પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયામાં થયેલા એક આતંકવાદી હુમલામાં યુગાન્ડાના 54 સૈનિકો માર્યા ગયા છે. આ હુમલા પાછળ ઇસ્લામી સંગઠન અલ શબાબનો હાથ હોવાનું સામે આવ્યું છે. આતંકવાદીઓએ સોમાલિયામાં આફ્રિકન યુનિયન ટ્રાન્ઝિશન મિશન ઇન સોમાલિયા (ATMIS)ની માલિકીના આર્મી બેઝ પર હુમલો કર્યો હતો. આ બેઝ પર યુગાન્ડાના સૈનિકો તહેનાત હતા.
યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી કાગુટા મુસેવેનીએ શનિવારે (3 જૂન, 2023) આ ઘટના અંગે જાણકારી આપી હતી. યોવેરીએ જણાવ્યું હતું કે, “આતંકી સંગઠન અલ શબાબે સોમાલિયાની રાજધાની મોગાદિશુથી 130 કિમીના અંતરે આવેલા બુલામરેર બેઝ પર હુમલો કર્યો હતો, જેમાં યુગાન્ડાના 54 સૈનિકો માર્યા ગયા હતા. હુમલા બાદ અમારા સૈનિકોએ બહાદુરીપૂર્વક આતંકવાદીઓનો સામનો કર્યો હતો અને બેઝ પર નિયંત્રણ મેળવ્યું હતું.” આ હુમલો 26 મે, 2023ના રોજ થયો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. માર્યા ગયેલા સૈનિકો ‘આફ્રિકન યુનિયન પીસકીપર્સ’નો ભાગ હતા.
Before responding to very pertinent questions raised by members of the NRM parliamentary caucus, I updated them on the incident in Somalia.
— Yoweri K Museveni (@KagutaMuseveni) June 3, 2023
Our soldiers demonstrated remarkable resilience and reorganized themselves, resulting in the recapture of the base.
We discovered the… pic.twitter.com/J3EOVKYZkg
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરીએ હુમલા વિશે જાણકારી તો આપી હતી, પરંતુ એ સૈનિકો પર હુમલા વિશે જાણકારી નહોતી આપી જે સોમાલિયામાં આફ્રિકન યુનિયન ટ્રાન્ઝિશન મિશન (ATMIS) પર મોકલવામાં આવ્યા હતા. આતંકી સંગઠન અલ-શબાબનો દાવો છે કે તેણે 26મેએ કરેલા આ આત્મઘાતી હુમલામાં 137 સૈનિકોની હત્યા કરી નાખી છે.
ATMIS મિલિટરી બેઝ પર હુમલો કર્યા બાદ અલ-શબાબે 30 મેના રોજ મસાગાવામાં બીજા સૈન્ય કેમ્પ પર હુમલો કરીને 17 લોકોની હત્યા કરી નાખી હતી. તો સામે અલ-શબાબના 12 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ 1 જૂન, 2023ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ આફ્રિકા કમાન્ડ (AFRICOM) એ જવાબી હુમલો કર્યો હતો, જેમાં અલ-શબાબના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઘટના દક્ષિણ સોમાલિયાના બંદર કિસ્માયોથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલા વાયન્ટામાં બની હતી.
સોમાલિયામાં ઇસ્લામી શાસન લાગુ કરવા માગે છે ‘અલ શબાબ’
‘અલ શબાબ’ 2006થી સોમાલિયામાં હિંસા ફેલાવી રહ્યું છે. આ સંગઠન સોમાલિયામાં પશ્ચિમી દેશો દ્વારા સમર્થિત સરકારને હટાવીને શરિયા શાસનની સ્થાપના કરવા માગે છે. ઓગસ્ટ 2022માં હસન શેખ મહેમૂદની જીત બાદ આ ઇસ્લામિક આતંકવાદી સંગઠનનો પ્રભાવ ઓછો થઈ ગયો હતો. પરંતુ, તે હજુ પણ વિવિધ આર્મી બેઝને નિશાન બનાવી રહ્યું છે.
બીજી તરફ કેન્યાએ આ આતંકવાદી સંગઠન વિરુદ્ધ સોમાલિયાને સૈન્ય સહાય પૂરી પાડી હતી, જેથી અલ-શબાબ કેન્યા ઉપર હુમલો કરવા લાગ્યું છે. 2006ના અંતમાં અલ-શબાબે સોમાલિયાના દક્ષિણનો મોટાભાગનો ભાગ કબજે કર્યો હતો. જોકે, પરસ્પર જૂથવાદ અને મતભેદને કારણે આ આતંકવાદી સંગઠન બાદમાં નબળું પડી ગયું હતું. તેની સરખામણી અફઘાનિસ્તાનના તાલિબાન સાથે પણ થાય છે.