છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરો પાસેથી ₹508 કરોડ લીધા હોવાનો દાવો EDએ કર્યો છે. જે બાદથી છત્તીસગઢ CM ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે આ વિષયમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ બઘેલ પર નિશાન સાધ્યું છે. તેમણે કોંગ્રેસ નેતા પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે ‘સત્તામાં રહીને સટ્ટાનો ખેલ છત્તીસગઢ કોંગ્રેસ નેતૃત્વનો બહુ મોટો ચહેરો બની ગયો છે.’ આ સિવાય તેમણે ભૂપેશ બઘેલ અને કોંગ્રેસ પાર્ટીને ઘણા સવાલો પણ કર્યા છે.
મહાદેવ બેટિંગ એપના કૌભાંડને લઈને ED ઘણા સમયથી તપાસ કરી છે, જેમાં હવે છત્તીસગઢના કોંગ્રેસી CM ભૂપેશ બધેલનું નામ પણ ખૂલ્યું છે. EDએ એવો દાવો કર્યો છે કે ભૂપેશ બઘેલે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરો પાસેથી ₹508 કરોડ લીધા છે. જે બાદ હવે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ છત્તીસગઢ કોંગ્રેસને પ્રશ્નો પૂછ્યા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા અને છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ પર આકરા પ્રહારો કર્યા.
‘સત્તામાં રહીને સટ્ટાનો ખેલ’: સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, “સત્તામાં રહીને સટ્ટાનો ખેલ, છત્તીસગઢ કોંગ્રેસ નેતૃત્વનો બહુ મોટો ચહેરો બની ગયો છે. કાલે ભૂપેશ બઘેલ વિરુદ્ધ કેટલાક ચોંકવાનારા તથ્યો દેશની સામે પ્રસ્તુત થયાં છે. અસીમ દાસ નામક એક વ્યક્તિ પાસેથી 5 કરોડ 30 લાખથી વધુની રકમ મળી આવી છે.” સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે, “હું આજે તમારા માધ્યમથી કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું, શું એ સત્ય છે કે કોંગ્રેસના નેતાઓને છત્તીસગઢમાં શુભમ સોનીના માધ્યમથી અસીમ દાસ રકમ પહોંચાડતા હતા?” તેમણે અન્ય સવાલ પૂછતાં કહ્યું કે, “શું એ સત્ય છે શુભમ સોનીના માધ્યમથી એક વોઈસ મેસેજ દ્વારા અસીમ દાસને એ આદેશ આપવામાં આવ્યો કે તે રાયપુર જાય અને બઘેલને ચૂંટણી ખર્ચ માટે રૂપિયા આપે?”
#WATCH | Union Minister Smriti Irani says, "The game of betting while being in power has become the face of Chhattisgarh Congress leadership. Yesterday, shocking facts regarding Bhupesh Baghel emerged before the country. More than Rs 5.30 Crores was seized from a man called Asim… pic.twitter.com/iFwTEdca21
— ANI (@ANI) November 4, 2023
તેમણે વધુમાં પ્રશ્નો પૂછ્યા હતા કે, “શું એ સત્ય છે કે 2 નવેમ્બર હોટલ ટ્રાઈટનમાં સર્ચમાં અસીમ દાસ પાસેથી રકમ મળી આવી? શું એ સત્ય છે કે અલગ-અલગ બેન્ક એકાઉન્ટથી 15 કરોડ 50 લાખ રૂપિયા પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફ્રીઝ કરવામાં આવ્યા. આ તમામ પ્રશ્ન આજ હું ભૂપેશ બઘેલને અને કોંગ્રેસના નેતૃત્વને કરી રહી છું.”
શું હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં EDએ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરો પાસેથી 508 કરોડ લીધા હોવાનો દાવો કર્યો હતો. આ દાવાથી મોટી રાજકીય ઉથલપાથલ થઇ રહી છે. EDએ જણાવ્યું હતું કે તેમણે તાજેતરમાં જ 5 કરોડ 39 લાખ રૂપિયા સાથે ઝડપાયેલા વ્યક્તિ અસીમ દાસની પૂછપરછ કરી હતી. ED અનુસાર આ પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો છે કે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરોએ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને અત્યાર સુધી 508 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ મામલે એજન્સીએ કહ્યું છે કે 5 કરોડથી વધુની રકમ સાથે ઝડપાયેલા આરોપી અસીમ દાસે જણાવેલી બાબત તપાસનો વિષય છે.