ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લગભગ દોઢ મહિના ચાલેલા યુદ્ધ વચ્ચે 4 દિવસનો યુદ્ધવિરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ગાઝા પટ્ટીની મુલાકાતે પહોંચ્યા હતા. જેનાથી જાણી શકાય છે કે ગાઝા પટ્ટી હવે ઇઝરાયેલના નિયંત્રણમાં છે. પોતાની સેનાને મળીને PM નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું કે ભલે અત્યારે યુદ્ધવિરામ થઈ ગયો છે, પરંતુ આ યુદ્ધ આતંકના અંત સુધી ચાલુ રહેશે.
હમાસે રવિવારે (26 નવેમ્બર, 2023) એક નિવેદનમાં યુદ્ધવિરામને લંબાવવાની વિનંતી પણ કરી હતી. જોકે, ઇઝરાયેલે એવી શરત મૂકી હતી કે જો હમાસ દરરોજ 10 બંધકોને મુક્ત કરશે તો તેઓ આ માંગ સ્વીકારશે. આ દરમિયાન ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ બુલેટપ્રુફ જેકેટ પહેરીને આવા વાતાવરણમાં ગાઝા પટ્ટીની મુલાકાતે પહોંચ્યા હતા. પોતાના સૈનિકોને મળ્યા બાદ તેમણે સ્પષ્ટ કર્યું કે ગાઝા પટ્ટી હવે ઈઝરાયેલના નિયંત્રણમાં છે. સૈનિકોને પ્રોત્સાહિત કરતાં તેમણે ત્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય.
સૈનિકો વચ્ચે પહોંચીને તેમણે કહ્યું હતું કે, “અમે અમારા બંધકોને પાછા લાવવાના તમામ પ્રયાસો કરીશું અને આખરે અમે બધાને પાછા લાવીશું.” નેતન્યાહુએ કહ્યું કે, “આ યુદ્ધમાં અમારા ત્રણ ધ્યેયો છે.- તમામ બંધકોની વાપસી, હમાસનો ખાત્મો અને તે સુનિશ્ચિત કરવું કે ગાઝા ફરી ક્યારેય ઇઝરાયેલ માટે જોખમ ન બને.” તેમણે વધુમાં કહ્યું કે, “અમને કોઈ રોકી શકશે નહીં. અમારી પાસે તાકાત છે અને અમે અમારા ધ્યેયો હાંસલ કરીને રહીશું.”
હમાસથી મુક્ત થયેલા ઇઝરાયેલી નાગરિકોએ ખુશીની ઉજવણી કરી
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર શુક્રવાર (24 નવેમ્બર 2023)ના રોજ શરૂ થયો હતો. હમાસ દ્વારા પહેલા દિવસે 24 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં 13 ઇઝરાયેલના, 10 થાઈલેન્ડના અને એક ફિલિપાઈન્સના નાગરિકનો સમાવેશ થાય છે. ત્યારબાદ ત્રીજા દિવસે 17 લોકો હમાસ આતંકીઓની ચુંગાલમાંથી મુક્ત થયા હતા. જેમાં 14 ઇઝરાયેલી અને 3 થાઈલેન્ડના નાગરિકો હતા. હમાસે ગાઝાની એક હોસ્પિટલમાં આ બંધકોને રેડક્રોસ ઈન્ટરનેશનલ સોસાયટીના વોલન્ટિયર્સને સોંપ્યા હતા, જેમણે બાદમાં તમામ બંધકોને ઇઝરાયેલી સુરક્ષા દળોને સોંપ્યા હતા.
כעת בקיבוץ שפיים – חברי כפר עזה מזהים את נשות וילדי משפחת ברודץ׳ וגולדשטיין יוצאים מעזה. פשוט מדהים, איזה אושר pic.twitter.com/Q8vHcm3lJA
— רן שמעוני Ran Shimoni (@ran_shimoni) November 26, 2023
હમાસથી બચાવાયેલા સેંકડો લોકો તેમની મુક્તિની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તેમણે એક હોલમાં તેમની રિલીઝના સમાચારની ઉજવણી કરી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
183 ઇઝરાયેલીઓ હજુ પણ કેદમાં
નોંધનીય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામમાં કતરે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. કરારમાં નિર્ણય લેવાયો હતો કે હમાસ 50 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે જ્યારે ઇઝરાયેલ પેલેસ્ટાઈનના 150 કેદીઓને મુક્ત કરશે. આ ડીલ બાદ કેટલાક લોકો ઘરે પરત ફર્યા હોવા છતાં હજુ પણ 183 લોકો હમાસ દ્વારા બંધક હોવાના સમાચાર છે. જેમાં 18 બાળકો અને 43 મહિલાઓ છે.
ઉલ્લેખનીય છે કે ચાર દિવસના યુદ્ધવિરામ બાદ અને બેન્જામિન નેતન્યાહુની વાત સાંભળીને એવું લાગી રહ્યું છે કે બંધકની અદલાબદલી પૂર્ણ થયા બાદ પણ ઇઝરાયેલ હમાસના આતંકવાદીઓ સામેની લડાઈ ચાલુ રાખશે. તેમણે પહેલાં પણ કહ્યું હતું અને હમણાં પણ સંકેત આપ્યો છે કે જ્યાં સુધી હમાસ છે ત્યાં સુધી તે પોતાનું યુદ્ધ બંધ કરશે નહીં.