મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે શિક્ષિકાની છેડતી મામલે પ્રિન્સિપાલ અબુબકર શેખ વિરુદ્ધ ફરિયાદ બાદ હવે એક નવી કાર્યવાહીનો દોર શરૂ થઇ ગયો છે. શિક્ષિકાએ નોંધાવેલી ફરિયાદ બાદ ધરપકડ બાદ જામીન પર છૂટેલા અબુબકર શેખને હવે શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ પહેલાં શેખ પર શાળાની એક શિક્ષિકાએ આરોપ લગાવ્યો હતો કે તેણે તેમનો હાથ પકડીને શારીરિક છેડછાડ કરી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધાયા બાદ શેખની ધરપકડ કરવામાં આવી હતી.
થોડા દિવસો અગાઉ બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી કે 28 ઓક્ટોબરના રોજ તેઓ એક વર્ગખંડમાં પરીક્ષા લઇ રહ્યાં હતાં ત્યારે મુખ્ય શિક્ષક અબુબકર ત્યાં આવી ચઢ્યો હતો. ત્યાં આવીને શેખે શિક્ષિકાની બાજીમાં બેસી તેમનો હાથ પકડી લીધો હતો. શિક્ષિકાએ તેવો પણ આરોપ લગાવ્યો હતો કે પ્રિન્સિપાલ અબુબકર શેખ આટલેથી ન અટકતા તેમની શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો.
આ મામલે શિક્ષિકાએ વિરોધ કરતા અબુબકર શેખે કહ્યું હતું કે, “હું સ્કૂલનો આચાર્ય છું. હું કંઈ પણ કરું તારે શું? મને તારામાં કોઈ રસ નથી. તારા જેવી તો મારી ઉપર દસ કૂદે. તું તો રિટાયર્ડ થઈ ગયેલી છે.” ડઘાઈ ગયેલી શિક્ષિકાએ ઘરે જઈને પરિવારને આચાર્ય અબુબકરની કરતૂતો વિશે જાણ કરી હતી. જે બાદ પરિવારજનોએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશને પહોંચી આરોપી પ્રિન્સિપાલ અબુબકર સિદ્દિકી ઉસ્માનગની શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે ત્યાર બાદ તે કોર્ટમાંથી જામીન મેળવીને છૂટી ગયો હતો.
ચાલુ નોકરીએ ગેરહાજર રહેતા સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે જામીનપર છૂટ્યા બાદ પ્રિન્સિપાલ અબુબકર શેખ દ્વારા રજાની અરજી મૂકવામાં આવી હતી, જોકે તાલુકા શિક્ષણ અધિકારીએ રજાની અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ રજાની અરજી ફગાવી દેવામાં આવી હોવા છતાં આચાર્ય ફરજ પર હાજર નહોતો રહ્યો. જે બાદ TPEOએ આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને રિપોર્ટ મોકલ્યો હતો. જેના આધારે DPEOએ શેખને ફરજમોકૂફ કરી તેની તાત્કાલિક બદલીના આદેશ આપ્યા હતા.
અગાઉ પણ અનેક કાંડ બહાર આવ્યાં હતાં
શિક્ષિકાની છેડતી કરનાર બાલાસિનોરની સરકારી શાળાનો પ્રિન્સિપાલ અબુબકર શેખ સસ્પેન્ડ તો થયો, પણ આ પહેલાં પણ આ પ્રિન્સિપાલના અનેક કારસ્તાનો સામે આવી ચૂક્યાં છે. થોડા સમય પહેલાં તેણે શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકને ચાલુ પ્રાર્થનાએ સાવરણીથી માર મારતાં મોટો વિવાદ સર્જાયો હતો અને આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે જિલ્લા કક્ષાએથી ગાંધીનગર નિયામક કચેરીમાં તપાસ રિપોર્ટ મોકલવામાં આવ્યો હોવાનું પણ રિપોર્ટમાં જણાવવમાં આવ્યું છે.
આ ઉપરાંત, અન્ય એક કિસ્સાનો ઉલ્લેખ પણ છે જે અનુસાર તેણે સ્કૂલના નવા બાથરૂમને તાળાં મારી દીધાં હતાં અને વિદ્યાર્થીનીઓને બહાર શૌચક્રિયા કરવા જવા માટે કહેતો હતો. જેને લઈને પણ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.