હાલ ભારત અને માલદીવ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને પોતાના જ દેશમાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષથી લઈને સામાન્ય લોકો અને પ્રવાસ સંઘ પણ માલદીવ સરકારની ટીકા કરી રહ્યા છે. તેવા સમયે હાલમાં જ માલદીવની રાજધાની માલેમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી. માલદીવની રાજધાનીના મેયરની ચૂંટણીમાં મોહમ્મદ મુઇઝુની પાર્ટીનો પરાજય થયો છે. જ્યારે ભારત સમર્થક પાર્ટીના ઉમેદવાર એડમ અઝીમને જીત મળી છે. ચૂંટણી પરિણામથી મુઇઝુને તથા તેમની પાર્ટીને ઝટકો લાગ્યો છે.
મળતી માહિતી અનુસાર માલદીવની રાજધાનીના મેયરની ચૂંટણીમાં ભારત સમર્થક વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ જીત મેળવી છે. MDPના ભારત સમર્થક ઉમેદવાર એડમ અઝીમને માલેના નવા મેયર તરીકે ચૂંટવામાં આવ્યા છે. અત્યાર સુધી આ પદ મુઇઝુની પાસે જ હતું, પરંતુ તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે તે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. MDP પાર્ટીનું નેતૃત્વ ભારત સમર્થક પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ કરી રહ્યા છે. જે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ચીન સમર્થક મુઇઝુની સામે હાર્યા હતા.
માલદીવની રાજધાની માલેમાં યોજાયેલી ચૂંટણી બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 41 બોક્સની ગણતરી બાદ, વિપક્ષી પાર્ટી MDPના નેતા એડમ અઝીમને 5,303 મતો સાથે પ્રચંડ લીડ મળી હતી. જ્યારે મુઇઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)ના ઉમેદવાર એશથ અજીમા શકુરને માત્ર 3,301 જ મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે જીત મેળવનાર પાર્ટી MDPની આગેવાની માલદીવના પૂર્વ રાષ્ટ્રપતી મહોમ્મદ સોલીહ કરી રહ્યા છે. મહોમ્મદ સોલીહને ભારતના પ્રખર સમર્થક માનવામાં આવે છે અને તેમની પાર્ટીને મળેલી આ જીત પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદી માટે કરી હતી અપમાનજનક ટીપ્પણી
નોંધનીય છે કે, PM નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની યાત્રા કરી હતી, જ્યાંની અમુક તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શૅર કર્યા બાદ ભારતીય દ્વીપસમૂહની સરખામણી માલદીવ સાથે થવા માંડી હતી. આ ચર્ચાઓની વચ્ચે માલદીવનાં અમુક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી PM મોદી, ભારત અને ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ ટોળકીમાં પછીથી ત્યાંના નેતાઓ અને મંત્રીઓ પણ સામેલ થઈ ગયા હતા. જેને લઈને હવે માલદીવમાં જ તેમનો વિરોધ થઈ રહ્યો છે. જોકે, PM મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરનારા નેતાઓ અને મંત્રીઓને ત્યાંની સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. તેમ છતાં માલદીવ સરકારનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે.