હિંદુ મંદિરોમાં મર્યાદા અને ગરિમા જળવાઈ રહે એ માટે રાજકોટના હિંદુ સંગઠને શહેરમાં 100થી વધુ મંદિરોમાં પોસ્ટર લગાવ્યા છે. જેમાં લખ્યું છે, કે ‘મંદિરની ગરિમા જળવાઇ રહે તે માટે ટૂંકા, ફાટેલા કપડાં પહેરી પ્રવેશ કરવો નહિ’. મંદિર બહાર લગાવવામાં આવેલા આ પોસ્ટરોના ફોટા સોશિયલ મીડિયા પર હાલ વાઈરલ થઈ રહ્યા છે.
અહેવાલો મુજબ રાજકોટના સનાતન ધર્મ રક્ષક સમિતિ નામના હિંદુ સંગઠન દ્વારા શહેરમાં 100થી વધુ મંદિરોમાં, મંદિર પરિસરની ગરિમા જળવાઈ એ માટે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સમિતિ દ્વારા લગાવેલા પોસ્ટરોમાં લખ્યું છે કે ‘મંદિર પરિસરની જગ્યામાં કોઈ પણ વ્યકિતએ ટૂંકા વસ્ત્રો જેવા કે કેપ્રિ, બરમુડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ વગેરે પહેરીને પ્રવેશ કરવો નહીં- સનાતન સ્વરાજ’. આ સાથે હિંદુ સંગઠન દ્વારા લોકોને મંદિર પરિસરની ગરિમા જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી.
ભારતીય સંસ્કૃતિમાં દેવ-સ્થાનોની મર્યાદા જાળવવીએ અનિવાર્ય છે. પવિત્ર મંદિરો સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી હોય છે. ત્યારે રાજકોટના હિંદુ મંદિરોમાં પોસ્ટર લાગ્યા પછી તે લોકચર્ચાનો વિષય બન્યા છે.
દ્વારકા અને ડાકોરમાં પણ ટૂંકા કપડાંને “NO ENTRY”
આ પહેલાં પણ વિવિધ મંદિરોમાં આ પ્રકારના નિર્ણયો લેવાઈ ચૂક્યા છે. ભૂતકાળમાં જગતમંદિર દ્વારકામાં પણ આજ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં મંદિર ટ્રસ્ટે નોટીસ મૂકી હતી કે કોઈપણ વ્યક્તિ ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકશે નહિ. મંદિર પરિસરમાં ‘NO ENTRY’ના બોર્ડ પણ લાગ્યા હતા. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર દ્વારકામાં મંદિરની ગરિમા જળવાઈ એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટનો નિર્ણય,મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ#dakortemple #gujarat #dakor #sandeshnews pic.twitter.com/TEXUI0RpAA
— Sandesh (@sandeshnews) July 15, 2023
આ ઉપરાંત પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેમાં ભક્તોને અપીલ કરવામાં આવી હતી કે ‘ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ-બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.’ મંદિરના ટ્રસ્ટે જણાવ્યું હતું, કે ઘણા સમયથી મંદિરમાં આ પ્રકારનો નિયમ લાગુ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી હતી, જેને લઈને ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દેશમાં પ્રસિદ્ધ મંદિરો-દેવસ્થાનોમાં દર્શન-પૂજા માટે ખાસ નિયમો હોય છે. જેમાં મંદિર પરિસરની મર્યાદા અને ગરિમા જળવાઈ રહે એ માટે પણ નિયમો છે. પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરતા લોકો ઘણીવાર ભારતીય સંસ્કૃતિના હાર્દ સમાન દેવ-સ્થાનોની મર્યાદા જાળવતા નથી. અમર્યાદિત કપડાં, વર્તનથી લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય છે. જેથી મંદિરમાં થતી અવ્યવસ્થાને રોકવા મંદિર ટ્રસ્ટો આ પ્રકારે નિર્ણય લેતા હોય છે.