાનું પ્લાનિંગ કરવું અને તે માટે તાલીમ આપીને સરહદપારથી આતંકવાદીઓ મોકલવા- આ બધી પ્રવૃત્તિઓમાં તે સામેલ રહેતો હતો. 2015માં ઉધમપુરમાં BSFના કાફલા પર થયેલ હુમલો અને 2016માં પંપોરમાં થયેલા હુમલામાં માસ્ટરમાઈન્ડ અદનાન જ હતો.
2015માં જમ્મુના ઉધમપુરમાં BSFના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો, જેમાં 2 જવાનો વીરગતિ પામ્યા હતા અને 13ને ઈજા પહોંચી હતી. મામલાની તપાસ NIAએ કરી તો તેમાં પાકિસ્તાની આતંકવાદીઓનાં નામ ખૂલ્યાં હતાં. 2015માં એજન્સીએ આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી.
2016માં કાશ્મીરના પંપોરમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ભારતીય સેનાના 8 જવાનો વીરગતિ પામ્યા હતા અને 22 જવાનોને ઈજા પહોંચી હતી. આ હુમલાનું પ્લાનિંગ પણ અદનાને જ કર્યું હતું. આ ઉપરાંત, શ્રીનગર અને પુલવામામાં થયેલા ફિદાયીન હુમલાઓ પણ તેણે જ કરાવ્યા હતા. તેને લશ્કરનો કમ્યુનિકેશન એક્સપર્ટ પણ કહેવાતો અને પાકિસ્તાનની સેના અને એજન્સી ISI સાથે પણ સંપર્કમાં રહેતો હતો. તે આતંકવાદીઓને ભારત વિરુદ્ધ ભડકાવીને સરહદપાર મોકલતો રહેતો હતો.
પાકિસ્તાનમાં શરણ લઈને બેઠેલા આતંકવાદી અદનાનની હત્યા કોઈ પ્રથમ ઘટના નથી અને તાજેતરના ભૂતકાળના ઘટનાક્રમો જોતાં અંતિમ પણ નહીં હોય. આ પહેલાં પણ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠાર મરાયા છે. જોકે, તે પાછળ જવાબદાર અજ્ઞાત હુમલાખોરો કોણ છે તેની જાણ ક્યારેય થઈ શકી નથી. છેલ્લા 1 વર્ષમાં ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે.