શુક્રવારે (29, સપ્ટેમ્બરે) વડોદરાના પાદરામાં અંબાજી મંદિર ભારત માતા ચોક પાસે રાત્રિના સમયે નીકળેલા ઈદના જુલુસમાં મુસ્લિમ યુવાનોએ મંદિરની બહાર અન્ય યુવકો સાથે ગાળાગાળી, અભદ્ર ઇશારા અને ભગવાન પર ટિપ્પણી કર્યા બાદ તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને લઈને એક હિંદુ યુવાને પાદરા પોલીસ સ્ટેશનમાં 13 સામે નામજોગ અને 20 જેટલા અન્ય ઈસમો સામે પણ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે 20 લોકોની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ, આ ઘટનાને લઈને વધુ વિગતો સામે આવી રહી છે.
હિંદુ યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 29 સપ્ટેમ્બર 2023ના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં હિંદુ એકતા સંગઠનના સભ્યો અંબાજી મંદિર, ભારત માતા ચોક ખાતે ગણેશ વિસર્જન બાદ બેનરો ઉતારવા, ટેબલો મૂકવા ગયા હતા. ત્યારબાદ તેઓ અન્નકુટના પ્રસાદનું વિતરણ કરતાં હતા. આ સમયે મુસ્લિમ સમુદાયે ઈદ નિમિત્તે જુલુસ કાઢ્યું હતું. જુલુસ ડીજે સાથે પસાર થઈને અંબાજી મંદિર પાસે રાત્રિના 10 વાગ્યાના અરસામાં પહોંચ્યું હતું. આ સમયે હિંદુ યુવાનો અંબાજી મંદિરના ચોકમાં બેઠા હતા.
“તમે રેલીઓ કાઢો છો, હવે કાઢીને બતાવો”
ત્યારે જુલુસમાંથી સલમાન મલેક દોડી આવ્યો હતો અને અજયસિંહ નામના યુવાનને કહેવા લાગ્યો હતો કે, “તમે રેલીઓ કાઢો છો, હવે કાઢીને બતાવો.” આ ઉપરાંત તેણે ભગવાન વિશે ખરાબ ગાળો બોલી અભદ્ર ટિપ્પણી કરી હતી. તેની સાથેના ત્રણ અન્ય ઈસમો મંદિરની સામે પેન્ટ ખોલી કપડાં કાઢી અભદ્ર ચાળા કરી જાતિ અને ધર્મ વિરુદ્ધ નારા લગાવીને નાચવા લાગ્યા હતા.
આ ઘટનાને લઈને સલમાન અને તેના સાથીઓને હિંદુ યુવાનોએ સમજાવવાનો પ્રયાસ કરતાં બીજા એક ઈસમ ફૈઝલ વ્હોરાએ ત્યાં આવીને ‘હવે તમારા સમાજને ભેગો કર્યો છે તો હું તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. આ બાદ સિકંદર પેઇન્ટર બોડિયો બાકીનાને બોલાવી લાવ્યો હતો અને હિંદુ યુવાનો પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન સ્થળ પર હાજર એક મહિલા છોડાવવા માટે વચ્ચે પડતાં મુસ્લિમ યુવાનોએ વધુ ઉશ્કેરાઈને જાતિ અને ધર્મ વિરુદ્ધ નારા લગાવવા લાગ્યા હતા.
આ બનાવને પગલે મોટી સંખ્યામાં હિંદુ સંગઠનોએ પાદરા પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. તે દરમિયાન પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા રોહન આનંદ પાદરા આવી પહોંચ્યા હતા. સાથે જિલ્લા એલસીબી સહિત એસઓજી તેમજ વડુ, કરજણ, પોર, વરણામા પોલીસનો મોટો કાફલો પાદરા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીઓ સામે નોંધ્યો ગુનો
પાદરામાં અંબાજી મંદિરે હુમલાના બનાવમાં પોલીસે સલમાન મલેક બુચીયો, ફૈઝલ વ્હોરા, સિકંદર પેઇન્ટર બોડીયો, ઐયુબ, સૈફ અલીખાન શેખ, સામી ગરાસીયા, આવેઝ વ્હોરા, નવાબ મિર્ઝા, યાકુબ મલીક, સૈઝાન પઠાણ, ટાઈગર- KFC ગ્રૂપનો વ્યક્તિ, અસલમ મલેક અને અનવર સામે ગુનો નોંધ્યો છે. જ્યારે બાકીના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કર્યા બાદ 20 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 143 (ગેરકાયદેસર સભા), 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 294B (અશ્લીલ કૃત્યો અને ગીતો), 298 (ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી શબ્દો ઉચ્ચારવા) અને 323 (સ્વૈચ્છિક નુકશાન પહોંચાડવું) જેવી કલમોનો સમાવેશ થાય છે.