જમ્મુ-કાશ્મીરમાં ફરી ઇસ્લામી આતંકવાદીઓએ હિંદુ શ્રમિકોને નિશાન બનાવવાનું ચાલુ કર્યું છે. તાજા કિસ્સામાં પુલવામામાં એક શ્રમિકની હત્યા કરી નાખવામાં આવી. તેની ઓળખ મુકેશ તરીકે થઈ છે.
કાશ્મીર ઝોન પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ ઘટના પુલવામાના નૌપોરા વિસ્તારમાં બની. પોલીસે જણાવ્યું કે, શ્રમિક, જેની ઓળખ મુકેશ તરીકે થઈ છે, પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેને લઈને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને પછીથી મૃત્યુ પામ્યો. હાલ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
#Terrorists fired upon one labourer identified as Mukesh of U.P in Tumchi Nowpora area of #Pulwama, who later on succumbed to his injuries. Area #cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) October 30, 2023
24 કલાકમાં આ પ્રકારની બીજી ઘટના છે. રવિવારે (29 ઓક્ટોબર) શ્રીનગરના ઈદગાહ નજીક મેદાનમાં ક્રિકેટ રમતા એક પોલીસ અધિકારીને આતંકવાદીએ ગોળી મારી હતી, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થઈ ગયા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ અધિકારીની ઓળખ મસરૂર અહમદ વાની તરીકે થઈ છે. તેઓ જમ્મુ-કાશ્મીર પોલીસમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જોકે, હાલ તેઓ ડ્યુટી પર ન હતા. તેઓ ક્રિકેટ રમતા હતા ત્યારે એક આતંકવાદીએ આવીને તેમની ઉપર નજીકથી ગોળીબાર કર્યો હતો. જેમાંથી ત્રણ ગોળીઓ પોલીસ અધિકારીના પેટ, ગળા અને આંખના ભાગે વાગી ગઈ.
ઈજા પામ્યા બાદ તેમણે શેર-એ-કાશ્મીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, પોલીસે હુમલો કરનાર આતંકવાદીની ઓળખ પણ કરી લીધી છે. DGP વિજય કુમારે જણાવ્યું કે, આતંકીનું નામ બસિત ડાર છે અને તે દક્ષિણ કાશ્મીરના કુલગામનો રહેવાસી છે. તે છેલ્લા થોડા સમયથી કાશ્મીરમાં સક્રિય છે અને સરહદપાર બેઠેલા હેન્ડલરોના આદેશ પર કામ કરે છે. તે અગાઉ પણ કેટલીક આતંકવાદી ઘટનાઓમાં સામેલ થઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે તેને જલ્દીથી જ પકડી લઈશું.
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે, જેમાં બીજાં રાજ્યોમાંથી આવીને કામ કરતા હિંદુ શ્રમિકોને નિશાન બનાવવામાં આવ્યા હોય. આ વર્ષે જુલાઇ મહિનામાં પણ આવી ઘટના બની હતી, જ્યાં અનંતનાગમાં આતંકવાદીઓ શ્રમિકો પર હુમલો કર્યો હતો. જેમાં 2 હિંદુ શ્રમિકો ઈજા પામ્યા હતા.
તે પહેલાં ગત વર્ષે પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. ઓક્ટોબર, 2022માં શોપિયાંમાં એક ગ્રેનેડ એટેકમાં 2 શ્રમિકો મૃત્યુ પામ્યા હતા. હવે ફરી આ પ્રકારની ઘટના બની છે.