શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવાર માટે મુશ્કેલીમાં વધારો, કોંગ્રેસ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધન (MVA)થી અલગ થવાનું વિચારી રહી હોવાના અહેવાલો ફરતા થયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ મહા વિકાસ આઘાડી ગઠબંધન (MVA)માંથી બહાર નીકળી શકે છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે આગામી થોડા દિવસોમાં આ ઘટનાક્રમ અપેક્ષિત છે. NCP અને શિવસેના સાથે કોંગ્રેસ પક્ષની નારાજગીનો સંકેત સોમવારે વિશ્વાસ મત દરમિયાન દેખાઈ આવ્યો હતો જ્યારે અશોક ચવ્હાણ, વિજય વડેટ્ટીવાર, જીશાન સિદ્દીકી અને ધીરજ દેશમુખ સહિત પક્ષના કેટલાય ધારાસભ્યો ગેરહાજર હતા.
પરિણામે, 288 સભ્યોના ગૃહમાં વિપક્ષને માત્ર 99 મત મળ્યા હતા જ્યારે શાસક ગઠબંધને 164 મતો સાથે આરામથી બહુમતી સાબિત કરી હતી. આ પહેલા મહારાષ્ટ્રમાં 30 જૂને MVA સરકાર પડી ભાંગી હતી.
કોંગ્રેસ ઘણા સમયથી હતી MVA ગઢબંધનથી નારાજ
છેલ્લા કેટલાક વર્ષોમાં, બહુવિધ કોંગ્રેસના નેતાઓએ ગઠબંધન સરકારમાં તેમની પાર્ટીની અવગણના કરવા પર તેમની ચિંતા વ્યક્ત કરી હતી. મે 2020 માં, રાહુલ ગાંધીએ જાહેરમાં કહ્યું કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં મુખ્ય નિર્ણય લેનાર નથી.
કોંગ્રેસની વધતી જતી અસ્વસ્થતાનો સંકેત આપતા, પાર્ટીના મહારાષ્ટ્ર એકમના વડા નાના પટોલેએ વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના દમ પર બહુમતી જીતશે. રાજ્યમાં કોંગ્રેસના “વધતા પ્રભાવ” થી ઘણા લોકો નારાજ છે તે વાત પર ભાર મૂકતા, તેમણે એવો પણ દાવો કર્યો કે તત્કાલીન સીએમ ઉદ્ધવ ઠાકરે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર તેમની ચાલ પર નજર રાખી રહ્યા છે.
આ સિવાય આજે સંખ્યાબંધ કોંગ્રેસી ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટમાં ગેરહાજર રહતા આ વાતને વધુ બળ મળ્યું છે કે હવે કોંગ્રેસને મહા વિકાસ અઘાડી સાથે પહેલા જેવો મનમેળ નથી રહ્યો.
મહારાષ્ટ્ર કોંગ્રેસ ઇનચાર્જે આ વાતને આપ્યો રદિયો
કોંગ્રેસનાં મહા વિકાસ અઘાડી ગઠબંધન (MVA)થી દૂર થવાની અટકળો પર પ્રેસ સાથે વાત કરતાં કોંગ્રેસનાં મહારાષ્ટ્રના ઇન્ચાર્જ એચકે પાટિલે આ વાતને રદિયો આપ્યો હતો.
I saw some reports stating Congress likely to pull out of the MVA alliance in Maharashtra. It is false. Congress has neither discussed this nor decided on anything. The rumours are far away from the truth. MVA alliance is stable: Maharashtra Congress-in-charge HK Patil pic.twitter.com/B99S8D937C
— ANI (@ANI) July 4, 2022
એચકે પાટિલે કહ્યું, “મેં કેટલાક અહેવાલો જોયા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં MVA ગઠબંધનમાંથી બહાર નીકળી શકે છે. તે મિથ્યા છે. કોંગ્રેસે આ અંગે ન તો કોઈ ચર્ચા કરી અને ન તો કોઈ નિર્ણય લીધો. અફવાઓ સત્યથી ઘણી દૂર છે. MVA જોડાણ સ્થિર અને સ્થાયી છે.”