ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવાના આરોપોનો સામનો કરતાં TMCનાં મહિલા સાંસદ મહુઆ મોઈત્રા સામે એક પોલીસ ફરિયાદ થઈ છે. સાંસદના પૂર્વ મિત્ર વકીલ જય અનંત દેહદ્રાઈએ ફરિયાદ કરી છે મહુઆ મોઈત્રાએ તેમનો શ્વાન ચોરી લીધો છે. તેમણે દિલ્હી પોલીસ કમિશનરને આ મામલે ફરિયાદ કરી છે.
જય અનંત દેહદ્રાઈ એ જ વકીલ છે જેમણે TMC સાંસદ મહુઆ મોઈત્રા વિશે વિસ્ફોટક ખુલાસા કર્યા હતા. જેમાં આરોપ લગાવ્યો હતો કે મોઈત્રાએ કારોબારી દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને મોંઘી ભેટો લઈને તેમનાં વ્યાપારિક હિતો સાધતા પ્રશ્નો સંસદમાં કર્યા હતા અને અગત્યની માહિતી પાસ કરી હતી. જેના આધારે પછીથી ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભા સ્પીકરને પત્ર લખીને આ મામલે મહુઆ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
Heartless | TMC MP in Row
— Rohan Dua (@rohanduaT02) October 19, 2023
An emotional dog parent Jai Dehadrai tells Delhi Police: My bond with my dog Henry is of parent – child. I have looked after him since he was 40 days. Ms Mahua Moitra deliberately kidnapped & hid Henry since Oct 10 with intent to blackmail after CBI… pic.twitter.com/jwCd82bhOL
તાજા કિસ્સામાં જય અનંતે કમિશ્નરને પત્ર લખીને કહ્યું કે મહુઆ મોઈત્રાએ તેમનો રોટવિલર ડૉગ ‘હેનરી’ ચોરી લીધો છે. તેમણે પોલીસને આજીજી કરી છે કે તેઓ તેમને પોતાનો પ્રિય શ્વાન પરત મેળવવામાં મદદ કરે અને તેઓ જ તેના સાચા વાલી છે.
વકીલે પત્રમાં કહ્યું કે, તેમણે જાન્યુઆરી, 2021માં એક પેટ શૉપમાંથી શ્વાન ખરીદ્યો હતો અને જેના તેમણે ₹75,000 (બે તબક્કામાં) ચૂકવ્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ, 2021માં તેમને કેનલ ક્લબ ઑફ ઇન્ડિયામાંથી તેનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આ ચૂકવણી, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને અન્ય તમામ વિગતો તેમણે પોલીસને લખેલા પત્રમાં જોડી છે.
“અમારો સંબંધ પિતા-સંતાન જેવો છે, મને હેનરી પરત મેળવી આપો”
તેમણે આગળ લખ્યું કે, “મારો હેનરી (શ્વાન) સાથેનો સંબંધ પિતા અને સંતાન જેવો છે. તે જ્યારે 40 દિવસનો હતો ત્યારથી હું તેની સંભાળ રાખું છું અને તેની દરેક બાબતની કાળજી લઉં છું. મોઈત્રાએ જાણીજોઈને હેનરીને કિડનેપ કરી લીધો છે અને 10 ઓક્ટોબર, 2023થી મારાથી દૂર કરી દીધો છે. તેમણે કહ્યું કે, 14 ઑક્ટોબરના રોજ તેમણે દાખલ કરેલી એક ફરિયાદ બાદ તેમને હેરાન કરવા અને બ્લેકમેલ કરવા માટે આમ કરવામાં આવી રહ્યું છે.
પોતાનો શ્વાન પરત મેળવવા માટે મદદ કરવાની અપીલ સાથે તેમણે લખ્યું કે, “હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે હેનરી તેના સાચા વાલીને મળવો જોઈએ. હું વિનંતી કરીશ કે કૃપા કરીને મને વહેલામાં વહેલી તકે મને હેનરી પરત અપાવો. આ પરિસ્થિતિમાં મને મારા જીવન પર પણ જોખમ જણાઈ રહ્યું છે. મારી સુરક્ષા કરીને મારો શ્વાન હેનરી પરત મેળવવામાં મદદ કરશો.”
TMC સાંસદ પર શું છે આરોપ?
ઉલ્લેખનીય છે કે TMC સાંસદ મહુઆ મોઈત્રા સામે સંસદમાં અમુક ચોક્કસ પ્રશ્નો પૂછવા બદલ પૈસા અને મોંઘી ભેટો મેળવવાનો આરોપ લાગ્યો છે. ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ સ્પીકરને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે, ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા અને જાણીતા ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની વચ્ચે રોકડા રૂપિયા અને ભેટોનું આદાનપ્રદાન થયું હતું. આ પૈસા અને ગિફ્ટ મહુઆ મોઈત્રાને સંસદમાં અમુક પ્રકારના સવાલો પૂછવા અને તેની માહિતી ઉદ્યોગપતિ સુધી પહોંચાડવા માટે આપવામાં આવ્યાં હોવાનો આરોપ લાગ્યો છે. આ તમામ ઘટસ્ફોટ વકીલ જય અનંતે કર્યા હતા. જેના આધારે ભાજપ સાંસદે પત્ર લખ્યો હતો.