Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાતવડોદરાના પાદરામાં ઈદના જુલુસ દરમિયાન ઘર્ષણ: મુસ્લિમ યુવકોએ મંદિર પાસે ઊભેલા હિંદુ...

    વડોદરાના પાદરામાં ઈદના જુલુસ દરમિયાન ઘર્ષણ: મુસ્લિમ યુવકોએ મંદિર પાસે ઊભેલા હિંદુ યુવકો સાથે ગાળાગાળી કરી બીભત્સ ઇશારા કર્યાની ફરિયાદ, ગુનો દાખલ

    પોલીસે ફરિયાદના આધારે 13 ઇસમો સામે નામજોગ અને બાકીના ટોળા સામે રાયોટિંગ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને રાત્રે જ 22 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    વડોદરાના પાદરામાં શુક્રવારે (29 સપ્ટેમ્બર, 2023) આયોજિત ઈદના જુલુસમાં હિંદુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું. ફરિયાદ છે કે શહેરમાંથી પસાર થતું જુલુસ જ્યારે અંબાજી મંદિર પાસે પહોંચ્યું ત્યારે અમુક મુસ્લિમ યુવકોએ હિંદુ યુવકો સાથે માથાકૂટ કરી હતી અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. ત્યારબાદ હિંદુઓ મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ દાખલ કરાવી હતી. 

    મામલાની વધુ વિગતો એવી છે કે, શુક્રવારે ઈદ નિમિત્તે પાદરામાં મુસ્લિમ સમુદાયે જુલુસ કાઢ્યું હતું. રાત્રે લગભગ દસ વાગ્યાના અરસામાં આ જુલુસ શહેરમાં સ્થિત અંબાજી મંદિરે પહોંચ્યું હતું. આ સમયે કેટલાક હિંદુ યુવકો મંદિરે પ્રસાદનું વિતરણ કરી રહ્યા હતા. હિંદુ સંગઠનોની ફરિયાદ અનુસાર, જુલૂસમાં આવતા લોકોએ તેમની સાથે બોલાચાલી કરી અને મુસ્લિમ યુવકોએ તેમને બીભત્સ ઇશારા કરીને અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેના કારણે ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને માહોલ તંગદિલીભર્યો બની ગયો હતો.

    મામલો વધુ બિચકતાં હિંદુ યુવકો મોટી સંખ્યામાં પાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ઉશ્કેરણી કરનાર મુસ્લિમ યુવકો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસે પહોંચીને ટોળાં વિખેરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. 

    - Advertisement -

    જિલ્લા પોલીસ વડા રોહન આનંદના જણાવ્યા અનુસાર, એક હિંદુ યુવકની ફરિયાદના આધારે પોલીસે મોડી રાત્રે આ મામલે ફરિયાદના આધારે 13 ઇસમો સામે નામજોગ અને બાકીના ટોળા સામે રાયોટિંગ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને રાત્રે જ 22 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ઘટના સમયે આ લોકો ક્યાં હતા તેની પૂછપરછ કરવામાં આવતાં અમુકની હાજરી સ્થળે પ્રસ્થાપિત થઈ ચૂકી છે જ્યારે બાકીનાને લઈને તપાસ ચાલી રહી છે. 

    પોલીસે જણાવ્યું કે, અમારી પાસે સીસીટીવી ફૂટેજ પણ આવી ચૂક્યા છે, જેના આધારે આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જુલૂસમાં સામેલ લોકો અને મંદિરમાં બેઠેલા લોકો વચ્ચે ધાર્મિક લાગણી દુભાય તેવી બોલાચાલી થઈ હતી. 

    આરોપો એવા પણ છે કે મુસ્લિમ યુવકો ઈદના જુલુસમાં તલવારો અને લાકડીઓ લઈને ફરતા હતા. જેને લઈને પોલીસે જણાવ્યું કે, આ અમારા ધ્યાને પણ આવ્યું છે અને જો તપાસમાં આ બાબત સત્ય જણાય અને ફૂટેજ મળશે તો તેને લઈને જાહેરનામા ભંગની અન્ય ફરિયાદ દાખલ કરવામાં આવશે.  

    છેલ્લા 48 કલાકમાં ત્રીજી ઘટના 

    ઉલ્લેખનીય છે કે છેલ્લા 48 કલાકમાં આ પ્રકારની ત્રણ ઘટનાઓ બની ચૂકી છે, જેમાં બાકીની બે ઘટનાઓમાં હિંદુ શોભાયાત્રાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુરૂવારે (28 સપ્ટેમ્બર) ગણેશ વિસર્જન દરમિયાન વડોદરાના સાવલી તાલુકાના મંજુસરમાં ગણેશજીની યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો બીજા દિવસે શુક્રવારે નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગ દળ આયોજિત ‘શૌર્ય જાગરણ યાત્રા’ પર મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. 

    ત્રણેય ઘટનાઓમાં પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને હાલ જે-તે જિલ્લાની પોલીસ મામલાની તપાસ કરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં