ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી પ્રસિદ્ધ નેતાઓમાંના એક છે. વિવિધ એજન્સીઓના સર્વેમાં તેઓ દુનિયાના શ્રેષ્ઠ નેતા તરીકે જાહેર થયા છે. ત્યારે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના અધ્યક્ષ જોન ચેમ્બર્સે પણ PM મોદીની પ્રશંસા કરી છે. તેમણે પીએમ મોદીને ‘વિશ્વના શ્રેષ્ઠ નેતા’ ગણાવ્યા છે. ભૂતપૂર્વ ટેક જાયન્ટ ચેમ્બર્સે જણાવ્યું હતું કે, ભારતમાં વડાપ્રધાન મોદીનું એપ્રુવલ રેટિંગ 76 ટકા છે, જેનો અર્થ છે કે લોકો તેમને ખુબ પસંદ કરે છે. ચેમ્બર્સે લોકોનો વિશ્વાસ વધારવાની તેમની (PM મોદીની) ક્ષમતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
PM મોદીની પ્રશંસા કરતા ચેમ્બર્સે કહ્યું કે, “સ્વાભાવિક છે કે હું પીએમ મોદીનો મોટો પ્રશંસક છું. મને લાગે છે કે તેઓ આજે વિશ્વના શ્રેષ્ઠ નેતા છે, અને હું ઈચ્છું છું કે અમેરિકામાં પણ આપણી પાસે એવું કોઈક હોય. અમારી પાસે એવો કોઈ રાજકીય નેતા નથી કે જેની પાસે 50 ટકાથી વધુ એપ્રુવલ રેટિંગ હોય. જ્યારે વડા પ્રધાન મોદીને 76 ટકા એપ્રુવલ મળ્યું છે” ટેક ઉદ્યોગમાં તેમની પ્રભાવશાળી ભૂમિકા માટે જાણીતા ચેમ્બર્સે એક ખાનગી ચેનલ સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
ચેમ્બર્સે લોકોનો વિશ્વાસ જીતવાની તેમની ક્ષમતાને ટાંકીને, યુએસ નેતાઓ સાથે સારા સંબંધો બનાવવા માટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી . તેમણે કહ્યું, “જો તમે કોઈ નેતા વિશે વિચારો છો, તો તે તેના ટ્રેક રેકોર્ડ વિશે છે. તે તેના સંબંધો અને વિશ્વાસ વિશે છે. તેમણે અમારા તમામ રાજકીય નેતાઓ સાથે સારા સંબંધો બાંધ્યા છે. લોકો તેમના પર વિશ્વાસ કરે છે.”
ચેમ્બર્સે જણાવ્યું કે, “ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે એ નક્કી છે.” તેમણે ભારતની અર્થવ્યવસ્થા વિશે જણાવતા કહ્યું કે, એક દાયકામાં ભારતની અર્થવ્યવસ્થા ચીન કરતાં 90% મોટી હશે. ભારત ટોચ પર પહોંચ્યું છે તેનું એક કારણ તેની જોખમ લેવાની તૈયારી છે. થોડા વર્ષો પહેલા એવું નહોતું, ચેમ્બર્સના મતે આ પીએમ મોદીના દબાણને કારણે થયું છે.
આ પહેલાં ડિસેમ્બરની શરૂઆતમાં, યુએસઆઈએસપીએફના પ્રમુખ અને સીઈઓ મુકેશ અઘીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાયડનની મુલાકાતો દરમિયાન કુટનીતિક ગતિ પ્રાપ્ત થઈ છે. જેણે બંને દેશો વચ્ચે ‘મજબુત વ્યૂહાત્મક રોડમેપ’ તૈયાર કર્યો છે, ભારત અને યુએસ વચ્ચે ઘણા ક્ષેત્રોમાં નવી પહેલનો માર્ગ મોકળો કર્યો છે.
તેમણે જણાવ્યું કે, સ્વચ્છ ઉર્જા સહકાર, શિક્ષણ, અવકાશ સહયોગ, સેમિકન્ડક્ટર્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ડ્રોન ટેક્નોલોજી, જેવા બહુપક્ષીય ક્ષેત્રોમાં નવા સંવાદો અને પહેલનો માર્ગ મોકળો થયો છે. આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ, ભારતમાં GE F-414 જેટ એન્જિનના ઉત્પાદન જેવા સંયુક્ત પ્રોજેક્ટ્સ ભારતને આવી ઉત્પાદન ક્ષમતા ધરાવતા દેશોની ખાસ ક્લબમાં મૂકે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના જૂન મહિનામાં પીએમ મોદી અમેરિકા ગયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને પીએમ મોદીને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. વ્હાઇટ હાઉસમાં ડિનર પહેલા વડાપ્રધાન મોદીએ અમેરિકન સાંસદોને પણ સંબોધિત કર્યા હતા. બાદમાં, યુએસ પ્રમુખ જો બાયડન ભારતના પ્રમુખપદ હેઠળ યોજાયેલી G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.