વર્ષ 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં પકડાયેલા આતંકવાદી આરિઝ ખાનને મળેલી ફાંસીની સજાને દિલ્હી હાઈકોર્ટે આજીવન કેદમાં તબદીલ કરી દીધી છે. નીચલી કોર્ટે ફાંસીની સજા આપ્યા બાદ આતંકવાદી દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની ઉપર કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
આતંકવાદી આરિઝ ખાન પર દિલ્હી પોલીસના ઈન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યાનો ગુનો છે. જે મામલે ટ્રાયલ કોર્ટે તેને સજા સંભળાવી હતી. ત્યારબાદ તે દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો હતો અને સજા વિરુદ્ધ અપીલ કરી હતી. આખરે કોર્ટે આ મામલે ગુરૂવારે (12 ઓક્ટોબર) ચુકાદો સંભળાવ્યો અને સજા ઘટાડી દીધી હતી.
BREAKING: [2008 Batla House Encounter] Delhi High Court Refuses To Confirm Death Penalty To Ariz Khan@SukritiMishra12 reports#DelhiHighCourt #BatlaHouseEncounterhttps://t.co/vFNgJLEDRF
— LawBeat (@LawBeatInd) October 12, 2023
હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો એ આદેશ બરકરાર રાખ્યો હતો જેમાં આરિઝને ઇન્સ્પેક્ટરની હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ સજામાં ઘટાડો કરી દીધો હતો અને મૃત્યુદંડની જગ્યાએ આજીવન કેદની સજા સંભળાવી હતી. આ મામલે ઘણા સમયથી સુનાવણી ચાલી રહી હતી, આખરે ઓગસ્ટ મહિનામાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ જતાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
બાટલા હાઉસ એનકાઉન્ટર
19 સપ્ટેમ્બર, 2008ના રોજ દિલ્હીના દાલમિયા નગરમાં આવેલ બાટલા હાઉસ ખાતે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમી બાદ દિલ્હી પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. અહીં આતંકીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ અને જેમાં આતિફ અમીન અને મોહમ્મદ સાજિદ નામના બે આતંકીઓ માર્યા ગયા જ્યારે આરિઝ અને અન્ય બે ભાગી છૂટ્યા હતા.
આ એનકાઉન્ટરમાં ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માને ગોળી વાગી ગઈ અને ટૂંકી સારવાર બાદ તેઓ વીરગતિ પામ્યા હતા. વર્ષ 2018માં આરિઝને નેપાળ સરહદેથી પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક આતંકવાદી શેહઝાદ હાલ આજીવન કેદની સજા કાપી રહ્યો છે. જ્યારે બાકીનો એક આતંકી જુનૈદ હજુ પણ ફરાર છે.
કેસની ટ્રાયલ દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા અને તેમની ટીમ આરોપીઓની ધરપકડ કરવા ગઈ હતી અને કોઈને પણ મારવાનો ઈરાદો ન હતો. પોલીસની ટીમમાંથી ઘણા પાસે હથિયારો પણ ન હતાં કે તેમણે કોઈની ઉપર ગોળીબાર પણ કર્યો ન હતો. પરંતુ આરિઝ અને તેના સાથીઓએ કોઈ પણ કારણ વગર પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં એક અધિકારીનો જીવ ગયો હતો. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આતંકીઓના ફ્લેટમાંથી AK47 અને પિસ્તોલ મળી આવ્યાં હતાં.
સેશન્સ કોર્ટે આરિઝને પોલીસ અધિકારી મોહનચંદ શર્માની હત્યા માટે દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરિઝને IPCની કલમ 186, 353, 333, 307, 302, 34 અને 174 હેઠળ દોષી ઠેરવીને સજા સંભળાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, જે રીતે ગુનો આચરવામાં આવ્યો છે તેને જોતાં મૃત્યુદંડ સિવાયની કોઈ સજા આપી શકાય નહીં. એમ પણ ઉમેર્યું હતું કે, કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર પોલીસ પર હુમલો કરવો એ દર્શાવે છે કે આરિઝ સમાજનો એક દુશ્મન સમાન છે. સાથે એમ પણ કહ્યું હતું કે, જે ક્રૂરતાપૂર્વક આ કૃત્ય કરવામાં આવ્યું અને જે માનસિકતા સાથે કરવામાં આવ્યું, તેને અવગણી શકાય નહીં.