મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે (25 નવેમ્બર) અયોધ્યાની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે રામલલ્લાના દર્શન કર્યા તેમજ રામજન્મભૂમિ પર નિર્માણ પામી રહેલા ભવ્ય મંદિરના બાંધકામકાર્યનું પણ નિરીક્ષણ કર્યું. અહીંથી તેમણે અયોધ્યામાં ભવ્ય યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
મુખ્યમંત્રીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘અયોધ્યાજી ખાતે પ્રભુ શ્રી રામજીના ભવ્ય મંદિરના દર્શને આવવાની સહજ ભાવના કોટિ કોટિ ભાવિકોના હૃદયમાં છે. ભક્તોની આ લાગણીને ધ્યાને રાખીને ગુજરાતના નાગરિકોને અયોધ્યાજીની પાવન ભૂમિ પર મંદિરની નજીક આવાસ-નિવાસ સુવિધા મળી રહે તે માટે એક ખાસ યાત્રી ભવનનું ગુજરાત સરકાર દ્વારા નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. ‘
અયોધ્યાજી ખાતે પ્રભુ શ્રી રામજીના ભવ્ય મંદિરના દર્શને આવવાની સહજ ભાવના કોટિ કોટિ ભાવિકોના હૃદયમાં છે. ભક્તોની આ લાગણીને ધ્યાને રાખીને ગુજરાતના નાગરિકોને અયોધ્યાજીની પાવન ભૂમિ પર મંદિરની નજીક આવાસ-નિવાસ સુવિધા મળી રહે તે માટે એક ખાસ યાત્રી ભવનનું ગુજરાત સરકાર દ્વારા નિર્માણ કરવાનો… pic.twitter.com/3f0qzznJw4
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 25, 2023
CMએ આગળ કહ્યું, ‘રામજીના દર્શને આવનાર શ્રદ્ધાળુઓ માટે આ ભવન આધ્યાત્મ અને પ્રવાસનના સંગમ સમું બની રહેશે. પીએમ મોદીએ વિરાસતના ગૌરવ સાથે વિકાસ સાધવાનું કાર્યસૂત્ર આપ્યું છે તેને આ ભવન સાકાર કરશે.’
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં યાત્રી ભવનનું નિર્માણ કરવા માટે સરકારને 6 હજાર સ્ક્વેર મીટરની જમીન ફાળવી આપી છે. આ જમીન પર જ ગુજરાત સરકાર નવું ભવન બનાવશે. મુખ્યમંત્રીએ આજે અધિકારિક જાહેરાત કરી છે. જોકે, નિર્માણકાર્ય ક્યારથી શરૂ થશે તે હજુ જાણી શકાયું નથી.
મુખ્યમંત્રી 27 નવેમ્બરથી જાપાન અને સિંગાપોરના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. તે પહેલાં આજે સવારે તેઓ અયોધ્યા પહોંચ્યા હતા. અહીં સૌ પ્રથમ હનુમાનગઢી મંદિર અને ત્યારબાદ પ્રભુ રામલલ્લાના દર્શન કર્યા હતા તેમજ પૂજા પણ કરી હતી. ત્યારબાદ તેઓ રામમંદિર સંકુલ પહોંચ્યા અને ભવ્ય મંદિરના નિર્માણકાર્યનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. મંદિરમાં તેમને ટ્રસ્ટ દ્વારા રામમંદિરની પ્રતિકૃતિ સ્મૃતિભેટ તરીકે આપવામાં આવી હતી.
કરોડો ભક્તોના આસ્થાકેન્દ્ર વિશ્વપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર અયોધ્યાજી ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નિર્માણ પામી રહેલ ભગવાન શ્રી રામ મંદિર સ્થાનક ખાતે દર્શન કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થયો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 25, 2023
રામજી સમક્ષ ગુજરાત અને ભારતના વિશ્વસ્તરીય યશસ્વી વિકાસ… pic.twitter.com/LhIoMVOySX
અયોધ્યામાં રામમંદિર નિર્માણનો પ્રથમ તબક્કો હવે પૂર્ણતાને આરે છે. ડિસેમ્બર અંત સુધીમાં ગર્ભગૃહ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અને વૈદિક વિધિ અનુસાર પ્રાણપ્રતિષ્ઠા થશે. આ માટે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ કરવાનું સરકારોનું આયોજન છે. જે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, મંદિરનું નિર્માણકાર્ય ત્યારબાદ પણ ચાલતું જ રહેશે અને સંપૂર્ણ પરિસર તૈયાર થવામાં હજુ 2-3 વર્ષ લાગશે તેવું અનુમાન છે. પણ મંદિર દર્શન માટે 22 જાન્યુઆરીથી ખોલી દેવામાં આવશે.