Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ'2024માં મોદી ફરી બનશે PM': સ્વામી રામભદ્રાચાર્યે આપ્યા આશીર્વાદ, એ કિસ્સો પણ...

    ‘2024માં મોદી ફરી બનશે PM’: સ્વામી રામભદ્રાચાર્યે આપ્યા આશીર્વાદ, એ કિસ્સો પણ કહ્યો જેને લઈને મુસ્લિમ જજ બોલી ઉઠ્યા હતા- યુ આર અ ડિવાઇન પાવર

    નરેન્દ્ર મોદી વિશે જગદગુરુ રામભદ્રાચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન બન્યા હોવા છતાં તેમની મિત્રતામાં કોઇ ફરક પડ્યો નથી. ઉપરથી કહ્યું કે પીએમ મોદી પહેલાં કરતાં વધારે વિનમ્ર થઇ ગયા છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (27 ઓક્ટોબર 2023) ચિત્રકૂટના પ્રવાસે હતા. આ દરમિયાન તુલસી પીઠ પર જઈને તેમણે જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીની મુલાકાત બાદ સ્વામી રામભદ્રાચાર્યએ પત્રકાર રૂબિકા લિયાકત સાથે વાતચીત કરી હતી. વાતચીતમાં તેમણે પોતાને પીએમ મોદીના મિત્ર ગણાવતાં કહ્યું કે, આ મિત્રતા રામજન્મભૂમિ આંદોલનના સમયથી જ ચાલુ છે. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તેઓ ફરી 2024માં દેશના વડાપ્રધાન બનશે.

    સ્વામી રામભદ્રાચાર્યએ ભારત24 ન્યૂઝ ચેનલનાં પત્રકાર રૂબિકા લિયાકત સાથે વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરી હતી. તેમણે કહ્યું કે, 1990માં જ્યારે લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં રામજન્મભૂમિ આંદોલન શરૂ થયું ત્યારે નરેન્દ્ર મોદીની સાથે તેમની મિત્રતા થઇ ગઇ હતી, કારણ કે તેઓ પણ આ આંદોલન સાથે જોડાયેલા હતા. સાથે ઉમેર્યું કે ત્યારે લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાનું સંચાલન નરેન્દ્ર મોદી જ કરી રહ્યા હતા. રામભદ્રચાર્યજીએ કહ્યું કે ત્યારથી તેમને એવી લાગણી હતી કે નરેન્દ્ર મોદી ભવિષ્યમાં ઊંચાં કામો કરશે. એમ પણ ઉમેર્યું કે તેમણે ઘણા પ્રસંગોએ પીએમ મોદીને આ વાત કહી હતી.

    નરેન્દ્ર મોદી વિશે જગદગુરુ રામભદ્રાચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન બન્યા હોવા છતાં તેમની મિત્રતામાં કોઇ ફરક પડ્યો નથી. ઉપરથી કહ્યું કે પીએમ મોદી પહેલાં કરતાં વધારે વિનમ્ર થઇ ગયા છે. જ્યારે રૂબિકા લિયાકતે તેમને પૂછયું કે પીએમ મોદી સાથે તેમની શું વાત થઈ તો તેમણે કહ્યું કે તેમણે મોદીને 2024માં ફરી એક વખત વડાપ્રધાન બનવા માટે ‘વિજયી ભવઃ’ના આશીર્વાદ આપ્યા છે.

    - Advertisement -

    અ દરમિયાન સ્વામી રામભદ્રાચાર્યએ રામજન્મભૂમિ-બાબરી વિવાદ પર પણ વાત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણીની વાત કરતાં તેમણે 7 દિવસ સુધી ચાલેલી પોતાની 100 પાનાંની જુબાનીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કિસ્સો કહેતાં કહ્યું કે, જ્યારે તેઓ જુબાની આપવા પહોંચ્યા ત્યારે ન્યાયાધીશોએ પૂછ્યું હતું કે તેઓ જોઈ શકતા નથી તો જુબાની કઈ રીતે આપશે? પરંતુ સ્વામીજીએ જવાબ આપ્યો હતો કે, શાસ્ત્રોની જુબાની આપવા માટે આંખોની જરૂર નથી હોતી.

    તેમણે કહ્યું કે અથર્વવેદના દસમા કાંડમાં 31મા અનુવાક્યના દ્વિતીય ખંડમાં અયોધ્યા સાથે જોડાયેલા પ્રશ્નોના સ્પષ્ટ જવાબ લખાયેલો છે. જેમાં 8 ચક્ર અને 9 દેવી દેવતાઓના અયોધ્યા વચ્ચે મંડપ આકારના સોનાના મંદિરનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ભગવાન રામના પ્રગટ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વામી રામભદ્રાચાર્યે કહ્યું કે, તેમની આ જુબાની બાદ એક ન્યાયાધીશે તેમને ‘ડિવાઈન પાવર’ (દૈવીય શક્તિ)થી સંપન્ન હોવાના કહ્યા હતા. તેમના શબ્દો હતા- યુ આર અ ડિવાઇન પાવર. તેમણે ઉમેર્યું કે, તે ન્યાયાધીશ મુસ્લિમ હતા.

    રામમંદિર નિર્માણ દરમિયાન માત્ર વડાપ્રધાનને જ આમંત્રણ આપવાના સવાલ પર જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે તેઓ હાલ ભારતના વડાપ્રધાન છે, તેથી જ તેમને બોલાવવામાં આવ્યા છે. જો કે, તેમણે વિરોધ કરી રહેલા લોકોને સ્વેચ્છાએ આવવા આમંત્રણ પણ આપ્યું હતું. આ સાથે તેમણે અયોધ્યા ઉપરાંત કાશી અને મથુરાને પણ કોર્ટ દ્વારા હિંદુઓને પરત કરવાની માંગ કરી હતી. પરસ્પર વાતચીત દ્વારા મથુરા-કાશીને પરત લેવાના સવાલ પર તેમણે કહ્યું, “તેઓ (મુસ્લિમ પક્ષો) નહીં માને.”

    વિપક્ષના સનાતન વિરોધી નિવેદનો પર પ્રતિક્રિયા આપતા સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું, “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ઈતિહાસ સાક્ષી છે કે સનાતન ધર્મને ખતમ કરવા આવેલા લોકો પોતાની મેળે જ ભૂંસાઈ ગયા છે. આ દરમિયાન તેમણે મોહમ્મદ ઘોરી, મહમૂદ ગઝનવી, ચંગેઝ ખાન, શેર શાહ સુરી, બાબર, ઔરંગઝેબ અને અંગ્રેજોના ઉદાહરણ આપ્યાં. તેમણે રામચરિતમાનસને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવાની માંગ પણ કરીને રાષ્ટ્રને રામમય બનાવવાની અપીલ પણ કરી હતી.

    રામભદ્રાચાર્યએ દેશવાસીઓને આપેલા સંદેશમાં રાષ્ટ્રને દેવતા માનવાની અપીલ કરી હતી. ભગવાન રામ પણ ભારત માતાના ખોળામાં રમ્યા હોવાની વાત કરીને તેમણે કહ્યું હતું કે, પ્રથમ પ્રણામ ભારત માતાને કરવાં જોઈએ. જગદગુરુએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવવામાં સંકોચ કરનારાઓને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા. મુસ્લિમોને ડરાવવાના આરોપોને ખોટા કહેતા સ્વામીએ કહ્યું હતું કે સનાતન ડરાવતો નથી પરંતુ સુરક્ષાનો ભાવ આપે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં