Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતદ્વારકા બાદ હવે ડાકોરના રણછોડરાયજી મંદિરે પણ ડ્રેસકોડ લાગુ કરાયો: મંદિર ટ્રસ્ટની...

    દ્વારકા બાદ હવે ડાકોરના રણછોડરાયજી મંદિરે પણ ડ્રેસકોડ લાગુ કરાયો: મંદિર ટ્રસ્ટની અપીલ- ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ ન કરે શ્રદ્ધાળુઓ

    ઘણા સમયથી મંદિરે આ પ્રકારનો નિયમ લાગુ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી હતી, જેને લઈને ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. 

    - Advertisement -

    જગતમંદિર દ્વારકામાં ભગવાનના દર્શને આવતા ભક્તોને ગરિમા જળવાય તેવાં વસ્ત્રો પહેરીને આવવા માટે સૂચના અપાયા બાદ હવે ડાકોર મંદિરે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોને ટૂંકાં વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. 

    મંદિરમાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું કે, ‘ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ-બહેનોએ ટૂંકાં વસ્ત્રો હેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.’ રિપોર્ટ અનુસાર, ઘણા સમયથી મંદિરે આ પ્રકારનો નિયમ લાગુ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી હતી, જેને લઈને ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. 

    આ પહેલાં દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધીશના વિશ્વપ્રસિદ્ધ મંદિરે ભક્તોને ટૂંકાં વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. મંદિરની બહાર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લગાવવામાં આવેલ બેનરમાં જણાવવામાં આવ્યું હતું કે, મંદિરે પધારતા સર્વે વૈષ્ણવોએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પહેરવાં અથવા જગત મંદિરની ગરિમા જળવાઈ રહે તેવાં વસ્ત્રો પહેરીને જ મંદિર પરિસરમાં પ્રવેશ કરવો. આ સાથે પોસ્ટરમાં શોર્ટ્સ, હાફ પેન્ટ ન પહેરીને આવવા માટે પણ જણાવાયું હતું. 

    - Advertisement -

    દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટીએ આ નિર્ણયને લઈને મીડિયાને જણાવ્યું હતું કે, આ નિર્ણય મંદિરે આવનારા શ્રદ્ધાળુઓની ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે. લોકોનું કહેવું હતું કે આવાં કપડાં પહેરવાથી અન્ય ભક્તોને અસુવિધા થાય છે, જેના કારણે દેશનાં અનેક મંદિરોમાં ડ્રેસકોડ લાગુ કરવામાં આવી રહ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે દેશનાં અનેક મંદિરોમાં તાજેતરમાં આ પ્રકારના ડ્રેસ કોડ લાગુ કરવામાં આવી રહ્યા છે. આ પહેલાં તાજેતરમાં જ જમ્મુ અને જયપુરનાં બે મંદિરોમાં શ્રદ્ધાળુઓને આ પ્રકારની સૂચના આપવામાં આવી હતી. જમ્મુના મંદિરમાં ભક્તોને મંદિરમાં માથું ઢાંકીને આવવા માટે જણાવવામાં આવ્યું હતું તેમજ ટૂંકાં વસ્ત્રો ન પહેરીને આવવા માટે અપીલ કરવામાં આવી હતી. બીજી તરફ, રાજસ્થાનના જયપુરમાં આવેલા મહાદેવ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ માટે ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે તેઓ મંદિરમાં ફાટેલા જીન્સ, ફ્રૉકસ, નાઈટ સૂટ, મીની સ્કર્ટ વગેરે પહેરવાથી દૂર રહે. 

    ઉલ્લેખનીય છે કે મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને દરરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શને જતા હોય છે. ભગવાનના સ્થાનકે સ્થળની ગરિમા જળવાય તે માટે મંદિરો દ્વારા અવારનવાર આ પ્રકારની અપીલ કરવામાં આવતી રહે છે. જોકે બહુમતી લોકો તેનું પાલન કરે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં